આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવાર જૂથની મુશ્કેલ વધશેઃ હાઇ કોર્ટે વિધાનસભાના સ્પીકરને નોટિસ મોકલાવી

મુંબઈ: મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શરદ પવાર જૂથના 10 વિધાનસભ્યનું સભ્યપદ રદ ન કરવાના આપેલા નિર્ણયને અજિત પવાર જૂથે પડકારતી અરજી હાઇ કોર્ટમાં કરવામાં આવી હતી. જેને પગલે હાઇ કોર્ટે રાહુલ નાર્વેકર અને શરદ પવાર જૂથના 10 વિધાનસભ્યોને નોટિસ પાઠવી છે.

મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે રાજકીય યુદ્ધ હજુ ચાલુ છે, ત્યારે એની વચ્ચે તાજેતરમાં અજિત પવાર જૂથ શરદ પવાર જૂથના 10 વિધાનસભ્યને અપાત્ર નહીં હોવાના નિર્ણય સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ મુદ્દે આજે હાઈ કોર્ટે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને નોટિસ જારી કરી હતી.

રાહુલ નાર્વેકરે શરદ પવાર જૂથના 10 વિધાનસભ્યોને વિધાનસભામાંથી બરખાસ્ત ન કરવાનો નિર્ણય લીધો હતો, તેને પડકારતી બે અરજી અજિત પવાર જૂથની એનસીપીના અનિલ પાટીલે હાઇ કોર્ટમાં કરી હતી. આ અરજીઓને પગલે હાઇ કોર્ટે નાર્વેકર અને શરદ પવાર જૂથને નોટિસ પાઠવી હતી.

નોટિસમાં હાઇ કોર્ટે તમામ પ્રતિવાદીઓને પોતાનું સોગંદનામું સુપરત કરવાનું જણાવ્યું હતું. આ મામલે હાઇ કોર્ટ 14મી માર્ચે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે નાર્વેકરના શરદ પવાર જૂથના વિધાનસભ્યોને ગેરલાયક નહીં ઠેરવવાનો નિર્ણય રદ કરવાની અરજી અનિલ પાટીલે પોતાની અરજીમાં કરી છે.

ગયા વર્ષે જુલાઈમાં અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) સામે બળવો કર્યો હતો અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં સામેલ થયા હતા, ત્યારબાદ શરદ જૂથે અજિત પવાર જૂથ પાસે ગયેલા વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની અરજી દાખલ કરી હતી, જ્યારે બીજી બાજુ અજિત પવાર જૂથે પણ શરદ પવારના જૂથના વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની અરજી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button