સ્પોર્ટસ

શ્રેયસ ઐયર પણ રણજીમાં નહીં રમે, બીસીસીઆઇ પાસે ખોટું બોલ્યો કે શું?

મુંબઈ: 2008માં જ્યારથી ક્રિકેટજગતની સૌથી ધનવાન અને સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અસ્તિત્વમાં આવી છે ત્યારથી અમુક ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર વહેલો પડદો પાડી દીધો છે, કેટલાક નાની-સૂની ઈજાને કારણે ઇન્ટરનૅશનલ મૅચો કે ડોમેસ્ટિક મૅચો રમવાનું ટાળતા હોય છે કે જેથી કરોડો રૂપિયા આપતી આઇપીએલમાં રમવાનું ગુમાવી ન શકાય અને અમુક ખેલાડીઓ ખોટું બોલવાથી પણ અચકાતા નથી હોતા.

વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને હેડ-કોચ રાહુલ દ્રવિડે વારંવાર સલાહ આપી હોવા છતાં રણજી ટ્રોફીમાં રમવાનું ટાળી રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ તેને એક આઇપીએલ સીઝન રમવાના 15.25 કરોડ રૂપિયા આપે છે. થોડા દિવસથી મિડલ-ઑર્ડરનો બૅટર શ્રેયસ ઐયર પણ ચર્ચામાં છે. તેને ઈજા હોવાનું જણાતાં બૅન્ગલૂરુની નૅશનલ ઍકેડેમીમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેને કંઈ જ ઈજા ન હોવાનું જણાયું હતું. જોકે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટેની ટીમમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેને પણ રણજી ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડમાં રમવાનું કહેવાયું હતું.

જોકે એક જાણીતા અખબારના અહેવાલ મુજબ શુક્રવારે મુંબઈમાં બરોડા સામે શરૂ થનારી રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલમાં રમવાનું મુંબઈના શ્રેયસ ઐયરે ટાળ્યું છે. તેણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ને સંદેશ મોકલ્યો છે તે પીઠની ઈજાને લીધે તે આ રણજી મૅચમાં નહીં રમે. જોકે નૅશનલ ઍકેડેમીના સ્પોર્ટ્સ સાયન્સ ઍન્ડ મેડિસિન વિભાગના ચીફ નીતિન પટેલે એમસીએના સિલેક્ટરોને વાકેફ કર્યા છે કે શ્રેયસ ઐયરને કંઈ જ ઈજા નથી અને તે રમી શકવાની સ્થિતિમાં છે.

આના પરથી શંકા થાય છે કે આઇપીએલ નજીક આવી રહી છે (બાવીસમી માર્ચથી આરંભ) એટલે શ્રેયસ એમાં રમવા માટે ફુલ્લી ફિટ રહેવાના આશયથી રણજી ટ્રોફીમાં રમવાનું ટાળી રહ્યો છે કે શું?

શ્રેયસ કલકત્તા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન છે. શ્રેયસને કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ 2022માં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે કે તેને દરેક સીઝન (દરેક વર્ષે) આઇપીએલ રમવાના આટલા રૂપિયા મળે છે.

કિશન અને શ્રેયસના આ અપ્રોચ બીસીસીઆઇએ ગયા અઠવાડિયે નવો કડક નિયમ જાહેર કર્યો ત્યાર પછી પણ બદલાયો ન હોવાથી તેમના ચાહકો જરૂર ચિંતામાં હશે. બીસીસીઆઇએ જાહેર કર્યું છે કે જે ખેલાડીઓ ભારત વતી રમવા માગતા હોય તેમણે પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું પડશે, તેમણે આઇપીએલ પહેલાં ત્રણથી ચાર રણજી મૅચ રમી જ હોવી જોઈશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button