Statues of unity સંકુલના ઝૂલોજિકલ પાર્કમાં 2 વર્ષમાં 38 વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના મોત
ગાંધીનગર: કેવડીયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં જંગલ સફારી તરીકે જાણીતા સરદાર પટેલ ઝુલોજિકલ પાર્કમાં છેલ્લા બે વર્ષમાં વિદેશ અને અન્ય રાજ્યોમાંથી સ્થાનાંતરિત 38 જેટલા પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ થયા છે. સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી.
કોંગ્રેસના વિધાનસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ઉઠાવવામાં આવેલા તારાંકિત પ્રશ્નના જવાબમાં, રાજ્ય સરકારે સ્વીકાર્યું કે અન્ય રાજ્યો અને વિદેશમાંથી લાવવામાં આવેલા 295 પ્રાણીઓ અને પક્ષીઓમાંથી, 31 ડિસેમ્બર, 2023 સુધીમાં છેલ્લા બે વર્ષમાં 38 મૃત્યુ પામ્યા છે. હાલમાં વિધાનસભામાં આપવામાં આવેલી માહિતીમાં પશુ-પક્ષીઓના મૃત્યુના કારણો અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી નથી.
જંગલ સફારીમાં લાવવામાં આવેલા પાંચ અલ્પાકામાંથી, ત્રણ મૃત્યુ પામ્યા, જ્યારે ચાર વોલબીઝમાંથી એક મૃત્યુ પામ્યું, ચાર સન કોન્યુર, ત્રણ ગ્રીન-ચીક્ડ કોન્યુર, સાત બ્લુ તેતર, ત્રણ સિલ્વર તેતર, ત્રણ રેડ-બિલ્ડ ટૂકન્સ, ત્રણ થિયામીન ડીયર, ત્રણ સ્કિવરલ મંકી અને એક માર્શ ક્રોકોડાઈલ મૃત્યુ પામ્યા છે.
માર્ચ 2023 માં, ગુજરાત સરકારે કહ્યું હતું કે 1 ફેબ્રુઆરી, 2021 અને 31 જાન્યુઆરી, 2023 વચ્ચે ઝૂઓલોજિકલ પાર્કમાં 12 વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. આ બે વર્ષમાં જંગલ સફારીમાં કુલ 940 પશુ-પક્ષીઓ હતા.
સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં જીઓડેસિક એવરી ડોમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ઓક્ટોબર, 2020 ના રોજ કરવામાં આવ્યું હતું. તેના ઉદ્ઘાટન પહેલા જ ઝૂઓલોજિકલ પાર્કમાં વિદેશી પ્રાણીઓના મૃત્યુને બાબતે ટીકા થઈ હતી. વિદેશથી પશુ પક્ષીઓના સ્થાનાંતરણ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હોવાના આરોપ છે.