મનોરંજન

અભિનેત્રી વિદ્યા બાલનના નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનારા સામે ગુનો..

બનાવટી એકાઉન્ટના માધ્યમથી ફિલ્મ ઉદ્યોગના લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો

મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી વિદ્યા બાલનને નામે બનાવેલા બનાવટી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરીને અજાણી વ્યક્તિ દ્વારા ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને છેતરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે અભિનેત્રી વિદ્યા બાલને નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ખાર પોલીસ સ્ટેશનમાં સોમવારે નોંધાયેલા ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) અનુસાર કથિત પ્રકરણ 16 જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યું હતું. ફિલ્મો સાથે સંકળાયેલા એક સ્ટાઈલિસ્ટને અજાણ્યા નંબર પરથી વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. મેસેજ મોકલનારે પોતાની ઓળખ વિદ્યા બાલન તરીકે આપી પોતે કામ સંબંધે ચર્ચા કરવા માગે છે, એમ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સ્ટાઈલિસ્ટ પાસે વિદ્યા બાલનનો મોબાઈલ નંબર હોવાથી તેને અજાણ્યા નંબર પરથી આવેલા આ મેસેજ અંગે શંકા ગઈ હતી. તેણે વિદ્યા બાલનને મેસેજની જાણકારી આપી હતી.

અભિનેત્રીએ સ્ટાઈલિસ્ટને કહ્યું હતું કે તેણે કોઈ મેસેજ મોકલ્યો નહોતો અને આ નંબર પણ તેનો નથી. 17થી 19 જાન્યુઆરી દરમિયાન અભિનેત્રીને જાણ થઈ હતી કે કોઈકે તેનો બનાવટી ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અને બોગસ ઈ-મેઈલ આઈડી બનાવી હતી. અભિનેત્રીના સ્વાંગમાં આ એકાઉન્ટ પરથી અજાણી વ્યક્તિ દ્વારા ફિલ્મ ઉદ્યોગના લોકો અને અન્યોનો સંપર્ક સાધવામાં આવતો હતો અને કામ બાબતે ચર્ચા કરવાના મેસેજ મોકલવામાં આવતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોતાના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં જ અભિનેત્રીએ તેના મૅનેજરને ખાર પોલીસનો સંપર્ક સાધવા કહ્યું હતું. આ પ્રકરણે 20 જાન્યુઆરીએ લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી, એવું એફઆઈઆરમાં જણાવાયું હતું.

અભિનેત્રીએ આ પ્રકરણે સોમવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે આઈટી ઍક્ટ હેઠળ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button