પુરુષ

ક્યાં છે આજે આ વીર યોદ્ધાના વંશ-વારસ?

૨૨૬ વર્ષ અગાઉ અંગ્રેજો સામેનાં યુદ્ધમાં વીરગતિ પામનારા વાદ-વિવાદમાં સપડાયેલા મૈસૂરના મુસ્લિમ રાજવી ટીપુ સુલ્તાનને જરા નજીકથી ઓળખવા જેવા છે…

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

એસપ્લેનેડ-મહાનગર કોલકાતાના બરાબર મધ્યમાં આ એક બહુ જાણીતો વિસ્તાર છે. અંગ્રેજોના જમાનાથી એસપ્લેનેડ નામે ઓળખાતી આ જગ્યા આજે ધરમતલ્લા’ તરીકે પણ જાણીતી છે, કારણ કે અહીં આસપાસ કેટલાંક ધાર્મિક સ્થાનક પણ છે.
અહીં કેન્દ્રમાં એક વર્તુળાકારે કોલકાતાનો જાણીતો ટ્રામકારનો વિશાળ ડેપો છે, જેની એક દિશામાં ‘કેસી દાસ’ના વિખ્યાત રસગુલ્લાની શોપ છે. એની બરાબર વિરુદ્ધ દિશામાં બિસ્માર હાલતમાં એક અતિ પ્રાચીન મસ્જિદ છે. લોકોનું માંડ ધ્યાન દોરાય એવી એ મસ્જિદમાં દર વર્ષની એક ખાસ બપોરે વિશેષ નમાઝ પઢાય પછી નમાઝીઓ મસ્જિદની બહાર આવી એક સાથે સૂત્રો પોકારે:
ટીપુ સુલ્તાન અમર રહો.. ટીપુ સુલ્તાન ઝિંદાબાદ..!’
ના, આ કોઈ રાજકીય પક્ષના લોકો નથી. દેખાવે સાવ ગરીબ શ્રમજીવી જેવા એ થોડા લોકો હકીકતમાં કર્ણાટક- મૈસૂરના સુલ્તાન ફ્તેહઅલી સહાબ ટીપુના વંશ-વારસ છે..! આ વંશજો દર વર્ષે ૨૦ નવેમ્બરના ટીપુના જન્મદિવસે અહીં આવી નમાઝ પઢીને અનેક જંગમાં અંગ્રેજ સલ્તનતને હંફાવનારા એમના વીર પૂર્વજને યાદ કરે છે!
ઈતિહાસનાં પૃષ્ઠો પર એક ખૂંખાર યોદ્ધા હોવા ઉપરાંત ટીપુ સુલ્તાનની ગણના એક વિદ્વાન અને કુશળ શાસક તરીકે પણ થતી હતી.
(જો કે, કેટલાક ઈતિહાસકારો એને અતિ ક્રૂર મુસ્લિમ બાદશાહરૂપે પણ વર્ણવે છે.)
પોતાના શૌર્ય માટે ‘શેર-એ-મૈસૂર’ તરીકે ઓળખાતો ટીપુ જેટલો રણભૂમિની વિદ્યામાં પારંગત હતો એટલો જ નિપુણ એ અવનવાં શસ્ત્રો તૈયાર કરાવવામાં પણ હતો. ખાસ કરીને અંગ્રેજો સામેના સંગ્રામોમાં ટીપુ જે તલવાર વાપરતો એ આજે પણ બહુ જાણીતી છે.
એની રત્નોજડિત મૂઠ પર કુરાનની આયાત અંકિત એવી કાર્બન – પોલાદના સંયોજનથી બનેલી એ તલવારની ધાર એવી તીક્ષ્ણ હતી કે દુશ્મને ધારણ કરેલાં લોખંડના બખ્તર સુધ્ધાંને ઊભું ચીરી નાખતી ! ટીપુ પોતાનાં અંગત વપરાશની ચીજ-વસ્તુઓથી લઈને પોતાનાં શસ્ત્રો પર સુદ્ધાં વાઘનું પ્રતીક અંકિત કરાવતો.
૪ મે -૧૭૯૯માં અંગ્રેજો સામેના શ્રીરંગપટ્ટનમના જંગમાં માર્યા ગયા પછી ટીપુની પેલી માનીતી આશરે સાડા સાત કિલોગ્રામ વજન ધરાવતી તલવાર સહિત એનાં અનેક શસ્ત્રો અંગ્રેજો બ્રિટન લઈ ગયા હતા. એમાંથી ઘણી ખરી વસ્તુ લંડન મ્યુઝિયમ સુધી પહોંચી પછી કેટલીકનું રૂપિયા ૬૨ કરોડમાં લીલામ થઈ ગયું ત્યારે એક અહેવાલ મુજબ ટીપુની તલવારના રૂપિયા ૨૧ કરોડ ઉપજ્યા હતા . ટીપુની આવી એક તલવાર હાલ ભાગેડુ એવા વિજય માલ્યાએ પણ એક લિલામમાંથી રૂપિયા દોઢ કરોડમાં ખરીદી હતી,પરંતુ એ તલવાર અમારા પરિવાર માટે અપશુકનિયાળ ઠરી છે એવું કહીને માલ્યાએ તે તલવાર ફરી ક્યાંક વેંચી મારી હતી !
અંગ્રેજો સામેના યુદ્ધમાં માર્યા ગયેલા આવા આ ટાઈગર ‘ટીપુ સુલ્તાન’ના પરિવારને અંગ્રેજોએ મૈસૂરથી હાંકી કાઢી- વેર-વિખેર કરીને પરિવારના મોટાભાગનાને કોલકાતામાં જ વસી જવાની અંગ્રેજ શાસકોએ ફરજ પાડી હતી, જેથી પાછળથી કોઈ વંશજ એમની સામે બળવો ન પોકારી શકે. એ વખતે કુલ ૩૦૦ લોકોનો પરિવાર અહીં કોલકાતા આવ્યો, જેમાં ટીપુની ચાર પુત્રી સહિત કુલ ૧૨ સંતાન હતા. કાળક્રમે એના માત્ર બે શાહજાદા જીવિત રહ્યા ત્યારે સૌથી નાના શાહજાદા ગુલામ મોહમ્મદે એના વાલિદ ટીપુની યાદમાં ૧૮૩૨-૪૨ દરમિયાન કોલકાત્તાની મસ્જિદ બનાવી હતી.. કહે છે કે ટીપુના વારસદારો એ વખતે એમની સાથે છ બળદગાડાં ભરીને જે કરોડો રૂપિયાનો જ૨-ઝવેરાતનો શાહી ખજાનો લાવ્યા હતા એને પણ ગોરા સત્તાવાળાએ પોતાના કબજામાં લઈને કોલકાતાની ઐતિહાસિક લશ્કરી છાવણી ફોર્ટ વિલિયમમાં સંતાડી દીધો હતો..
શરૂઆતમાં ખારીલા અંગ્રેજોએ અને પાછળથી આપણા શાસકોએ પણ આ વંશજોને ખાસ ગણકાર્યા નહીં પરિણામે ૨૨૦ વર્ષથી આજે કોલકાત્તામાં વસી ગયેલા ટીપુના મોટાભાગના વંશજો શાહઝાદા-નવાબ -રાજા -સુલ્તાન જેવા શાહી નામ ધરાવતાં હોવા છતાં દારુણ અવસ્થામાં જીવે છે. કોઈ ઈલેક્ટ્રિશિયન છે – કોઈ દરજી છે તો કોઈ હાથરિક્ષા ખેંચે છે તો કોઈ પેટ્રોલ પમ્પ પર કાર- સાઈક્લના પંકચર દુરસ્ત કરવાની મજૂરી કરી પેટિયું રળે છે.
એક અહેવાલ મુજબ ટીપુના સીધા વારસ કહી શકાય એવા ૪૦-૪૨ લોકો આજે પણ કોલકાત્તામાં કોઈ પણ સરકારી આર્થિક સહાય વગર હજુ આવી વેર-વિખેર હાલતમાં વસે છે.
જસ્ટ આપણી જાણ ખાતર, ટીપુ સુલ્તાન એવો પહેલો શાસક હતો, જેણે અંગ્રેજો વિરુદ્ધનાં યુદ્ધમાં સ્વદેશી રોકેટનો મારો ચલાવીને એમને એવા ત્રાહિમામ પોકરાવી દીધા હતા કે આજેય ટીપુના રોકેટ-મિસાઈલ્સના નમૂના લંડનના મ્યુઝિયમમાં જોવા મળે છે! (સંપૂર્ણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button