આમચી મુંબઈ

અંધેરીના ગોખલે પુલની એક બાજુ ૨૫ ફેબ્રુઆરીના ખુલ્લી મુકાશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલની એક બાજુની લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવા માટે તૈયાર છે. જોકે ૨૫ ફેબ્રુઆરીના આપેલી મુદતમાં તે ખુલ્લી મુકાશે કે મહિનાના અંત સુધીમાં તે બાબતે મુંબઈ મહાનગરપાલિકાએ કોઈ ચોખવટ કરી નહોતી. તો સ્થાનિક વિધાનસભ્યએ પોતે આ બાબતથી અજાણ હોવાનો દાવો કર્યો હતો.
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે પોતાના ૨૦૨૪-૨૫ના બજેટ ભાષણમાં ગોખલે પુલની એક તરફની લેન ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના ખુલ્લી મુકવામાં આવશે એવું વચન આપ્યું હતું. જોકે પુલની એક લેન રવિવારે વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવામાં આવશે એ બાબતે સ્થાનિક રહેવાસીઓને શંકા છે. તો સ્થાનિક વિધાનસભ્ય અમિત સાટમે પણ ૨૫ ફેબ્રુઆરીના ખુલ્લા મુકવા બાબતથી તેઓ અજાણ હોવાનું કહ્યું હતું. પાલિકાના પુલ વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ પુલની એક લેનનું લગભગ મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. જોકે તેને કયારે ખુલ્લી મૂકવી તે બાબતે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી નથી. પરંતુ આ મહિનાના અંત સુધીમાં તે વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવવાનો છે.
લોંખડવાલા ઓશિવરા સિટિઝન્સ અસોસિયેશનના સ્થાપક ધવલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું પાલિકા ઈચ્છે તો ૨૫ ફેબ્રુઆરીના ગોખલે પુલની એક તરફની લેન ખુલ્લી મુકી શકાય છે. પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ગોખલે પુલની એક લેન મહિનાના અંત સુધીમાં ખુલ્લી મુકાવાની શક્યતા વચ્ચે સ્થાનિક રહેવાસીઓ પાલિકા પ્રશાસન સાથે ગોખલે પુલને આપેલી સમયમર્યાદામાં ખુલ્લો મુકવા માટે સતત પત્રવ્યવહાર કરી રહ્યા હોવાનું કહેવાય છે. પુલની બીજી બાજુનું કામ હજી સુધી પાલિકાએ ચાલુ કર્યું નથી. તો પુલને લગતા અન્ય કામ પણ બાકી હોવાને કારણે ચોમાસા પહેલાં આખો પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની શક્યતા ઓછી હોવાનો ભય સ્થાનિક નાગરિકોને સતાવી રહ્યો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button