મહારાષ્ટ્રના રાજ્યસભાના ઉમેદવારો બિનવિરોધ ચૂંટાયા
મુંબઈ: મહારાષ્ટ્રની છ રાજ્યસભા બેઠકોના તમામ ઉમેદવારો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ચૂંટાઇ આવ્યા છે. છ ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઇ આવતા તેમને રાજ્યસભાનું સાંસદપદ મતદાન પહેલા જ મળી ગયું છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી રાજ્યસભાની ઉમેદવારી પાછી ખેંચવાની કે ઉમેદવારી નોંધાવવાની મુદત મર્યાદા હતી. જોકે, કોઇએ પણ ઉમેદવારી પાછી ન ખેંચતા કે કોઇએ પણ નવી ઉમેદવારી ન નોંધાવતા ભાજપના ત્રણ, શિંદે જૂથની શિવસેનાના એક, અજિત પવાર જૂથની એનસીપીના એક તેમ જ જ્યારે કૉંગ્રેસના એક એમ છએ છ ઉમેદવારો બિનવિરોધ વિજયી થઇ ગયા છે.
વિજયી થયેલા ભાજપના ત્રણ ઉમેદવારોમાં કૉંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ ભાજપમાં સામેલ થઇ કૉંગ્રેસને મોટો આંચકો આપનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને ડૉ.અજિત ગોપછડેનો સમાવેશ થાય છે. જ્યારે એકનાથ શિંદેની શિવસેના તરફથી ઉમેદવારી ભરનારા મિલીંદ દેવરાએ રાજ્યસભાનું સાંસદપદ મેળવ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી દેવરાના પુત્ર મિલીંદ દેવરા પણ હાલમાં જ કૉંગ્રેસથી મતભેદના કારણે એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા હતા.
અજિત પવાર જૂથ તરફથી ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલને ઉમેદવારી આપવામાં આવી હતી. તેઓ પણ બિનવિરોધ જીતી ચૂક્યા છે.
જ્યારે કૉંગ્રેસ તરફથી ચંદ્રકાંત હંડોરેને ઉમેદવારી સોંપવામાં આવી હતી. તેમણે પણ પોતાનું રાજ્યસભાનું સાંસદપદ હાંસલ કરી લીધું છે.