રસ્તા પર સેંકડો દર્દીઓ, રસ્સી પર લટકાવ્યા ગ્લુકોઝના બાટલા, ડોક્ટર ગેરહાજર… જાણો ક્યાંનો છે આખો મામલો?
બુલઢાણાઃ રસ્તા પર સુવડાવેલા દર્દીઓ, હવામાં રસ્સીના સહારે લગાવવામાં આવેલા ગ્લુકોઝની બોટલ્સ… જો તમે વિચારી રહ્યા હોવ કે આ બધું શું છે તો તમારી જાણ માટે કે આ છે ભારતમાં હોસ્પિટલની બહાર દર્દીઓની કરવામાં આવી રહેલી સારવારનું દ્રશ્ય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે.
ઘટના છે મહારાષ્ટ્રના બુલઢાણાની. અહીં એક-બે નહીં પૂરા 300 દર્દીઓને આ જ રીતે સારવાર આપવામાં આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ તમામ લોકો એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં પીરસવામાં આવેલું ભોજન ખાઈને બીમાર પડ્યા હતા.
આ ઘટના બાબતે મળી રહેલી માહિતી પ્રમાણે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં તેમને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીમાર પડેલાં દર્દીઓના પરિવારજનો દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં આ દર્દીઓની સારવાર માટે કોઈ ઉચિત વ્યવસ્થા કરવામાં નહોતી આવી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હોસ્પિટલમાં પણ કેટલાય દર્દીઓને આ રીતે જમીન પર જ સુવડાવવામાં આવ્યા હતા. જ્યારે 300 જેટલા દર્દીઓને બહાર રસ્તા પર જ સારવાર આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર જે રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહ્યા છે અને એ સમયે રસ્તા પર તેમના પરિવારજનોની ભીડ જોવા મળી રહી હતી.
દર્દીઓના પરિવારજનોએ સ્થાનિક પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ દર્દીઓને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે ત્યાં ડોક્ટર પણ હાજર નહોતા. થોડા સમય બાદ પણ જ્યારે ડોક્ટર હાજર ન થયા તો પરિવારજનોએ પ્રાઈવેટ ડોક્ટર બોલાવ્યા હતા. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઘટનામાં 30થી વધુ દર્દીઓની સ્થિતિ ગંભીર છે.