કોંગ્રેસ પ્રમુખની સુરક્ષા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, આપી ઝેડ પ્લસ સુરક્ષા
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી અગાઉ મોદી સરકારે કોંગ્રેસના દિગ્ગજ નેતાની સુરક્ષા મુદ્દે સૌથી મોટો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મલ્લિકાર્જુન ખડગેને અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષને સીઆરપીએફની આ ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના આધારે આપવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેને કુલ 58 સીઆરપીએફ કમાન્ડો 24 કલાક સુરક્ષા આપશે. કોંગ્રેસ અધ્યક્ષને દેશભરમાં ઝેડ પ્લસ કેગેટરીની સુરક્ષા આપવામાં આવશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ખડગે પર ખતરાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં આ નિર્ણય લીધો હતો. ખડગે સામાન્ય ચૂંટણીઓ તેમજ મતદાન દરમિયાન સમગ્ર દેશમાં પ્રવાસ કરે તેવી આશા છે અને તેને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખડગેને હવે ત્રણ શિફ્ટમાં લગભગ 30 સીઆરપીએફ કમાન્ડોની સુરક્ષા કવચ મળશે. આ કવરમાં બુલેટપ્રૂફ વાહન, પાયલોટ અને એસ્કોર્ટનો પણ સમાવેશ થાય છે.