આ સ્ટારકપલને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શા માટે?
નવી દિલ્હી: બૉલીવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને ફિલ્મ પ્રોડ્યુસર જૈકી ભગના (Jackky Bhagnani)એ ગઇકાલે ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રકુલ અને જૈકીના લગ્ન અંગે તેમના લખો ચાહકો અને બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ પત્ર લખી બૉલીવૂડના ન્યૂલી વેડ્સ કપલને લગ્નની શુભેચ્છાઓ મોકલી હતી. પીએમ મોદીના આ પત્રને રકુલ અને જૈકીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે પીએમ મોદીએ શુભેચ્છા આપી એનું કારણ પણ કઈ વિશેષ છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.
રકુલ અને જૈકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પીએમ મોદીના શુભેચ્છા પત્રની તસવીર શેર કરી હતી અને સાથે પીએમએ આ પત્રમાં લગ્ન આમંત્રણ આપવા માટે પણ રકુલ અને જૈકીનો આભાર માન્યો હતો. આ પત્ર પીએમ મોદીએ જૈકીની મમ્મી પુજા અને પિતા વાસુ ભગનાનીનું સંબોધન કરતાં લખ્યો હતો.
પીએમએ લખ્યું હતું કે જૈકી અને રકુલે જીવનભર માટે એક નવા સફરની શરૂઆત કરી છે. આ શુભ પ્રસંગ પર હાર્દિક અભિનંદન. આવતા દરેક વર્ષો જોડા માટે ખુશીઓથી ભરાઈ રહે. મને લગ્નમાં આમંત્રિત કરવા માટે ધન્યવાદ, અને નવા પરિણીત યુગલને ફરી એક વખત શુભેચ્છાઓ પાઠવું છું.
પીએમ મોદીના આ પત્રની સ્ટોરી પોસ્ટ કરીને રકુલે લખ્યું હતું કે ‘આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ધન્યવાદ, તમારો આશીર્વાદ અમારી માટે એક વિશેષ મહત્ત્વ રાખે છે. આ સથે જૈકીએ લખ્યું કે વડા પ્રધાનજીનો ખૂબ ખૂબ આભાર. અમારા આ નવા સફર માટે તમારો આશીર્વાદ ખૂબ મહત્ત્વ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ વિદેશ કરતા ભારતના લોકપ્રિય સ્થળોએ ડેસ્ટિનેશન વેડિંગ આયોજન કરવાની સેલિબ્રિટીઝને અપીલ કરી હતી. આ અપીલ કર્યા પછી રકુલ અને જૈકીએ વિદેશના બદલે ગોવામાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી.