Farmers Delhi march: ફક્ત ખેડૂત નેતાઓ જ આગળ વધશે, સંજય રાઉતે કહ્યું – કેન્દ્રએ જલિયાવાલા બાગ….
નવી દિલ્હી: સરકાર અને ખેડૂતો વચ્ચે થયેલી ચોથા રાઉન્ડની ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોએ ફરીથી ‘દિલ્હી ચાલો માર્ચ’ શરુ કરવાની જાહેરાત કરી હતી. આજે બુધવારે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે કોઈ ખેડૂત અને યુવા માર્ચમાં આગળ નહીં જાય. માત્ર ખેડૂત નેતાઓ જ આગળ વધશે અને તેઓ આ સમયગાળા દરમિયાન શાંતિપૂર્વક આગળ વધશે. સરકાર જો ખાતરી આપી દે કે MSP પર કાયદો બનાવીશું, તો આ આંદોલન સમાપ્ત થઈ શકે છે.
શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ખેડૂતોના આંદોલન અંગે મોદી સરકારને ઘેરી હતી. બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું- સરકારે ખેડૂતો સાથે જલિયાવાલા બાગ જેવી સ્થિતિ સર્જી છે. જાણે ખેડૂતો મિસાઈલ લઈને આવ્યા હોય તેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો શાંતિ મંત્રણા નહિ પણ MSP ઈચ્છે છે.
એક અહેવાલ મુજબ 14 હજાર ખેડૂતો લગભગ 12 હજાર ટ્રેક્ટર સાથે દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. શંભુ અને ખનૌરી બોર્ડર પર પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે.
ખેડૂતોની માર્ચા પહેલા દિલ્હીની ટિકરી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
શંભુ બોર્ડર પર હાજર ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું, “અમારો કોઈ પણ પ્રકારનો અરાજકતા સર્જવાનો ઈરાદો નથી. અમે 7 નવેમ્બરથી દિલ્હી જવાનું આયોજન કર્યું છે. જો સરકાર કહે છે કે તેમને પૂરતો સમય મળ્યો નથી, તો તેનો અર્થ એ છે કે સરકાર અમારી અવગણના કરવાનો પ્રયાસ કરી રહી છે, એ યોગ્ય નથી કે અમને રોકવા માટે આટલા મોટા બેરિકેડ લગાવવામાં આવે.” ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે MSP અંગે સહમટી સધાઈ શકી નથી.
સરકારે 5 પાકો કપાસ, મકાઈ, મસૂર, અરહર અને અડદ પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ખેડૂતોએ નકારી કાઢ્યો હતો. ખેડૂતો તમામ પાક પર MSP ગેરંટી માંગી રહ્યા છે. તેમની માંગણીઓ હજુ સુધી સંતોષવામાં ન આવતા ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.