ઈન્ટરવલ

માતૃભાષાની મીઠાસ તો જુઓ નમકને ‘મીઠું’ કહીએ છીએ

તસવીરની આરપાર – ભાટી એન.

ભારત દેશ અનેકાનેક ભાષાથી તરબતર છે. બાર ગાવે બોલી બદલાય છે…!? ૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે. આપણી મા મુખ્યત્વે ચાર (એક) આપણી જન્મ આપનાર ‘મા’(બે) નદીને પણ માનો દરજો આપણે આપેલ છે અને ધરતીને પણ માતા કહીએ છીએ અને ચાર માતૃભાષા તે પણ આપણી મા છે. માનો પ્રેમ અપાર અવિસ્મરણીય હોય તેની યાદો જેટલી વાગોળો તેટલી ઓછી જ પડે કારણ કે તેનું ઋણ આપણા રોમેરોમમાં રમતું હોય છે…! આપણી ચાર મા છે જેમાં આજે આપણે માતૃભાષાની વંદના કરવી છે.
ગુર્જરધરાની ગુજરાતી ભાષા પરથી જ ગુજરાત નામ પડ્યું હશે…! આપણી ગુજરાતી ભાષા ત્રણ રાજયોની વચ્ચે છે. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન, મધ્ય પ્રદેશમાં હિન્દી, રાજસ્થાનમાં મારવાડી ભાષા બોલાય છે. જો કે હિન્દી અમુક પ્રાંતમાં બોલાય છે. પણ ગુજરાતમાં કચ્છથી વાપી સુધી ગુજરાતી જ ભાષા બોલાય છે. ભારત દેશના ગુજરાત રાજયની ઈન્ડો આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. ગુજરાતીભાષા આશરે ૧૧૦૦-૧૫૦૦ ઈ.સ. માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા- નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે. હવે તો ૨૦૨૪માં આ આંકડો તોતિંગ મોટો થઈ ગયો હશે…!
ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર ગુજરાતી ભાષા દક્ષિણ એશિયાનાઘણા ભાગોમાં તેમજ ભારતના અન્ય રાજયોમાં ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસીત અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. ભારતમાં ગુજરાતીઓ નામાંકિત હોય તેમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણા પોરબંદરમાં તેમનો જન્મ થયેલ. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભવોમાં હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અત્યારે સમગ્ર ભારત દેશનું સુપેરે સુકાન સંભાળે છે. ને ભારતને પ્રગતિના પંથે લઈ જનાર આ બન્ને વ્યક્તિએ ગુજરાતનો માતબર વિકાસ કરી ભારતનું મોડલ રાજ્ય પ્રસ્થાપિત કરી ગુજરાતીપણાની આન, બાન, શાન વધારી છે. તેવા અન્ય મહાનુભવોમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, આજે ભારત વિકાસની હરણફાળ ભરી છે. તેમાં જેનો સિંહફાળો છે તેવા ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી તેમજ અદાણી જેમણે ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકરી છે. અરે મહમદ અલી ઝીણા પણ આપણા ગુજરાતી જ હતા ને આમ સમગ્ર ભારત પર ગુજરાતીઓનું પ્રભુત્વ રહ્યું છે. તેનું કારણ આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્ત્વ અગ્રેસર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button