મુંદરા કસ્ટમમાં દિલ્હીની કેન્દ્રીય એજન્સીની ટીમના ધામા: ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રણપ્રદેશ કચ્છના બંદરીય મુંદરા અદાણી પોર્ટ પરના કસ્ટમ વિભાગના કમિશનરની મંગળવારે એકાએક દિલ્હીસ્થિત કેન્દ્રીય એજન્સીના ટોચના અધિકારીના વડપણ હેઠળની ટીમે ઓચિંતી મુલાકાત લેતાં ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુંદરા સેઝ ખાતે આવેલા એક વેરહાઉસ સંબંધી મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરવામાં આવી હતી. છેલ્લા લાંબા સમયથી મુંદરા બંદરસ્થિત મુક્ત વ્યાપાર કેન્દ્રમાં આવેલા વેરહાઉસમાં ગેરરીતિ કમ દાણચોરીના સેંકડો કિસ્સાઓ બહાર આવી ચૂક્યા હોવા છતાં વેરહાઉસ સામે પગલાં લેવામાં આવ્યાં નથી. લગભગ ચાર મહિના અગાઉ એક વેરહાઉસ દ્વારા કથિત ૨૦૦૦ કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ કરાયાની ગુજરાત ચીફ કમિશનર, કેન્દ્રીય નાણાં મંત્રાલય, એન્ટિ કરપ્શન બ્યૂરો,સી.બી.આઈ.થી લઇ સેઝ ડેવલપમેન્ટ કમિશનર સહિત અનેક ખાતાંને જાગૃત નાગરિકે ઈ-મેઇલ મારફતે ફરિયાદ પણ કરી હતી. પોલીસકર્મીઓને સંડોવતા બહુચર્ચિત કરોડોના સોપારી તોડકાંડના તાર પણ સેઝ કસ્ટમ અને એક ચોક્કસ વેરહાઉસ સાથે જ જોડાયેલા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે જેના પુરાવા પણ સી.સી.ટી.વી. કેમેરામાં હોવા છતાં આજ દિવસ સુધી ભ્રષ્ટ તત્ત્વો સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી એવો દાવો કરાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ કોઈપણ આયાત થયેલા સામાનને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તરીકે તૈયાર કરી પાછી નિકાસ કરવાની હોય છે, છતાં અહીં નિયમોનું ઉલ્લંઘન કરી ડી.ટી.એ.દ્વારા માલ ડયૂટી ભરી કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર બહાર કઢાતી હોવાનો પણ ગંભીર આરોપ છે. અહીં આયાત, નિકાસના બિલ મેન્યુઅલી પાસ કરાય છે અને કાર્ગો બહાર નીકળ્યા પછી તેને સિસ્ટમમાં પાસ કરાતા હોવાથી આવા માલની અન્ય એજન્સીને મોડેથી જાણ થાય છે. ત્યાં સુધી તે માલ સ્થાનિક બજારમાં સહેલાઇથી પહોંચી જાય છે.ઉ