જયપુરમાં ૧૦,૪૦૦ લિટર બનાવટી ઘી જપ્ત, એકની ધરપકડ
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક વેરહાઉસમાંથી ૧૦,૪૦૦ લિટરથી વધુ નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું.
એડિશનલ ડિરેક્ટર જનરલ(ક્રાઇમ) દિનેશ એમએનના જણાવ્યા અનુસાર ક્રિષ્ના, લોટસ, મહાન અને અમૂલ જેવી જાણીતી બ્રાન્ડના નામ અને ડિઝાઇન સાથેના નકલી અને ભેળસેળયુક્ત ઘીનું માર્કેટમાં પેકિંગ અને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતા ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને ખાદ્ય વિભાગની એક ટીમે મંગળવારે રાત્રે વિશ્વકર્મા ઔદ્યોગિક વિસ્તારમાં શ્રી શ્યામ સેલ્સ કોર્પોરેશનના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ૧૦,૪૬૪ લિટર નકલી અને ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું અને વેરહાઉસ ઓપરેટર શ્રવણ સિંહ શેખાવતની ધરપકડ કરવામાં આવી હતી એમ એડીજીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર શેખાવતની અગાઉ ૨૦૦૭માં આ જ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ૨૦ દિવસ જેલમાં રહ્યા બાદ તેને જામીન મળ્યા હતા. શેખાવત વિરુદ્ધ વિશ્વકર્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા, કોપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તેમજ વધુ તપાસ ચાલી રહી હોવાનું એડીજીએ જણાવ્યું હતું.