લીવ ઇન રિલેશનશીપના કરારમાં શું હોય છે?
વ્યંગ – ભરત વૈષ્ણવ
‘ગિરધરભાઇ, લીવ ઇન રિલેશન શું કહેવાય?’ રાજુ રદીએ મને પ્રશ્ર્ન પૂછ્યો. કાચી કાકડી ( વાસ્તવમાં પાકી ગયેલી કાકડી જેવા!) જેવા કાયમી કુંવારા એટલે કે આપણી ભાષામાં ‘આજીવન વાંઢા કમ ઢાંઢા’ એવા રાજુ રદીએ લીવ ઇન રિલેશનશાપમાં જરૂર કરતાં વધારે રસ લીધો. અંબાણી-અદાણી મહત્તમ સંપત્ત્ાિ કમાવવાનું લક્ષ્ય રાખે છે તેમ રાજુ રદીનું લક્ષ્ય ગમે તે તે ડાળે વળગવાનું છે. એનો મતલબ એ નથી કે રાજુ ઘોરખોદિયા કે ચામાચીડિયા સંવર્ગનું પ્રાણી છે. લગ્નના બજારમાં રાજુના ભાવ તળિયે ગયા છે. દૂરદૂરના પરિવારમાંથી પણ સમ ખાવા માટે પૃચ્છા આવતી નથી. એ સંજોગોમાં રાજુ રદીને લગ્ન નામનો મામો ન હોય તો લીવ ઇનનો કહેણો મામો ખોટો ન લાગે એ સ્વાભાવિક છે.
‘રાજુ, જે લોકો લગ્નના બંધનમાં પડવા માગતા ન હોય કે લગ્ન કરવાની ઇચ્છા હોય છતાં ગમે તે કારણસર લગ્ન ન કરે અને પુરુષ-સ્ત્રી બંને સાથે રહે તેને લીવ ઇન રિલેશન કહેવાય!’ મેં રાજુને સરળ ભાષામાં ત્રાંસા- વાંકા-આડા સંબંધો વિષે સમજૂતી આપી. આ પ્રકારના સ્નેહ સંબંધોને સમાજ આડા-ઊભા સંબંધના જુગુપ્સાપ્રેરક ચોકઠામાં શું કામ ફીટ કરતો હશે તેનું મને આજે પણ ‘નિર્દોષ ડિવોર્સ’ જેવું કૂતુહલ છે.
‘ગિરધરભાઇ. લીવ ઇનમાં પડાય ?’ રાજુ રદીએ વહેતી ગંગામાં હાથ ધોવા માટે સવાલ પૂછ્યો. મનમાં લડ્ડુ ફૂટે તેવો ઉપક્રમ લાગે.
‘રાજુ, કેમ ન પડાય? પણ ઢીંઢા નહીં ભાંગે તેની કોઇ ગેરંટી નથી.’ મે રાજુ રદી સામે ભયજનક લાલબત્તી ધરી.
‘ગરધરલાલ, એ તો પડશે એવા દેવાશે!’શાહરૂખખાનની સ્ટાઇલમાં ખભા ઊંચા કરી રાજુએ જવાબ આપ્યો.
‘રાજુ, લગ્ન ન થતા હોય તો આ વિકલ્પ ખોટો નથી. અલબત, લગ્નની જેમ પણ લીવ ઇનમાં પણ છોકરી જોઇએ! ’ મે રાજુને કહ્યું. રાજુનું મુખબાવળ લજામણીના છોડની જેન લજવાઈ ગયું
લગ્નેતર સંબંધો હંમેશાં રસ, ગોસિપ, કુથલી, નિંદા ,પડપૂછ, જુગુપ્સા અને ચર્ચાનો વિષય રહ્યા છે.ભૂતકાળમાં તેને છુપાવવા માટે રીતસર પ્રયાસ કરવા પડતા. અંધારું થયા પછી પ્રેમિકાને મળવા જતાં કેટલીય એસઓપી ( સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડર)નું પાલન કરવું પડતું હતું… છાનગપતિયા પકડાય જાય તો આવા સંબંધ તિરસ્કારપાત્ર બનતા. લોકોની સહાનુભૂતિ પત્નીના પક્ષે રહેતી….. બીજી તરફ પતિ હોય છતાં જીવનમાં બીજો પુરૂષ પ્રવેશે તો તેને શું કહેવાય તેનું મને નિર્દોષ કુતૂહલ -જિજ્ઞાસા છે!
આમ તો લીવ ઇન રિલેશનશીપની ચર્ચાઓ વર્ષોથી થઇ રહી છે. આ રિલેશનશીપ એટલે બે પુખ્ત વયના છોકરો – છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે. લિવ ઇન રિલેશનશિપ અંગે એક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
અહીં પ્રશ્ર્ન એ થાય કે જો કોઈ સ્ત્રી પરિણીત છે તો તે લિવ ઇન રિલેશનશિપમાં કોઈ અન્ય પુરૂષ સાથે રહી શકે ? તેનો કાયદાકીય જવાબ ના છે!કેમ કે લીવ ઇન રિલેશનશીપ કાયદેસર છે, પરંતુ આજનો સમય આ રિલેશનનું ખોટુ અર્થઘટન કરી પરિણીત હોવા છતાં લીવ ઇનમાં રહે છે. અને કાયદાની આડાશ મેળવી લે છે. ખરેખર તો આવા રિલેશનશિપમાં પરિણીત પુરૂષ કે સ્ત્રી રહી શક્તા નથી.
‘હમણા પાલનપુરના એક યુવકને એના જીવનની સૌથી યાદગાર જન્મદિવસની ભેટ મળી છે. ૭ ફેબ્રુઆરીના યુવક ૨૧ વર્ષનો થયો તો કોર્ટે એને એની લિવ-ઇન પાર્ટનર સાથે ફરીથી ભેગો કરી દીધો હતો. આ કપલે જ્યારે ગત વર્ષે લીવ ઈનમાં રહેવાનું શરૂં કર્યું ત્યારે યુવતીના પરિવાર દ્વારા બળજબરીથી એને લઈ જવામાં આવી હતી, કારણ કે એના પરિવારને આ સંબંધ સામે વાંધો હતો… જો કે ,જેવા કોર્ટે એમને ફરી ભેગા કર્યા કે દંપતીએ એમના સંબંધોને કાયદેસર કરવામાં કોઈ સમય બગાડ્યો નહીં. કોર્ટરૂમમાંથી બહાર નીકળ્યા પછી તરત જ લગ્ન કરી લીધા હતા.
‘લીવ ઇન રિલેશનશીપમાં કરાર કરવામાં આવે છે. આ કરારમાં કઈ કઈ બાબત હોય તેની ગિરધરભાઇ ગરબડિયાએ ‘બખડજંતર’ ચેનલ માટે ઘણી છાનબીન કરી છે. લીવ ઇન રિલેશનશિપના સાડા છ કરોડ કરારમાંથી અમુક જોગવાઈ શોધી કાઢી છે.
‘લીવ ઇન કરારની ધરાર જોગવાઇ
૧)સવાર- સાંજના વાસણ યુવાને ધોવાના રહેશે. તેમાં મદદ માટે યુવતીને દબાણ કરી શકાશે નહીં.
૨) ગિઝર ચાલુ હોય તો જાતે ગરમ પાણી યુવાને કાઢવાનું રહેશે. ૩.) ચીકણા રહેલાં વાસણો સ્ત્રી જેવી કચરચ કર્યા વિના સાફ કરવાના રહેશે…. ૪). સવારની ચા કોઇ પણ જાતની દલીલબાજી કર્યા સિવાય યુવાને ઉકાળવાની રહેશે. ગેસ બચાવવા યુવતીની ચા પણ બનાવી યુવાને બેડ ટી સર્વ કરવાની રહેશે. ૫). નાસ્તો સ્વિગી, ઝોમેટોના ભાવ કમ્પેર કરીને સૌથી વધુ ભાવ હોય ત્યાંથી ઓનલાઇન ઓર્ડર કરી ઓનલાઇન પેમેન્ટ યુવાને કરી મંગાવવાનો રહેશે.
૬) શંકાશીલ કે વહેમી પતિની જેમ યુવાન યુવતીનો મોબાઇલ,ફેસબુક, ઇન્સ્ટા, ટેલિગ્રામ ચેક કરી શકશે નહીં, પરંતુ યુવતીને યુવાનનો મોબાઇલ, ટ્વિટર , ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ જેવાં અકાઉન્ટસ ચકાસવા અને જરૂર જણાયે યુવાનનો ઇન્ટ્રોગેશન કરવાનો વિષેષાધિકાર રહેશે ૭). દિવસમાં પાંચ છ પાર હની, જાનુ, બેબી, ડાર્લિંગ, સ્વીટહાર્ટ કહેવાનું રહેશે અને મોઢું-થોબડું બગાડવાનું રહેશે નહીં.! ૮) યુવતી આગોતરી નોટિસ વગર પ્રેમ કરી શકશે. યુવાને કમસેકમ પાંચ દિવસની પૂર્વ નોટિસ આપવાની રહેશે… ૯). બંનેના સંબંધીનું સન્માન કરવાનું રહેશે.
યુવાન એના પિયરિયાંને યુવતીની સંમતી કે પૂર્વ મંજૂરી સિવાય બોલાવી શકશે નહીં. જ્યારે યુવતી માટે આ પ્રકારનાં બંધનો બંધનકર્તા રહેશે નહીં!
આવા નિયમોવળી લિવ ઇન કરારનામાની કોપી ગજવે ધરી રાખવી. કોને ખબર કંઇ દિશાઓથી દિશા પટણી નામની લોટરી રે બમ્પર જેકપોટ તમને બગાસું ખાતા પતાસું પડે તેમ મળી જાય. આગ લાગે ત્યારે કૂવો ખોદવો ન પડે તે માટે કરારરૂપી લાયબંબો સાથે જ રાખવો.તમારા જીવનમાં લિવ-ઇનની આગ ગમે ત્યારે ને ગમે તેની સાથે લાગે તેના એમેચ્યોર આશીર્વાદ – શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લક ફોર લીવ ઇન રિલેશનશીપ…!