લોકસભાની ચૂંટણી પૂર્વે PM Modiની આગેવાનીમાં આ તારીખે મંત્રી પરિષદની બેઠક
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા એટલે કે ત્રીજી માર્ચે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. કેબિનેટ પ્રધોનાની પરિષદની બેઠક અહીં ચાણક્યપુરીના ડિપ્લોમેટિક એન્ક્લેવ સ્થિત સુષ્મા સ્વરાજ ભવનમાં યોજાશે, એમ સત્તાવાર રીતે જણાવાયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવા વિવિધ યોજનાઓના અમલીકરણ પર ઇન્પુટ મેળવવા અને શાસનની બાબતો પર તેમના દ્રષ્ટિકોણને જણાવવા માટે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા હોય છે.
ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટે વિવિધ રાજ્યોની તૈયારીઓની સમીક્ષા શરૂ કરી દીધી છે. આગામી મહિને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થવાની ધારણા છે. 2014માં ચૂંટણી પંચે 5 માર્ચના રોજ નવ તબક્કામાં લોકસભા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો અને 16 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
વર્ષ 2019માં ચૂંટણી પંચે 10 માર્ચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી અને 23 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.