સાવરકુંડલાની શેરીઓમાં સિહ ફરતો જોવા મળ્યો, વિસ્તારમાં ગભરાટ, વીડિયો વાયરલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક સિંહ રાત્રીના સમયે શેરીઓમાં ફરતો જોવા મળ્યો હતો. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રાહદારીએ રોડ પર ફરી રહેલા સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ મામલો સાવરકુંડલાના નેસડી રોડનો છે. એક સિંહ અહીંની શેરીઓ પર ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સિંહ શિકારની શોધમાં સાવરકુંડલા શહેર નજીક આવ્યો હતો. સિંહ નેસડી રોડ પર આવેલી ગૌશાળા પાસે ફરતો જોવા મળ્યો હતો. ગૌશાળાના ગાયોના શેડ પાસે રખડતા સિંહને લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો.
આ પહેલા પણ અમરેલી જિલ્લામાંથી આવો જ એક વિડીયો સામે આવ્યો હતો. ધારી ગીર વિસ્તારમાં 10 જેટલા સિંહો રસ્તાની વચ્ચે આવી ગયા હતા. આ દરમિયાન બંને તરફ ટ્રાફિક જામ થઇ ગયો હતો. સિંહો રસ્તા પર મસ્તી કરી રહ્યા હતા. એક ઓટો રિક્ષા ત્યાંથી પસાર થઈ ત્યારે સિંહો તેમની જગ્યાએથી ખસી ગયા હતા.