પદ્મવિભૂષણ વકીલ ફલી નરીમાનનું અવસાન

નવી દિલ્હી: ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી સામ નરીમાનનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા. વરિષ્ઠ વકીલ નરીમાન હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડાતા હતા. તેમની સાત દાયકાની કાયદાકીય કારકિર્દી દરમિયાન નરીમાન અનેક મુખ્ય કાનૂની બાબતોનો ભાગ રહ્યા હતા, જેમાંથી ઘણા નિર્ણાયક બંધારણીય પ્રશ્ર્નો સાથે સંકળાયેલા હતા. નરીમાને ૧૯૫૦માં બોમ્બે હાઇ કોર્ટમાંથી વકીલાત શરૂ કરી હતી. ૧૯૬૧માં તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ૭૦ વર્ષ સુધી વકીલાત કરી હતી. તેઓએ
૧૯૭૨માં સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ત્યારબાદ તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નરીમાનને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે જાન્યુઆરી ૧૯૯૧માં પદ્મ ભૂષણ અને ૨૦૦૭માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
નરીમન તેમની લાંબી કાયદાકીય કારકિર્દીમાં ઘણા મોટા અને ઐતિહાસિક કેસોનો ભાગ રહ્યા હતા. કહેવાય છે કે તેઓ ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટીના નિર્ણયથી ખુશ ન હતા. લાઇવ લોના અહેવાલ અનુસાર નરીમાને ઇન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સીના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફલી સામ નરીમાનના પુત્ર રોહિન્ટન નરીમાન વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે.
તેમના નિધન પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, શ્રી ફલી નરીમાનજી સૌથી ઉત્કૃષ્ટ ન્યાયશાસ્ત્રી અને બૌદ્ધિકોમાંના એક હતા. તેમણે સામાન્ય નાગરિકોને ન્યાય સુલભ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના નિધનથી હું દુખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. સુપ્રીમ કોર્ટના વકીલ અને કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ નરીમનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. નરીમાનને યાદ કરતાં તેમણે લખ્યું કે, નરીમાને કહ્યું હતું કે માનવીય ભૂલો માટે હોર્સ ટ્રેડિંગ શબ્દનો ઉપયોગ કરવો એ ઘોડાઓનું અપમાન છે. ઘોડા વફાદાર પ્રાણી છે. તે (નરીમાન) ઇતિહાસના ગહન રહસ્યો શોધતા હતા અને બોલતી વખતે પોતાની બુદ્ધિમત્તાથી અજોડ રીતે જોડતા હતા.
કાયદા પર પકડની સાથે-સાથે તેઓ એક ઉમદા લેખક હોવાનું પણ કહેવાય છે. તેમના ‘ધ સ્ટેટ ઓફ નેશન’, ‘ગોડ સેવ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ’ અને તેમની આત્મકથા ‘બિફોર મેમરી ફેડ્સ’ જેવા પુસ્તકો લોકપ્રિય બન્યા હતા, જે ખૂબ વંચાયા હતા.
સાત દાયકાથી વધુ લાંબી તેમની પ્રખ્યાત કારકિર્દી દરમિયાન ફલી સામ નરીમાનના વકીલ અને વરિષ્ઠ વકીલ તરીકેના કેટલાક નોંધપાત્ર કિસ્સાઓ છે. જેમાં ૧૯૬૭નો ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કેસ, ટીએમએ પાઇ ફાઉન્ડેશન કેસ, એસપી ગુપ્તા અથવા ૧૯૮૧નો પ્રથમ ન્યાયાધીશોનો કેસ, ૧૯૮૪નો ભોપાલ ગૅસ દુર્ઘટના કેસ, ૨૦૧૪નો એનજેએસી કેસ, જે જયલલિતા સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ, નર્મદા પુનવર્સન કેસ, કાવેરી જળ વિવાદ કેસ, ૨૦૧૬નો નબામ રેબિયા ચુકાદો અને કોવિડ ૧૯ કેસનો સમાવેશ થાય છે. ભોપાલ ગૅસ દુર્ઘટના કેસમાં નરીમાન યુનિયન કાર્બાઇડ તરફથી હાજર રહ્યા હતા. તે પછીથી તેઓએ સ્વીકાર્યું હતું કે તે એક ભૂલ હતી. કોર્ટની બહાર પીડિતો અને કંપની વચ્ચેના સોદાને આખરી ઓપ આપવામાં પણ તેમની ભૂમિકા રહી હતી.