લાડકી

ભારતીય બંધારણના ઘડવૈયા નારી રત્નો (૩)

વિશેષ – કવિતા યાજ્ઞિક

આપણે ભારતની સ્વતંત્રતાના હીરક મહોત્સવ પ્રસંગે ભારતના બંધારણના ઘડવૈયા નારી રત્નો વિશે આપણી વાત આગળ વધારીએ.
પોતાની નારી સહજ સંવેદનશીલતા અને કોઠાસૂઝથી ભારતના ભવિષ્યના નિર્માણ માટેના અમૂલ્ય ગ્રંથ, બંધારણમાં અમૂલ્ય યોગદાન આપનાર બીજા નારી રત્નો છે.

રેણુકા રે
રેણુકા આઈસીએસ અધિકારી સતીશ ચંદ્ર મુખર્જીના પુત્રી હતાં. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બી.એ. નો અભ્યાસ પૂરો કર્યો હતો. વર્ષ ૧૯૩૪ માં તેઓ એઇડબ્લ્યૂસીના કાનૂની સચિવ તરીકે, તેમણે ‘ભારતમાં મહિલાઓની કાનૂની અપંગતા’ નામનો દસ્તાવેજ રજૂ કર્યો. રેણુકાએ યુનિફોર્મ પર્સનલ લો કોડ માટે દલીલ કરી અને કહ્યું કે ભારતીય મહિલાઓની સ્થિતિ વિશ્ર્વમાં સૌથી અન્યાયી છે. ૧૯૪૩ થી ૧૯૪૬ સુધી, તેઓ કેન્દ્રીય વિધાનસભા, બંધારણ સભા અને કામચલાઉ સંસદના સભ્ય હતાં. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી, તેમણે પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં રાહત અને પુનર્વસન મંત્રી તરીકે સેવા આપી હતી. આ સાથે, તેઓ વર્ષ ૧૯૫૭ અને ફરીથી ૧૯૬૨ માં લોકસભામાં માલદાના સભ્ય હતાં. તેમણે ઓલ બંગાળ વિમેન્સ એસોસિએશન અને વિમેન્સ કોઓર્ડિનેટર કાઉન્સિલની સ્થાપના કરી. તેમણે બંધારણ સભામાં મહિલાઓના અધિકારોના મુદ્દાઓ, લઘુમતીઓના અધિકારો અને દ્વિગૃહ ધારાસભાની જોગવાઈ સહિત અનેક હસ્તક્ષેપ કર્યા હતા.

સરોજિની નાયડુ
સરોજિની નાયડુ આમ તો કોઈ પરિચયના મોહતાજ નથી. તેમનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતાં અને ભારતીય રાજ્યના ગવર્નર તરીકે નિયુક્ત થયાં હતાં. તેમને લોકપ્રિય રીતે ‘ભારતની કોકિલા’ પણ કહેવામાં આવે છે. તેમણે કિંગ્સ કોલેજ (લંડન) અને બાદમાં કેમ્બ્રિજની ગર્ટન કોલેજમાં અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૨૪માં તેમણે ભારતીયોના હિતમાં આફ્રિકાનો પ્રવાસ કર્યો અને ઉત્તર અમેરિકાની મુલાકાત લીધી. ભારત પાછા આવ્યા પછી, તેમની બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓને કારણે તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું. સરોજિની નાયડુ તેમની સાહિત્યિક પ્રતિભા માટે પણ જાણીતાં હતાં. બિહાર રાજ્યમાંથી તેમની વરણી બંધારણ સભામાં થઇ હતી. તેઓ ‘રાષ્ટ્રીય ધ્વજ પરની પેટા સમિતિ’ના સભ્ય હતાં. તેમણે બંધારણ સભામાં ભારત માટે રાષ્ટ્રધ્વજના મહત્ત્વ અને અર્થ વિશે લાંબી અને વિશદ ચર્ચા કરી હતી. તેમણે એ યાદ કર્યું કે કેવી રીતે એકવાર બર્લિનમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ દરમિયાન, તેઓ એ હકીકતથી નારાજ હતા કે ભારતનો રાષ્ટ્રધ્વજ નથી. તેમના સૂચન પર, ભારતીય મહિલા પ્રતિનિધિઓએ ત્રિરંગા ધ્વજ બનાવવા માટે તેમની સાડીઓ ફાડીને તેમાંથી રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો, જેથી રાષ્ટ્રીય ધ્વજના અભાવે દેશનું અપમાન ન થાય.
એક આડ વાત, ડો. સરોજિની નાયડુએ કાશ્મીરી કવિની આ પંક્તિઓ સાથે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું ત્યારે આખી એસેમ્બલી આનંદથી ઊભરાઈ ગઈ હતી,
બુલબુલ કો ગુલ મુબારક,
ગુલ કો ચમન મુબારક,
રંગીન તાબિયાતોં કો રંગે સુખન મુબારક.

સુચેતા કૃપાલાની
સુચેતાજીનો જન્મ વર્ષ ૧૯૦૮માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમને ખાસ કરીને ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. કૃપાલાનીએ વર્ષ ૧૯૪૦માં કૉંગ્રેસ પાર્ટીની મહિલા પાંખની પણ સ્થાપના કરી હતી. સ્વતંત્રતા પછી, કૃપલાનીની રાજકીય કારકિર્દીમાં નવી દિલ્હીના સાંસદ તરીકે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપવાનો સમાવેશ થાય છે. તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતાં. ૧૯૪૬માં, કૃપલાની સંયુક્ત પ્રાંતમાંથી બંધારણ સભા માટે ચૂંટાયાં હતાં. તેઓ ધ્વજ પ્રસ્તુતિ સમિતિના સભ્ય હતા, જેણે બંધારણ સભા સમક્ષ પ્રથમ ભારતીય ધ્વજ રજૂ કર્યો હતો.

વિજયા લક્ષ્મી પંડિત
સરોજિની નાયડુની જેમ વિજયા લક્ષ્મી પંડિતનું નામ પણ ભારતીયોથી અજાણ્યું નથી જ. તેમની ઓળખાણ માત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનના બહેન જેટલી જ નથી. વિજયા લક્ષ્મીજીનું પોતાનું આગવું વ્યક્તિત્વ અને આગવું યોગદાન રહ્યું છે, ન માત્ર સ્વતંત્રતા સંગ્રામમાં, પણ ભારતના બંધારણના ઘડતરમાં પણ. વિજયા લક્ષ્મી પંડિતનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૦૦ના રોજ અલ્હાબાદમાં થયો હતો. અંગ્રેજોએ તેમને ૧૯૩૨ થી ૧૯૩૩, ૧૯૪૦ અને ૧૯૪૨ થી ૧૯૪૩ સુધી ત્રણ અલગ અલગ જેલમાં કેદ કર્યાં. રાજનીતિમાં વિજયા લક્ષ્મીજીની લાંબી કારકિર્દી સત્તાવાર રીતે અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સાથે શરૂ થઈ હતી. ૧૯૩૬માં, તેઓ યુનાઈટેડ પ્રોવિન્સની એસેમ્બલીમાં ચૂંટાઈ આવ્યાં અને ૧૯૩૭માં સ્થાનિક સરકાર અને જાહેર આરોગ્ય મંત્રી બન્યાં. આ પહેલીવાર બન્યું જ્યારે કોઈ ભારતીય મહિલા કેબિનેટ મંત્રી બની. કૉંગ્રેસ પાર્ટીના તમામ અધિકારીઓની જેમ, તેમણે બ્રિટિશ સરકારની જાહેરાતના વિરોધમાં ૧૯૩૯માં રાજીનામું આપ્યું. તેમણે બંધારણ સભાના સભ્ય તરીકે સ્વતંત્રતાના રક્ષણની દેશ માટે કેટલી જરૂરિયાત છે તેના ઉપર ભાર મૂકતું પ્રવચન આપ્યું હતું.

એની માસ્કારેન
એની માસ્કારેનનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં લેટિન કેથોલિક પરિવારમાં થયો હતો. તેઓ ત્રાવણકોર રાજ્યમાંથી કૉંગ્રેસમાં જોડાનાર પ્રથમ મહિલાઓમાંની એક હતાં અને ત્રાવણકોર રાજ્ય કૉંગ્રેસ કાર્યકારિણીનો ભાગ બનનાર પ્રથમ મહિલા બન્યાં હતાં. તેઓ ત્રાવણકોર રાજ્યમાં સ્વતંત્રતા અને ભારતીય રાષ્ટ્ર સાથે એકીકરણ માટેની ચળવળના નેતાઓમાંના એક હતાં. તેમની રાજકીય સક્રિયતા માટે, તેઓ ૧૯૩૯ થી ૧૯૭૭ સુધી વિવિધ સમયગાળા માટે જેલમાં રહ્યાં હતાં. માસ્કારેન ૧૯૫૧માં ભારતીય સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયાં હતાં. તેઓ કેરળના પ્રથમ મહિલા સાંસદ હતાં. ૧૯૪૬માં, માસ્કારેન એ ૧૫ મહિલાઓમાંની એક બન્યાં હતાં જેઓ ૨૯૯ સભ્યોની ભારતની બંધારણ સભામાં ચૂંટાઈ હતી, જેને ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે એસેમ્બલીની પસંદગી સમિતિમાં સેવા આપી હતી જેણે હિન્દુ કોડ બિલની ચર્ચા કરી હતી.
અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ વિચારધારા ધરાવતી આ પંદર નારીઓએ ભારતના બંધારણમાં જે યોગદાન આપ્યું છે તે અમર છે. આજે ભારતના નાગરિક તરીકે આપણે જે કંઈ પણ છીએ, તેમાં તેમનું યોગદાન આપણે હંમેશાં યાદ રાખવું જ રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…