ઇન્ટરનેશનલ

ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-૧૦)

  • કનુ ભગદેવ

અને પછી સરકસના કાબેલ ખેલાડીની જેમ એનો દેહ સીધો થઈને બારીની નીચે લટકવા લાગ્યો. એના શરીરને તમામ બોજો સળિયા પર હતો. એ ધીમે ધીમે કાંડાને ઊંચા કરીને પોતાના દેહને ઉપર લઈ આવ્યો. પછી એના પગ બારીના ઉંબરાને સ્પર્શી ગયા

એણે ખૂબ ધીમેથી પોતાના પગને સીધા કર્યા અને બહાર કાઢ્યા. એક જ પળમાં એના બંને પગે ગુલાંટી ખાધી અને પછી હવાની સપાટી પર એના પગ એકદમ નીચે આવ્યા…
જાણે હિંચકો ખાતો હોય એ રીતે એના હાથ સળિયા પર સરક્યા…
અને પછી સરકસના કાબેલ ખેલાડીની જેમ એનો દેહ સીધો થઈને બારીની નીચે લટકવા લાગ્યો. એના શરીરને તમામ બોજો સળિયા પર હતો. એ ધીમે ધીમે કાંડાને ઊંચા કરીને પોતાના દેહને ઉપર લઈ આવ્યો. પછી એના પગ બારીના ઉંબરાને સ્પર્શી ગયા.
મોત સાથે બાથ ભીડીને એ સહીસલામત બચી ગયો.
હવે કોઈ જ ખતરો નહોતો. બારી પર પગ ગોઠવીને અંદરની બાજુએ ધીમેથી ઊતરી ગયો. ત્યાં કાળો ડિબાંગ અંધકાર હતો. પોતે ક્યાં છે, એ જાણવાનું એની પાસે કોઈ જ સાધન નહોતું.
થોડી મિનિટો સુધી એ ત્યાં જ નીચે બેસીને ઊખડી ગયેલા શ્ર્વાસને કાબુમાં લેવાનો પ્રયાસ કરતો રહ્યો.
પરંતુ એને એક વાતની ખબર નહોતી:
જે પળે એ છતમાંથી નીચે ઊતરીને ગોખલામાં પગ ભરાવતો હતો એ પળથી માંડીને, તે બારીમાં પ્રવેશ્યો ત્યાં સુધીની એની એકેએક હિલચાલ, એ બિલ્ડિંગથી ત્રીજી ઈમારતના નવમા માળની એક બારીમાં ઊભેલા માનવીએ શક્તિશાળી ટેલિસ્કોપમાંથી ખૂબ ઝીણવટપૂર્વક નિહાળી હતી.
દિલાવરખાનનું અદ્ભુત સાહસ જોઈને તે બબડ્યો:
‘વંડરફૂલ સસ્પેન્સ…’ પછી એ બારી પાસેથી ડ્રોઈંગરૂમમાં આવ્યો. વળતી જ પળે તે કોઈકનો ટેલિફોન નંબર મેળવતો હતો…
એ માનવી કોણ હતો?
‘ટ્રીન …ન…ન…ટ્રીન….’
એક સુંદર ઈમારતના ખૂબસૂરત ફલેટમાં સ્થિત ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.
‘હલ્લો… એક માનવીએ રિસીવર ઉઠાવ્યું. દેખાવમાં તે એક દૂબળો- પાતળો માનવી હતો. એના શરીર પર કીમતી સૂટ હતો. ઉંમર આશરે પિસ્તાલીશની આસપાસ હતી. એનું કપાળ ઊંચું હતું. એની ઝીણી માંજરી અને સર્પ જેવી બંને આંખો એકદમ પાસે પાસે હતી. એ આંખોમાં દુનિયાભરની મકકારી અને ધૂર્તતા ચમકતી હતી.
‘હું એ નંબરના ગોડાઉન પરથી બોલું છું…’ સામેથી એક અવાજ આવ્યો અને પછી પળભર ચુપકીદી છવાયેલી રહી.
‘બરાબર છે…’ સુકલકડીએ વળતો જવાબ આપ્યો, ‘ આ ગોડાઉનનો વીમો ઉતરાવી લેવામાં આવ્યો છે.’
સામે છેડેથી છુટકારાનો શ્ર્વાસ સ્પષ્ટ રીતે સંભળાયો. પછી એ અવાજ પુન: સંભળાયો:
‘તું હમણાં જ મને પોઈન્ટ નંબર થ્રી પર મળ…’
‘ ઓ કે…’ સુકલકડીએ રિસીવર મૂકી દીધું. એણે ઘડિયાળમાં સમય જોયો- રાતના અગિયાર વાગી ગયા હતા.
એક જ મિનિટમાં એ તૈયાર થઈને નીચે ઊતર્યો. રસ્તા પર આવીને એક ટેકસી પકડી.
‘ચોપાટી…’ એણે ડ્રાઈવરને આદેશ આપ્યો.
ટેકસીમાં બેઠા પછી પાંચમી મિનિટે જ એ ચોપાટી પહોંચી ગયો. નીચે ઊતરીને એણે ભાડું ચૂકવ્યું અને પછી સમુદ્ર તરફ આગળ વધ્યો. ટેકસી સડાસડાટ કરતી આગળ વધી ગઈ.
એક મિનિટ પછી એ માનવીએ પીઠ ફેરવીને જોયું.
ટેકસી આગળ વધી ગઈ હતી. આજુબાજુમાં સાવધાનીભરી નજર ફેંકીને તે પાછો ફરી, સડક ક્રોસ કરીને ફૂટપાથ પર ચાલવા લાગ્યો. બે મિનિટ પછી તે નટરાજ હોટલ પાસે પહોંચ્યા, ત્યાં ઊભા રહીને એણે સિગારેટ સળગાવી.
બે મિનિટ પછી હોટલમાંથી સફેદ કોટ તથા કાળા પેન્ટમાં સજજ થયેલો એક માનવી બહાર નીકળ્યો.
‘કેટલા વાગ્યા છે સાહેબ ?’ એણે પેલા સુકલકડીને પૂછયું
‘અગિયાર અને દશ…’પેલાએ જવાબ આપ્યો અને પછી પોતાની સિગારેટની રાખ આંગળી વડે ખંખેરી, ત્યાર બાદ ઉપરા-ઉપરી બે ફૂંક મારી અને એ પછી જમીન પર ફેંકીને તેને બૂટ નીચે મસળી નાખી.
‘મારી ઘડિયાળ જરા પાછળ રહી ગઈ છે…’ પેલા સૂટધારીએ સ્વાભાવિક અવાજે કહ્યું.
પછી એણે ઘડિયાળ ઉતારીને તેનો કાચ પર આંગળીથી ટકોરો માર્યો…
‘ચાલ્યા કરે સાહેબ…!’સુકલકડી દાર્શનિક અવાજે બોલ્યો…
આ બધા સંકેત ચિહ્નો અને કોડવર્ડ ભાષા હતી.
પરસ્પર સાંકેતિક સંપર્ક સધાઈ ગયા પછી સુકલકડીએ પેલા સૂટવાળા સામે પ્રશ્ર્નાર્થ દષ્ટિએ જોયું.
‘મને હમણાં જ ફોન મળ્યો.’ સુકલકડી સામે જોઈને બોલ્યો; ચર્ની રોડ પર આલ્યલેસ બાગની સામે ‘નિશાત મંઝિલ’ નામની આઠ માળની તદ્ન નવી ચોકલેટ કલરની આલીશાન ઈમારત છે. એ ઈમારતની આઠમી મંઝલની એક ઓફિસમાં, કોર્ટમાંથી નાસી છૂટેલો કેદી નંબર સોળ ભરાઈ બેઠો છે. ‘માનવ પક્ષ’ એની સેવાની જરૂર છે, પોલીસ એની પાછળ છે… માટે સાવચેતીથી કામ કરજો…’
ઓ.કે…’ સુકલકડી બોલ્યો, પછી એણે સૂટધારીને કહ્યું, ‘ એક પ્રશ્ર્ન પૂછું??’
‘પૂછો…’
‘ આપણને આ હુકમો કોના તરફથી મળે છે?’
‘ભગવાન જાણે…’ સૂટધારીના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો, ‘મને ફોન કરવામાં આવ્યો કે હોટલ નટરાજમાં જાઓ… કોફી પીને બરાબર અગિયારને નવ મિનિટે બહાર નીકળો. એક સુકલકડી માણસ ત્યાં સિગારેટ પીતો હશે, અને પછી મને કહેવાનો કોડવર્ડ જણાવવામાં આવ્યું હતું. બસ, આથી વિશેષ હું નથી જાણતો…’ અને પછી દિલાવરખાન જે ઓફિસમાં ભરાઈ બેઠો હતો તેનો દોરેલો નકશો તેના હાથમાં મૂકયો.
‘સમજયો…’ સુકલકડીએ માથું ધુણાવ્યું.
અને પછી બંને છૂટા પડ્યા.
એના ગયા પછી સુકલકડીએ ટેકસી પકડી. વીસ મિનિટ પછી ફોરસ રોડ પર આવેલા એક દારૂના પીઠા પર હતો.
‘રહીમ અને દાદુની મારે જરૂર છે…’ એણે પીઠાના માલિકને કહ્યું,
‘ મારી સાથે આવો…’
પીઠાનો માલિક તેને અંદર ભાગમાં લઈ ગયો. ત્યાં એક ટેબલ પર બે હટ્ટાકટ્ટા માનવીઓ બેઠા હતા.
સુકલકડીને જોઈને તેઓ ઊભા થઈ ગયા. બંને કદાચ તેને ઓળખતા હતા.
પીઠાનો માલિક પાછો બહાર નીકળી ગયો.
‘ચર્ની રોડ પર આલ્યલેસ બાગની સામે નિશાત મંઝિલની આઠમા માળ પરની એક ઓફિસમાં, એક માનવી પોલીસથી પીછો છોડવીને ભરાઈ બેઠો છે, માત્ર ચાર જ કલાકમાં તેનો કબજો મળવો જોઈએ.’
‘અમારે તેને કેવી રીતે ઓળખવો બોસ ?’
‘ એણે કેદીનાં કપડાં પહેર્યાં છે. અને પોલીસ એ ઈમારત પર નજર રાખી રહી છે.’
‘ ઓ.કે…’
સુકલકડીએ નોટોનું એક બંડલ તથા નકશો કાઢીને એ બંને સામે ફેંક્યાં અને પછી એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલતો થયો…
બંનેએ પરસ્પરની સામે જોયું, હોઠમાં હસ્યા અને પછી ઊભા થયા…
ઊભા ઊભા જ એમણે નકશાની એકેએક રેખાઓનું બારીકાઈથી અવલોકન કર્યું…
બહાર નીકળીને તેઓ સડક પર આવ્યા.


પોલીસ ઇન્સ્પેકટરો બેહદ પરેશાન હતા. તેઓ નિશાત મંઝિલની છતમાં પહોચ્યાં ત્યારે દિલાવરખાન ત્યાંથી પલાયન થઇ ચૂક્યો હતો. એ કયાં અને કેવી રીતે અલોપ થઈ ગયો, એ પ્રશ્ર્ન તેઓને બેહદ સતાવતો હતો. છત પરથી નીચે ઊતરવા માટે કોઈ જ પાઈપ નહોતો તેમ તેની સામેની ઈમારતની છતમાં પણ કૂદીને જવાય તેમ નહોતું. બંને ઈમારતો વચ્ચે લગભગ પંદર ફૂટનું અંતર હતું. દ્વારમાંથી તેઓ છતની ઈંચે-ઈંચ તલાશી લઈ ચૂકયા હતા. જે જાળીવાળા દ્વારમાંથી તેઓ છત પર આવ્યા હતા, તે સીડી તરફથી જ બંધ હતું, એટલે એ માર્ગેથી દિલાવરખાન ગયો હોય એ અશકય વાત હતી…
‘આ તે માણસ છે કે ભૂત …?’ તેઓ બબડ્યા.
વાતો કરતાં કરતાં નીચે ઊતરવા લાગ્યા. નિશાન મંઝિલ પોલીસોથી ઊભરાતી હતી.
રહીમ અને દાદુ પોલીસનાં વસ્ત્રોમાં નિશાત મંઝિલ નજીક આવ્યા ત્યારે રાતનો એક વાગ્યો હતો.
કોઈએ એમના તરફ ધ્યાન ન આપ્યું. સેંકડો પોલીસની હાજરીમાં જ તેઓ નિશાત મંઝિલમાં પ્રવેશી ગયા અને સીડી ચડીને એક પછી એક સાત માળ વટાવી ગયા.
અચાનક તેઓને થોભવું પડ્યું.
આઠમા માળની સીડીના પહેલા વળાંક પરથી બે ઈન્સ્પેકટરો નીચે ઊતરતા હતા. પળભર માટે તેઓએ એડી અફાળીને બંનેને જોરદાર સેલ્યુટ ભરી…
‘તમે લોકો ઉપર કયાં જાઓ છો?’ એક ઈન્સ્પેકટરે પૂછયું.
‘સર! આપને તથા ગોખલેસાહેબને સી. આઈ.ડી. ચીફ ઈન્સ્પેકટર બમનજીસાહેબ બોલાવે છે, તેઓ ચર્નીરોડ પોલીસ-સ્ટેશનમાં બેસીને આમની રાહ જુએ છે,’ દાદુના અવાજમાં કારમી સ્વસ્થતા હતી.
‘ઓહ…! બમનજીનું નામ સાંભળીને બંને ડઘાઈ ગયા. વધુ પૂછપરછ કર્યા વગર તેઓ ઊતરવા લાગ્યા.
દાદુએ રહીમનો હાથ દબાવ્યો.
‘કમાલ કરી દોસ્ત ! મને એમ કે હવે આપણા બાર વાગી જવાના!’
‘વખાણ પછી કરજે… ચાલ અહીંથી…’
બંને આઠમા માળ પર આવ્યા. લોબીમાં માત્ર એક જ બલ્બ સળગતો હતો. એના પ્રકાશમાં બંનેએ નકશાનું અવલોકન કર્યું હતું. દિલાવરખાનને ટેલિફોનની મદદથી જે માનવીએ છતમાંથી બારીમાં છટકતો જોયો હતો, એ માનવીએ કદાચ નિશાત મંઝિલની ભૂગોળથી પરિચિત હતો. અથવા તો પછી કાબેલ ગણતરીબાજ હતો. માત્ર જોઈને જ એણે અનુમાનના આધારે એ નકશો તૈયાર કરાવ્યો હતો.
’રૂમ નંબર ચોવીસ…’ દાદુ બબડ્યો. પછી એણે દ્વાર પરના તાળાનું અવલોકન કર્યું. ત્યારબાદ ગજવામાંથી તેજાબની એક શીશી કાઢીને તેને ઉઘાડી. પછી શીશી ઊંધી વાળીને તાળાની કળમાં તેજાબનાં ટીપાં રેડ્યાં. ચાર-પાંચ મિનિટમાં જ તાળું તૂટી ગયું. બંનેએ ધીમેથી બારણું ઉઘાડ્યું. હાથમાં રિવોલ્વર લઈને તેઓ ચુપચાપ દબાતા પગલે અંદર પ્રવેશી ગયા…
અચાનક ગાઢ અંધકારમાંથી દિલાવરખાન એ બંને પર સાક્ષાત મોત બનીને તૂટી પડ્યો. એના પગની બેવડી લાત બંનેની છાતીમાં ધડામ કરતી ચોટી. રહીમને જાણે કોઈ જંગલી માતેલા હાથીએ છાતીમાં ભયાનક તાકાતથી સૂંઢ વીઝી હોય એ રીતે તે પાછે પગલે ખસીને દીવાલ સાથે અથડાઈ પડ્યો. એના માથાનો પાછલો ભાગ દીવાલ સાથે અફળાયો અને તે ત્યાં જ ઢગલો થઈ ગયો છ જયારે એના પ્રમાણમાં દાદુને ઓછો માર વાગ્યો હતો છતાંયે તે પણ ગબડ્યો તો ખરો જ…!
‘દિલાવરખાન…! એ ત્રુટક અવાજે બોલ્યો, ‘ અમે પોલીસના માણસો નથી… અમે તો તમને અહીં મદદ કરવા આવ્યા છીએ અમારામાં ભરોસો રાખો.’
દિલાવરખાન લાલચોળ આંખે એની સામે તાકી રહ્યો!
‘તો તમે મને મદદ કરવા આવ્યો છો એમને? એના અવાજમાંથી કટાક્ષ નીતરતો હતો. આ દરમિયાન રહીમ માંડ ઊભો થયો. એના મસ્તકના પાછલા ભાગમાં તીખી પીડાની તીવ્ર ઝણઝણાટી થતી હતી. આંખો સામે વારંવાર અંધકારની ચાદર ફેલાતી હતી. ઉપરાંત એના પગમાં પણ સારી એવી ઈજા થઈ હતી.
‘ હા, અમે ખરેખર જ તમને અહીંથી છોડાવી જવા માટે આવ્યા છીએ જનાબ! દાદુ ક્રોધ અને અપમાનનો ઘૂંટડો મનોમન ગળી જતાં બોલ્યો. બાકી એની શયતાનની એને ઝઘડોખોર વૃત્તિ દિલાવરખાનનું ગળું પીસી નાંખવા માટે જોરશોરથી તનબદનમાં મારતી હતી. પરંતુ એને મળેલા હુકમ સમક્ષ એ લાચાર હતો.
એણે ઉમેર્યું, ‘તેમે ગમે તેટલા બહાદુર અને સાહસિક છો, પણ અમારી મદદ વગર અહીંથી છટકી શકો તેમ નથી, એ જાણી લો. ઓછામાં ઓછા બસો પોલીસો વીસ જેટલા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની નિગેહબાની હેઠળ આ ઈમારતને ઘેરો નાખીને પડ્યા છે. જો તેઓ એકેએક મંઝિલની ઓફિસોની તલાશી લેવા માંડશે તો પછી શું પરિણામ આવે એની તમે પોતે જ કલ્પના કરી લો…’
‘હું શ’ દિલાવરખાન જમીન પર થૂંકયો, પોલીસની મને જરાએ ભીતી નથી. મારે મન તેઓ બધા ચાવી દીધેલાં રમકડાં કરતાં વધારે નથી. અને… તમે બંને પણ પોલીસો નથી એની મને શી ખાતરી? અને પછી પોતાના કથનની તેઓ પર શી અસર થાય છે, એ જોવા ખાતર તેની સર્ચલાઈટ જેવી ચમકતી આંખોએ બંનેના હાવભાવ નીરખવા માટે બંનેના ચહેરા પર સ્થિરતાથી જડાઈ ગઈ.
‘આ જુઓ.’ દાદુએ પોતાના પોલીસ હાફકોટની બાંય ઊંચી ચડાવીને પોતાનો ડાબો હાથ કોણી સુધી ઉઘાડો કર્યો. પછી રહીમે પણ તેમજ કર્યું.
બંનેના હાથ પર એક ક્યારેક ન ભૂંસાય એવું ખાસ નિશાન હતું, જે લોકોને જન્મટીપની સજા થઈ હોય એવા લોકોના હાથ પર જેલમાં જ આ નિશાન અંકિત કરવામાં આવતું…
‘ આ નિશાન જુઓ છોને? દાદુ બોલ્યો.
‘ઓહ…! ’ દિલાવરખાન બબડ્યો, ‘હું આ નિશાન અને તેના અર્થને બરાબર સમજું છું તો તમે બંને જેલ તોડીને નાસી છૂટેલા કેદીઓ છો, ખરું ને?
‘હા…’ દાદુએ કહ્યું.
‘ મને બચાવવા કે મદદ કરવા પાછળ તમારો હેતુ શું છે? મારા પર આ ઉપકાર કંઈ તમે લોકો મફતમાં કરવા માગતા હો એવું બને જ નહિ, મને બચાવવામાં તમારો શું સ્વાર્થ છે?’
અને દિલાવરખાનના પ્રશ્ર્નનો જવાબ એ બેમાંથી કોઈ આપે તે પહેલાં જ સીડી પર એકસાથે કેટલાએ માનવીઓનાં પગલાંનો અવાજ સંભળાયો.
દાદુ તથા રહીમના ચહેરા પર ગભરાટ ઊપસી આવ્યો .
‘વ…વાતો કરવાનો સમય નથી દિલાવરખાન… !’ દાદુ ત્રુટક અવાજે બોલ્યો, ‘પાલીસે હવે ઉપર આવી રહી છે, અને કોઈ પણ ક્ષણે આપણે પકડાઈ જઈશું… ચાલો…’
પળ-બેપળ દિલાવરખાને વિચાર કર્યો. પછી તે નિર્ણાયાત્મક ઢબે બોલ્યો, ‘ચાલો પરંતુ એટલું યાદ રાખજો- જો તમે લોકો કોઈ પણ જાતની મારી સાથે રમત રમતા હશો તો તેનું પરિણામ તમારા બંનેના મોતમાં આવશે.’
દાદુએ હકારમાં માથું હલાવ્યું. પછી ઝપાટાબંધ પોતે પહેરેલો પોલીસ ડ્રેસ ઉતારીને દિલાવરખાનને પહેરી લેવા કહ્યું. એણે પોતે ઉપરાઉપરી આવા બે ડે્રસ પહેર્યા હતા.
એક જ મિનિટ પછી ત્રણેય પોલીસના લેબાશમાં સજ્જ થઈને સીડી પાસે આવ્યા.
પોલીસના માણસો સાતમા માળની લોબીમાં આટા મારતા હતા. કદાચ તેઓ ત્યાં તલાશી લેતા હતા.
આઠમો માળ જ્યાંથી શરૂ થતો હતો તેના પગથિયા પાસે બે પોલીસમેનો ભરી બંદૂકે ઊભા હતા. તેઓની નજર ચૂકવીને નીચે જવાનું કામ મુશ્કેલ હતું.
દાદુએ રહીમ તથા દિલાવરખાનને ચૂપ રહેવાનો સંકેત કર્યો પછી એ સીડીનાં થોડા પગથિયાં ઊતરીને નીચે આવ્યો.
‘સીસ…’એણે નાકે આંગળી મૂકી નીચે ઊભેલા બંને પોલીસોનો પોતાની તરફ આકર્ષ્યા.
તેનો સીસકારો સાંભળીને બંનેએ ઉપર જોયું. પોલીસ ડ્રેસમાં ઊભેલા દાદુ તરફ તેમની નજર પડી.
‘શું છે ?’બંનેએ પૂછયું.
જવાબમાં ફરીથી નાક પર આંગળી મૂકી. તેમને ચૂપ રહેવાનો સંકેત કરીને દાદુએ ખૂબ જ નાટકીય ઢબે ઉપર આવવાનો સંકેત કર્યો.
એ બંનેને કુતૂહલ થયું. એમણે લોબીમાં નજર દોડાવી. પછી તેઓ ઉપર ગયા.
‘દિલાવરખાન અહીંની એક ઓફિસમાં છુપાયો હોય એવું લાગે છે.’ દાદુ ખૂબ જ ધીમા અને રહસ્યમય અવાજે બોલ્યો, ‘એના માથા પર અત્યારે એક લાખનું ઈનામ લટકે છે, પરંતુ હું એકલો એને
પકડવાનું સાહસ કરી શકું તેમ નથી. તમે બંને મને તેને પકડવામાં મદદ કરો તો ઈનામની રકમ આપણે ત્રણેય સરખે ભાગે વહેંચી લઈશું.’
‘ઓ ભગવાન તેત્રીશ હજાર, ત્રણસો તેત્રીશ રૂપિયા તેત્રીશ નયા પૈસા…!’ બેમાંથી એક પોલીસમેન તો એટલો બધો ખુશ થઈ ગયો કે આંખના પલકારામાં એણે પોતાના ભાગે આવનારી રકમ ગણી કાઢી.
‘હા, પણ તમે લોકો હવે બિલકુલ અવાજ નહિ કરતા. આપણે ત્રણેય એકસાથે તેના પર હુમલો કરીશું અને તેને પકડી લઈશું. એ આપણા કબજામાં આવી જાય એ પછી જ આપણે મોટા સાહેબને જાણ કરીશું’
‘ચાલો…ચાલો જલ્દી કરો…’ જે પોલીસમેન પોતાના ભાગે આવનારી રકમ ગણી હતી. તે ઉતાવળા અવાજે બોલ્યો.
ત્રણેય ઉપર પહોંચ્યા અને સાવચેતીથી આગળ વધ્યા. સીડી પાછળ ગયા અને ત્યારબાદ એ બંને પોલીસમેનોનાં મોં એકાએક જ પાછળથી હાથ નાખીને દબાવી દીધાં. આંખના પલકારામાં દાદુએ તેઓની બંદૂકો આંચકી લીધી અને પછી સર્પ જેવા સુસવાટાભર્યા અવાજે બંનેને ધમકી આપી, ‘એક પણ શબ્દ બોલશો તો તમારાં બાલ-બચ્ચાં રખડી જશે.’
ત્યારબાદ એ બંને પોલીસોને દિલાવરખાન ભરાયો હતો એ ઓફિસમાં પૂરી દેવામાં આવ્યા. તેઓ બૂમો ન મારે એ માટે તેમના મોંએ ડૂચો મારવામાં આવ્યો. દાદુ તથા રહીમે દિલાવરખાને ઉતારેલાં કેદીનાં વસ્ત્રો ફાડીને બંનેના હાથ-પગ સજ્જ રીતે બાંધી દીધા.
બે મિનિટ પછી તેઓ ચુપચાપ નીચે ઊતરવા લાગ્યા. સાતમા માળ પર થોડા પોલીસો હતા,પરંતુ કોઈએ તેમની સામે જોયું નહિ નિર્વિઘ્ન તેઓ નીચે આવી પહોંચ્યા.
બીજો દિવસે મુંબઈનાં વર્તમાનપત્રોમાં, જબરી સનસનાટી ભર્યા સમાચાર પ્રગટ થયા;
મશહૂર ડાકુ દિલાવરખાન ભરી અદાલતમાંથી ફરાર
મુંબઈ તા……..
(અમારા સીટી રિપોર્ટર તરફથી)
મુંબઈની પ્રજા દિલાવરખાનના નામ કે તેના કુકર્મથી હવે અપરિચિત નથી. અનેક ખૂનો,ધાડ, લૂંટ અને માર-ફાડમાં સંડોવાયેલો આ માનવી છેવટે મુંબઈની પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો અને છેલ્લા કેટલાક મહિનાઓથી કોર્ટમાં તેનો કેસ ચાલતો હતો. આ કેસની સુનાવણી ગઈ કાલે પૂરી થઈ હતી અને જ્યુરીના માનદ્ સભ્યોએ તેને સંપૂર્ણ રીતે ગુનેગાર ઠરાવ્યો હતો. અને આજે નામદાર કોર્ટ તેને સંપૂર્ણ રીતે ગુનેગાર ઠરાવ્યો હતો અને આજે નામદાર કોર્ટ તેને ફાંસીની સજા ફરમાવી રહી હતી. ત્યાર બાદ…
આ પછી દિલાવરખાન કોર્ટમાંથી કેવી રીતે છટકયો હતો, એ… વિષેનો સંપૂર્ણ અહેવાલ ઝમકદાર શૈલીમાં પ્રગટ કરવામાં આવ્યો હતો, અને છેલ્લે તંત્રી તરફથી ઉમેરવામાં આવ્યું હતું:
આશ્ર્ચર્ય અને અફસોસની વાત તો એ છે કે આ નરાધમ ડાકુ દિલાવરખાને જ્યારે ધમાચકડી મચાવી ત્યારે એશિયાના મહાન જાસૂસ તરીકે ખ્યાતિ પામેલા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઈન્સપેકટર શ્રી નાગપાલસાહેબ પણ પોતાના સહકારી સારજંટ દિલીપ સાથે હાજર હતા. દિલાવરખાને એમની સામે ગોળી ચલાવી હતી. જે એમને કપાળમાં ઉઝરડો પાડીને કોર્ટ-હોલની દીવાલમાં પ્રવેશી ગઈ હતી. સદ્ભાગ્યે તેઓ બચી ગયા હતા. નાગપાલસાહેબની ઝિંદાદિલ, સાહસિકતા પ્રમાણિકતા અને નીડરતા અંગે આજે માત્ર મુંબઈ જ નહિ. અપણા દેશના એકએક નાગરિકો જાણીતા છે. અમને આશા છે કે તેઓ બંને તત્પરતાથી મુંબઈ પોલીસને દિલાવરખાનને શોધી કાઢવા માટે મદદરૂપ થશે. કોર્ટમાં ફેલાયેલી અસહ્ય ગરમી તથા એમને જે ગોળી વાગી હતી એના કારણે તેઓ દશ-પંદર મિનિટ માટે બેહોશ બની ગયા હતા. દિલાવરખાનની મદદ માટે આવેલા એના ત્રણેય સાથીઓ કોર્ટમાં જ પકડાઈ ગયા છે… પોલીસ એમની વિરુદ્ધ કેસ તૈયાર કરી રહી છે.


મરીન લાઈન્સ સ્થિત બીજી મંઝિલમાં આવેલા પોતાના ફલેટમાં નાગપાલ, દિલીપ અને શાંતા બેઠાં હતાં. નાગપાલનો ચહેરો ગહન ચિંતામાં ડૂબેલો હતો. રોજ રોજ વિદેશી એજન્ટોના ભાડૂતી માણસો નવા નવા ઉત્પાત મચાવતા હતા. થોડીવાર પહેલાં જ દિલ્હીથી ચીફ ઓફ સ્ટાફ શ્રી મહેતાસાહેબનો ટ્રંકકોલ આવ્યો હતો અને વિદેશી જાસૂસો અંગે બેહદ ચિંતા વ્યકત કરી હતી. નાગપાલને વાગેલી ગાળીના સમાચાર એમણે અખબારમાં વાંચ્યા હતા અને એટલે તેમને તેના વિષે ચિંતા ઊપજી હતી. તથા ખાસ કાળજી રાખવાની ભલામણ કરીને વાત પૂરી કરી હતી.
‘ટ્રીનનન…ટ્રીન…’ ફોનની ઘંટડી રણકી ઊઠી.
‘હલ્લો…’નાગપાલે રિસીવર ઉઠાવ્યું, ‘નાગપાલ સ્પીકિંગ…’
‘નાગપાલ…!’ સામેથી સૂસવાટાભર્યા અવાજ આવ્યો. ‘તે અમારી ચેતવણી પર ધ્યાન નથી આપ્યું. આજે તને છેલ્લી તક આપવામાં આવે છે. તારા બોરિયા-બિસ્તરા સમેટીને પાછો દિલ્હી ભેગો થઈ જા. એમાં જ તારુૃં હિત છે… નહિ તો…’
નાગપાલ ખડખડાટ હસ્યો. એના ખૂબસૂરત ચહેરા પર નીડરતા અને મગરૂરીની રેખાઓ છવાઈ ગઈ… એની સુંદર પાણીદાર આંખોમાં એક ખોફનાક ચમક પથરાઈ ગઈ.
‘કૂતરાઓ માત્ર ભસી જ જાણે છે… અને તું જાણે તો છે જ કે ભસતા કૂતરાઓ કયારેય નથી કરડી શકતા. મને તારા પર દયા આવે છે. કારણ, હું જાણું છું કે આવાં કૂતરાઓ સાથે વાત નથી કરતો,’કહીને નાગપાલે ધડામ કરતું રીસીવર મૂકી દીધું.
‘કોનો ફોન હતો સર?’ શાંતાએ પૂછયું.
‘એક મગતરાનો’ નાગપાલે જવાબ આપ્યો, ‘દિલીપ, શાંતા તમે બંને અહીંથી આજે સાંજની ટ્રેનમાં પૂના ઊપડી જાઓ. ત્યાં સુનીલ, ગુરુપાલ, લીના, સૈયદ આવતી કાલે સવારે દિલ્હીથી સીધા જ આવી પહોંચશે. એ લોકોને મેં જરૂરી સૂચનાઓ આપી દીધી છે. તમારે સૌએ આંખ -કાન ઉઘાડા રાખીને ગંદી વસતીઓમાં ફરવાનું છે… આપણા દેશ અને દેશની સરકાર વિષે વિદેશી જાસૂસોએ પૈસાથી ખરીદેલા સ્થાનિક માણસોના સંપર્કમાં તમારે સૌએ આવવાનું છે. યાદ રાખો, એમની મારફત જ આપણે એકને એક દિવસ સાચા અપરાધી સુધી પહોંચી જઈશું…’
‘ અને અંકલ તમે…? દિલીપે પૂછયું. હંમેશાં ખુશમિજાજ અને સતત મજાકિયા મૂડમાં રહેતો દિલીપ આ કેસમાં શરૂઆતથી જ બેહદ ગંભીર રહ્યો હતો, અત્યારે પણ તે ગંભીર જ હતો.
‘હું અહીં જ રહીશ, મારી ફિકર કરવાની જરૂર નથી. તમે લોકો હવે અહીંથી જાઓ, મારે અગત્યનાં કામો બાકી છે…’
નાગપાલનો કઠોર તથા ભાવહીન અવાજ સાંભળીને પછી કોઈની કશીએ પૂછપરછ કરવાની હિંમત ન ચાલી.
દિલીપ તથા શાંતા ઊભાં થઈને બહાર નીકળી ગયાં. એમના ગયા પછી નાગપાલે અક ફાઈલ ઉઘાડી અને પછી તેના નિરીક્ષણમાં ડૂબી ગયો… એના ચહેરા પર ચિંતા અને પરેશાની હતી… વાંચવામાં તે એટલો બધો તલ્લીન થઈ ગયો હતો કે આજુબાજુનો કશોએ ખ્યાલ તેને ન રહ્યો.
‘અમે અંદર આવી શકીએ સર?’ અચાનક દ્વાર પરથી એક અવાજ આવ્યો.
નાગપાલે ચમકીને દ્વાર તરફ જોયું. પછી આગંતુકોમાંથી ઓળખીને એ બોલ્યો, ‘આવો…’
આવનારાઓ ત્રણ હતા-બે પુરુષ અને એક યુવતી! બંને પુરુષો જાણે કે એના માટે અજાણ્યા હતા. એ તેઓને ઓળખતો હોય એવું તેના હાવભાવ કે ચહેરા પરથી લાગતું નહોતું. સાથે જ એ બંને પુરુષોને ઓળખવાનો પ્રયાસ કરતો હોય એવું લાગ્યું. સાથેની યુવતીને બરાબર ઓળખી ગયો હતો…
એ હતી ડેની …
એની સાથે દિવાકર તથા દેશાઈભાઈ હતા.
ડેની સ્મિત ફરકાવતી અંદર આવી.
નાગપાલે ત્રણેયને બેસવા માટે સંકેત કર્યો.
‘આપ અહીં આવ્યા છો, એવા સમાચાર સાંભળ્યા પછી આપને મળવાની લાલચ હું નથી રોકી શકી.’ ડેની નાગપાલ સામે જોઈને બોલી.
‘ સારું કયુર્ં.’ નાગપાલ સ્મિત રેલાવતા બોલ્યો, ‘ત મળવા આવી એથી મને પણ ઘણો આનંદ થાય છે, ડેની! તારાં લગ્ન થઈ ગયાં છે, એ વાત હું જાણુ. ઘણું સારું કર્યું તે !… વારુ. આ બન્ને મહાશયો કોણ છે? તેઓની ઓળખાણ તો કરાવ! અલબત્ત, તેઓને મેં કયાંક જોયા હોય એવું આછું આછું યાદ આવે છે. પરંતુ તું તો જાણે છે ડેની… દરરોજ મારે કેટલાય નવા નવા માણસો મળતું પડતું હોય છે. તું જ કહે, કેટલાક ચહેરાઓ યાદ રાખવા?
‘મહાશય નાગપાલ બંધુ…! ડેની કશો આપે એ પહેલાં જ દેશાઈભાઈ બોલી ઊઠયો, ‘આપને મારા કોટી ધન્યવાદ! આભાર ! આપે મને જેલમાં ધકેલી દીધો હતો. પણ રહો, મારી જેમ કેટલાયને મોકલ્યા હશે આપે એટલે મારી ઓળખાણ આપું ! મારું નામ બાબુભાઈ દેશાઈ! પરંતુ લોકો મને દેશાઈભાઈના નામથી જ ઓળખે છે. અને આ છે મારો જિગરી દોસ્ત દિવાકર…! દિવાકર જોશી ! સ્મગલિંગનો આરોપ મારા પર પુરવાર કરવા માટે આપના સહકારીઓ, આદું આરોગીને મારી પાછળ પડી ગયેલા… અને…’
‘ઓહ…દેશાઈભાઈ…!’ નાગપાલ મધુર અવાજે બોલ્યો, ‘તમને બરાબર ઓળખ્યા… હવે બધું જ યાદ આવે છે. દિવાકરે તમારા માટે ગર્વ અનુભવવો જોઈએ…! ખરેખર, તમારા જેવા મિત્ર મળવા ખૂબ જ કઠિન છે. અને…’
‘મારી તારીફ કરવી રહેવા દો. દેશાઈભાઈ બોલ્યો : ‘વાસ્તવમાં નાગપાલસાહેબ, મેં હવે અપરાધી આલમને સલામ ભરી દીધી છે અને હવે મારા મગજમાં જાસૂસીનું ભૂત ભરાયું છે સાહેબ કે બીજા માણસો કરતાં હું થોડા અટપટો અને તોકલી મગજનો માણસ છું મારો મૂડ કયારે બદલાય એનું કંઈ જ નક્કી નથી. એનો એક દાખલો આપને એક આપું. મને એકવાર ઉનાળાના વેકેશનમાં કાશ્મીર જવાનું મન થયું. ફર્સ્ટકલાસની ટિકિટ રીઝર્વ કરાવી. ઘેરથી તૈયાર થઈને સ્ટેશન પર આવ્યો અને અચનક જ મારો મૂડ બદલાયો. કાશ્મીર જવાને બદલે મારા સાહેબ હું તો અમદાવાદ જનારી ટ્રેનમાં વગર ટિકિટે જ બેસી ગયો. કોણ જાણે કેમ અમદાવાદ જવાની મને તીવ્ર ઈચ્છા થઈ આવી. હવે કહો, હું કેવો વિચિત્ર માણસ છું…અને…’
‘બસ …બસ…’નાગપાલ હસી પડતાં બોલ્યો, ‘તમારી પ્રકૃતિ મને સમજાઈ ગઈ, વધુ પુરાવાની જરૂર નથી.’
‘હવે હું આ બંને ટાબર-ટાબરી સાથે અહીં શા માટે આવ્યો છું તો આપ સાંભળશોને?’ નાગપાલે તેને ટોકયો. એ માટે બિલકુલ માઠું લગાડયા વગર દેશાઈભાઈ પૂર્વવત અવાજે પોતાની જ ગાડી હાંકતો ગયો :
‘ફરમાવો…’
‘વાત એમ છે નાગપાલસાહેબ…’ દેશાઈભાઈ ગર્વથી છલકાતા અવાજે પોતાની દાસ્તાન શરૂ કરી, કોર્ટમાંથી નાસી છૂટેલા નરાધમ ડાકુ દિલાવરખાનનો મેં પીછો કર્યો હતો.
‘હું જાણું છું…’ નાગપાલનો સ્વર સ્થિર હતો.
‘હેં…?’ દેશભાઈનો અવાજ અચરજથી ફાટી ગયો. તે નાગપાલ સામે નર્યા આશ્ર્ચર્ય થી ટગરટગર તાકી રહ્યો.
‘હા, અને તમારે તેની સાથે ઝપાઝપી થઈ હતી. મને બધા રિપોર્ટ મળી ગયા હતા. પરંતુ દિલાવરખાન સાથે બાથ ભીડનાર તમે જ હશો, એ વાત ત્યારે હું નહોતો જાણતો. મને તો તમારું નામ જ જાણવા મળ્યું હતું. તમને ઈજા થઈ હતી. દિલાવરખાન છટકી ગયો, પછી તમે પોતે પોલીસની પૂછપરછથી બચવા માટે કોઈનેય જાણ કર્યા વગર ચુપચાપ ત્યાંથી છટકી ગયા હતા, ખરું ને?’
દેશાઈભાઈએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
‘જુઓ દેશાઈભાઈ!’નાગપાલના સ્વરમાં હવે ભારોભાર ગંભીરતા હતી અને એકએક શબ્દો તોળી તોળીને બોલતો હોય એવું વજન તેની વાતમાંથી નીતરતું હતું :
‘તમારી સાહસિકતાની હું કદર કરું છું. તમે ખૂબ જ નીડર, બાહોશ અને બુદ્ધિશાળી છો અને એ માટે મને તમારા પ્રત્યે માન છે. તમે અપરાધી આલમ છોડી દીધી છે, અને એક શરીફ માણસની જેમ જીવન વિતાવો છો, એ જાણીને મને ઘણો જ આનંદ થયો છે. રહી તમારા જાસૂસીના શોખની વાત ! તો જરૂર
તમારો શોખ પૂરો કરો, પરંતુ આ લાઈન બહારથી જેટલી બધી ખૂબસૂરત, આકર્ષક અને મનમોહક લાગે છે એટલી જ અંદરથી ભયંકર છે. કઈ પળે, કઈ ઘડીએ, કયા દિવસે, કયા રૂપમાં મોત આવશે, એની કોઈ જ ખાતરી કે ભરાસો નથી. માટે હંમેશાં સાવધ રહેવું જોઈએ. હવે દિલાવરખાનની વાત પર આવું છું…’
નાગપાલ પળભર અટકીને બોલ્યો, ‘દેશાઈભાઈ, અત્યારે આપણા દેશમાં ચારે તરફ વિદેશી જાસૂસોએ પોતાના બદઈરાદાની અને કુચક્રની ભયંકર જાળ પાથરી છે. તમે અખબારોમાં વાંચતા હશો. એ પ્રમાણે તેઓની અનેક જાતની ધૃણિત પ્રવૃત્તિઓ વધતી જાય છે અને દોષનો ટોપલો આપણી સરકારના માથા પર ઓઢાડવામાં આવે છે. આ વિષે વિસ્તારથી હું ફરી કયારેક તમને જણાવીશ. હાલ તુરત તો તમે દેશના દુશ્મનોને શોધીને તેમની પાછળ પડી જાઓ. યાદ રાખો, અસલી અપરાધીઓ તો પરદા પાછળ જ રહીને દોરીસંચાર કરે છે, ખોટી અફવાઓ ફેલાવનાર, ખોટી તંગી ઊભી કરનાર અને લોકોમાં સરકાર તરફ ખોટો પ્રચાર કરનારાઓ સાધારણ માણસો જ છે. હોટલના વેઈટરથી માંડીને ઓફિસના કલાર્ક જેવા દેખાતા માણસો મારફત જ આવી અફવાઓ ભાડૂતી કુત્તાઓ ફેલાવે છે. આવા કુત્તાઓ તમને ચારે તરફ જોવા મળશે!’ નાગપાલ એમ કહીને અટક્યો.
દેશાઈભાઈ પૂરી ગંભીરતાથી તેની વાત સાંભળતો હતો.
નાગપાલે પોતાની પાઈપ ભરીને તેને પેટાવી. પછી એક કશ ખેંચ્યો. વળતી જ પળે પ્રિન્સ હેનરી તંબાકુની કડવી-મીઠી સુગંધ એ ખંડમાં ફેલાઈ ગઈ. અચાનક તેને જોરથી ઉધરસ આવી, કેટલીએ વાર સુધી નાગપાલ ઉધરસ ખાતો રહ્યો એની આંખમાંથી પાણી નીકળી આવ્યાં. કદાચ ધુમાડો વધુ પડતો ફેફસામાં ઊતરી ગયો હતો. પછી તે સ્વસ્થ થઈ ગયો…
‘હા,તો તમે બુદ્ધિશાળી માણસ છો દિવાકર ! અને ડેની જેવી કાબેલ જાસૂસી વિદ્યામાં પારંગત યુવતી તમારી સાથે છે. તમે ત્રણેય સાથે મળીને આવા ગદ્દાર, દેશના દુશ્મનો શોધી કાઢો. અત્યારે દિલાવરખાનને પડતો મૂકો. એને પકડવા માટેનું કામ સિવિલીયન્ટ પોલીસનું છે. બીજું દિલાવરખાન, મારે મન એક મચ્છર જેવો છે. એને મહત્ત્વ આપવાની જરૂર નથી. એને પછી જોઈ લેવાશે તમે સમજ્યા દેશાઈભાઈ!’નાગપાલનો અવાજ તીખો થયો,
‘દિલાવરખાન કરતાંયે વધુ ભયંકર માણસો દેશદ્રોહી ગણાય. માટે તેઓને શોધો… અને…’
એ જ પળે શાંતા કોફીની ટ્રે લઈને અંદર પ્રવેશી.
દેશાઈભાઈ સહિત સૌએ તેને ન્યાય આપ્યો. ત્યારબાદ થોડી ઔપચારિક વાતો કરીને દેશાઈભાઈ, દિવાકર તથા ડેની સાથે નાગપાલની રજા લઈને વિદાય થયો.
તેઓના ગયા પછી દિલીપ નાગપાલ સામે જોઈને બોલ્યો, ‘બહારથી ભલે તમે સ્વસ્થ દેખાઓ, પરંતુ અંદરથી તમે ચોકકસ થાકેલા લાગો છો. તમને થોડીવાર પહેલાં ઉધરસ પણ કેટલી બધી આવી હતી ! આ જાસૂસી-ફાસૂસી બધું પડતું મૂકીને હવે તમારે આરામ કરવો જોઈએ.’
‘ ઉધરસ….? નાગપાલ હસ્યો, ‘ એ તો મને આ પાઈપ ફૂંકવાની ટેવ…’ પળભર તે અચકાયો. પછી એણે વાક્ય પૂરું કર્યું, ‘પડી ગઈ છે અને હવે આ વ્યસન વર્ષો જૂનું થઈ ગયું, એટલે સહેલાઈથી છૂટે તેમ નથી. જો તમાકું પીવાનું બંધ કરું તો આપો- આપ જ ઉધરસ મટી જાય.’ એ ફરીથી હસ્યો.
પરંતુ એનું હાસ્ય માત્ર પોતાને ખુશ કરવા માટે જ છે એવું દિલીપને લાગ્યું. પરંતુ નાગપાલ અત્યારે વિદેશી જાસૂસોના ચકકરમાં પડયો છે એટલે હવે કોઈ જ વાતનો સીધો જવાબ પોતાને નથી મળવાનો, એ વાત તે બરાબર રીતે સમજતો થયો હતો. ‘તમે લોકો હવે જવાની તૈયારી કરો.’ નાગપાલ ઊભા થતાં બોલ્યો ‘હું બહાર જાઉં છું, એક વ્યકિતને ચેક કરવાની છે…’
દિલીપ નિરુત્તર રહ્યો…
નાગપાલ તૈયાર થઇને બહાર નીકળી ગયો.
બે મિનિટ પછી એની કાર નેતાજી સુભાષ રોડ પર પાણીના રેલાની જેમ જઈ રહી હતી! એની કારની પાછળ એક અન્ય કાર તેની પાછળ લાગી હતી અને સાંજના પાંચ વાગ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?