ઑસ્ટ્રેલિયાએ છેલ્લા બૉલે ન્યૂ ઝીલૅન્ડના હાથમાંથી વિજય ઝૂંટવી લીધો
ડેવિડે અપાવ્યો થ્રિલિંગ વિજય, પણ માર્શ જીત્યો અવૉર્ડ: મૅક્સવેલે ફિન્ચનો અને સાઉધીએ ગપ્ટિલનો વિક્રમ તોડ્યો
વેલિંગ્ટન: ઑલરાઉન્ડર મિચલ માર્શના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ 13મી ફેબ્રુઆરીએ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ જઈને ઑસ્ટ્રેલિયન ટીમે હવે કિવીઓની ટીમ સામે ટી-20 જીતવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે શ્રેણીની પહેલી મૅચ એટલી બધી રોમાંચક થઈ ગઈ કે હવે આખી સિરીઝ માટે ક્રિકેટપ્રેમીઓનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. માર્શની ટીમે આ મૅચ છ વિકેટે જીતીને 1-0થી સરસાઈ મેળવી અને મિચલ સૅન્ટનરના સુકાનમાં રમેલી ટીમે ન્યૂ ઝીલૅન્ડ માટે આગળનો માર્ગ મુશ્કેલ બનાવી દીધો, કારણકે બાકીની બેમાંથી એક મૅચ જીતીને ઑસ્ટ્રેલિયા સતત બીજી સિરીઝની ટ્રોફી પર કબજો કરી શકે એમ છે.
ઑસ્ટ્રેલિયાએ જીતવા 216 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો, ટિમ સાઉધીએ 20મી ઓવર શરૂ કરી ત્યારે કાંગારૂઓએ 16 રન બનાવવાના હતા અને છ વિકેટ પડવાની બાકી હતી એટલે મિચલ માર્શની ટીમે બહુ ગભરાવા જેવું નહોતું. જોકે પહેલા ત્રણ બૉલમાં વાઇડ અને લેગ બાયનું વર્ચસ રહ્યું હોવાથી ન્યૂ ઝીલૅન્ડની ટીમનો જીતવાનો ચાન્સ વધી ગયો હતો. પહેલા ત્રણ બૉલમાં માત્ર ચાર રન બની શક્યા હતા. ટિમ (ડેવિડ) સામે ટિમ (સાઉધી) હતો. કિવી ફાસ્ટ બોલર સાઉધીનો ચોથો બૉલ યૉર્કરને બદલે લેગ સાઇડ પરનો ફુલ-ટૉસ બનીને આવ્યો હતો જેમાં ડેવિડે પરચો બતાવવાનું શરૂ કર્યું અને સિક્સર ફટકારી દીધી. ડેવિડને હવે રોકવો મુશ્કેલ હતો. ઑસ્ટ્રેલિયન ટીમે જીતવાની તક હવે ન જતી રહે એની ખાસ કાળજી રાખી હતી.
સાઉધીનો પાંચમો બૉલ યૉર્કર હતો, પરંતુ એમાં ડેવિડે બે રન દોડીને છેલ્લું અટ્ટહાસ્ય પોતે જ કરશે એવો જાણે સંકેત સાઉધીને આપી જ દીધો હતો. બન્યું પણ એવું જ. મૅચના અંતિમ બૉલ પર ન્યૂ ઝીલૅન્ડે ચાર રન બનાવવાના હતા. છઠ્ઠા બૉલમાં સાઉધી જરાક લેન્ગ્થ ચૂક્યો ને ડેવિડે બૉલને લેગ સાઇડ પર મોકલી દીધો હતો. ફિલિપ્સે બૉલ રોકવા ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ડેવિડનો શૉટ એટલો બધો પાવરફૂલ હતો કે એ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો અને ઑસ્ટ્રેલિયાએ આખરી બૉલ પર એ જરૂરી ચાર રન બનાવીને રોમાંચક વિજય મેળવી લીધો હતો.
ઑસ્ટ્રેલિયાએ 216 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. ટિમ ડેવિડ 10 બૉલમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની સાથે સુકાની મિચલ માર્શ (72 અણનમ, 44 બૉલ, સાત સિક્સર, બે ફોર) પણ છેક સુધી રમ્યો અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો. મૅચ છેક છેલ્લા બૉલ સુધી લંબાઈ હોવાથી ટ્રેવિસ હેડ (24 રન), ડેવિડ વૉર્નર (32), ગ્લેન મૅકસવેલ (25) અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (20)ના નાના યોગદાનો મહત્ત્વના પુરવાર થયા હતા. કિવી ટીમના કૅપ્ટન મિચલ સૅન્ટનરે બે તેમ જ લૉકી ફર્ગ્યુસન અને ઍડમ મિલ્નએ એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરીને 20 ઓવરમાં ત્રણ વિકેટે 215 રન બનાવ્યા હતા. વિકેટકીપર ડેવૉન કૉન્વે (63 રન, 46 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને રાચિન રવીન્દ્ર (68 રન, 35 બૉલ, છ સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરી છેવટે એળે ગઈ હતી. ઑસ્ટ્રેલિયન બોલરોમાં સ્ટાર્ક, કમિન્સ અને મિચલ માર્શે એક-એક વિકેટ લીધી હતી.
આખી મૅચમાં કુલ 30 સિક્સર ફટકારાઈ ત્યાર બાદ 13 કિવીઓની ઇનિંગ્સમાં અને 17 કાંગારૂઓની મૅચ-વિનિંગ ઇનિંગ્સમાં જે ફટકાબાજી થઈ એનાથી વેલિંગ્ટનનું સ્ટેડિયમ ગાજી ઊઠ્યું હતું.
ગ્લેન મૅક્સવેલે સૌથી વધુ ટી-20 રમવાનો આરોન ફિન્ચનો 103 મૅચનો ઑસ્ટ્રેલિયન રેકૉર્ડ તોડી નાખ્યો હતો. મૅક્સવેલના નામે હવે 104 ટી-20 છે. બીજી બાજુ, ટિમ સાઉધીએ સૌથી વધુ ટી-20 રમવાનો માર્ટિન ગપ્ટિલનો 122 મૅચનો કિવી વિક્રમ તોડી નાખ્યો હતો. સાઉધીના નામે હવે 123 ટી-20 છે.
બન્ને દેશ વચ્ચે બીજી ટી-20 શુક્રવારે (ભારતીય સમય મુજબ સવારે 11.40 વાગ્યાથી) ઑકલૅન્ડમાં રમાશે.