….અમારી પાર્ટીએ વચનો પૂરા કરીને લોકોનો વિશ્વાસ જીત્યોઃ સંરક્ષણ પ્રધાનનો મોટો દાવો
નબરંગપુરઃ લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે આજે ઓડિશામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર મોટો હુમલો કર્યો હતો તેમ જ પોતાની પાર્ટી (ભારતીય જનતા પાર્ટી)એ પ્રજાને આપેલા વચનો પૂરા કર્યા હોવાનો દાવો કર્યો હતો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ દ્વારા સર્જાયેલી રાજનીતિમાં વિશ્વસનીયતાની કટોકટીનો અંત લાવી દીધો છે અને ભગવા પાર્ટીએ વચનો પૂરા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કર્યા નથી જેના કારણે લોકોએ તેમના નેતાઓ પરથી વિશ્વાસ ગુમાવ્યો હતો, પરંતુ ભાજપે તેના ચૂંટણી વચનો પૂરા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે.
આ રીતે રાજકારણમાં વિશ્વસનીયતાનું સંકટ ખતમ થઇ ગયું છે. લોકોને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી બાદ લોકોને આપેલા વચનો ભૂલી જતી હતી અને તેથી લોકોનો નેતાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે ૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી વસ્તુઓ બદલાઇ ગઇ છે. તમે અમારો ચૂંટણી ઢંઢેરો જોઇ શકો છો અને તમે જોશો કે તમામ વચનો પૂરા થયા છે. પાર્ટીએ કલમ ૩૭૦ નાબૂદ કરવાનું, ટ્રિપલ તલાક નાબૂદ કરવાનું અને અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કરવાનું વચન આપ્યું હતું અને બધા વચનો પૂરા થયા હતા.
તેમણે કહ્યું કે લોકોને હવે સમજાયું છે કે ભાજપ જે વચનો આપે છે તે પૂરા કરે છે. કેન્દ્રમાં મોદી સરકાર રચાય અને ઓડિશામાં ડબલ એન્જિન સરકાર રચાય તે સુનિશ્ચિત કરવા માટે તેમણે પાર્ટીના કાર્યકરોને દિવસના ૧૨ કલાક પાર્ટીને આપવા વિનંતી કરી હતી.
સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે તેઓ ઓડિશા સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ચાર લોકસભા મતવિસ્તાર નબરંગપુર, કાલાહાંડી, કોરાપુટ અને બોલાંગીરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા.