(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતો પ્રાપ્ત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદઆજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂપિયા એકનો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ૩૯૮ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૯૮ના ઘટાડા સાથે રૂ. ૭૦,૩૧૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક બેતરફી અહેવાલને ધ્યાનમાં લેતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. એકના સાધારણ ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૦૦૮ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૨૫૭ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જાળવી રાખવાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભવામાં ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૨.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૦૩૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગોલ્ડમેન સાશનાં વિશ્ર્લેષકના મતાનુસાર ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત કરવામાં આવતાં સોનાને લાભ થશે, જ્યારે સિટી બૅન્કના વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫ સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.
Taboola Feed