નેશનલ

મહારાષ્ટ્રમાં મરાઠા માટે શિક્ષણ, નોકરીમાં દસ ટકા અનામત

‘ગુજરાતમાં ૫૯ ટકા આરક્ષણ છે, તો આપણે ત્યાં કેમ નહિ?’

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં દસ ટકા અનામતનો લાભ આપતો મંગળવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કરેલો ખરડો સર્વાનુમતે પસાર થયો હતો. ખરડો રાજ્ય વિધાન પરિષદમાં પણ સર્વાનુમતે પસાર કરાયો હતો અને બાદમાં તેને રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયો હતો.
શિંદેએ મરાઠા લોકોને અનામતનો લાભ આપવાની માગણીને બહાલી આપવા માટે રાજ્ય વિધાનસભાના બોલાવાયેલા એક દિવસના ખાસ સત્રમાં ‘મહારાષ્ટ્ર રાજ્ય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેનો ખરડો, ૨૦૨૪’ રજૂ કર્યો હતો.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે દેશના ૨૨ જેટલા રાજ્યમાં પચાસ ટકાથી વધુ અનામતનો લાભ અપાય છે. ગુજરાતમાં ૫૯ ટકા, તમિળનાડુમાં ૬૯ ટકા, હરિયાણામાં ૬૭ ટકા, રાજસ્થાનમાં ૬૪ ટકા, બિહારમાં ૬૯ ટકા, પશ્ર્ચિમ બંગાળમાં ૫૫ ટકા અનામતનો લાભ અપાય છે. તેમણે જણાવ્યું હતું કે અમે રાજ્યના અન્ય પછાત વર્ગ માટેની અનામતની હાલની ટકાવારીમાં ફેરફાર કર્યા વિના મરાઠા કોમને અનામતનો લાભ આપવા માગીએ છીએ. અગાઉ, મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા નેતા મનોજ જરાંગે ૧૦ ફેબ્રુઆરીથી અનશન પર બેઠા હતા. તેમણે આ મુદ્દે રાજ્ય વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં બહાર પાડેલા એક જાહેરનામાના મુસદ્દામાં જણાવાયું હતું કે મરાઠા વ્યક્તિ પાસે જો તે ખેતી કરતી કુણબી કોમની હોવાનો પુરાવો હશે, તો તેની સાથે લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિઓ (નજીકના સગાં)ને પણ કુણબી કોમનું પ્રમાણપત્ર મળશે.
કુણબી કોમ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવે છે અને મનોજ જરાંગે બધા મરાઠાને કુણબી કોમના હોવાનું પ્રમાણપત્ર આપવાની માગણી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન છગન ભુજબળ મરાઠા કોમના લોકોને અન્ય પછાત વર્ગમાં ‘પાછલે બારણે’ પ્રવેશ આપવાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેઓ આ કોમને અનામતનો અલગ લાભ આપવાની તરફેણ કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ પંચે મરાઠા કોમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા અંગે સર્વેક્ષણ કરીને પોતાનો સંબંધિત અહેવાલ શુક્રવારે સુપરત કર્યો હતો. તેણે સર્વેક્ષણમાં અંદાજે અઢી કરોડ પરિવારને આવરી લીધા હતા.
મુખ્ય પ્રધાન શિંદેએ રજૂ કરેલા ખરડામાં જણાવાયું હતું કે રાજ્યની કુલ વસતિમાં ૨૮ ટકા મરાઠા લોકો છે. ગરીબ મરાઠા કોમના લોકોમાંના ૨૧.૨૨ ટકા લોકો પાસે પીળા રંગનું રેશન કાર્ડ છે, જ્યારે રાજ્યની કુલ વસતિના ૧૭.૪ ટકા લોકો પાસે પીળું રેશન કાર્ડ છે.
મહારાષ્ટ્ર સરકારે ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન મરાઠા લોકો અંગે સર્વેક્ષણ કર્યું હતું. કુલ મરાઠા પરિવારોમાંના ૮૪ ટકા પરિવાર ‘વિકસેલા વર્ગ’માં નહિ આવતા હોવાથી ઇન્દ્ર સાહનીના કેસના આધારે તેઓ અનામતનો લાભ મેળવવા માટે યોગ્ય છે. ખરડામાં જણાવાયું હતું કે મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરતા ખેડૂતોમાંના ૯૪ ટકા ખેડૂતો મરાઠા પરિવારના હતા.(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button