ઈન્ટરવલ

પેમેન્ટ બૅન્ક ગાજી એટલી વરસી ના શકી!

હાલ દેશમાં માત્ર છ પેમેન્ટ બૅન્કો સક્રિય!

આઠ વર્ષમાં ૧૧માંથી ૫ાંચ પેમેન્ટ બૅન્કોએ બિઝનેસ સમેટી લીધો!

કવર સ્ટોરી – નિલેશ વાઘેલા

પેમેન્ટ બૅન્કનો કનસેપ્ટ જ્યારે પહેલી વખત નાણાંક્ષેત્રના ધૂરંધરોની ચર્ચા માટેનો એકદમ નવો નક્કોર વિષય બન્યો હતો, ત્યારે એમાં દરેક અર્થશાસ્ત્રીને રોમાંચ અને આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટેનો નવો માર્ગ તેમ જ એક તદ્ન નવો વિકલ્પ દેખાયો હતો.
હવે જ્યારે પેટીએમના પટારામાં આરબીઆઇને કશું શંકાસ્પદ જણાયું અને તેણે એક પછી એક આકરાં પગલાંઓ લઇને પેટીએમનો ખેલ ખતમ થઇ જાય એવી આક્રમકતા બતાવી છે, ત્યારે આ કોનસેપ્ટની ચર્ચા ફરી સપાટી પર આવી છે.
પ્રારંભિક તબક્કે બૅન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશવાની નવી તક જણાતાં અગ્રણી કોર્પોરેટ હાઉસ અને ટોચના ઉદ્યોગપતિઓ પણ આ નવા સાહસમાં ઝંપલાવવા આતૂર બન્યાં હતાં. જોકે, બૅન્ંિકગ ક્ષેત્રની નિયામક આરબીઆઇએ કેવાયસી (નો યોર કસ્ટમર, તમારા ગ્રાહકને જાણો)ને લગતા જે કપરા નિયમો ઘડ્યા હતા તે અને અન્ય સમસ્યાને કારણે આ નવો કોન્સેપ્ટ ઝાઝી સફળતા ન મેળવી શક્યો!
જોકે, પેમેન્ટ બૅન્ક જેટલી ગાજી એટલી વરસવામાં સદંતર અસફળ રહી. એક ડેટા અનુસાર ૧૧ પેમેન્ટ બેન્કોમાંથી માત્ર છ પેમેન્ટ બેન્ક જ સક્રિય છે, ત્રણ તો ચાલુ જ ન થઇ શકી અને બે બંધ થઇ ગઇ. અર્થનિષ્ણાતો અનુસાર આનું કારણ એક વાક્યમાં જણાવવું હોય તો કહી શકાય કે બેન્ક્ ચલાવવા માટેની મૂડી અને કાર્યકારી નાણાં ભંડોળની ઓછી ઉપલબ્ધતાએ આ પેમેન્ટ બેન્કોનું ગળું ટૂંપી નાખ્યું!
પેમેન્ટ બૅન્કો માટે કેવાયસી હંમેશાં મુશ્કેલ મુદ્દો
રહ્યો છે. વધુમાં, એઆઇ અને ડીપફેકએ એક મોટો
પડકાર ઊભો કર્યો છે, જે કેવાયસી પ્રક્રિયા માટે ગંભીર ખતરો છે.
રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ચંદન સિન્હાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેમેન્ટ બૅન્કો પાસે આવકના મર્યાદિત સ્ત્રોત હોય છે અને તેમની સાથે સંકળાયેલા ખર્ચાઓ અને ખર્ચાઓને પહોંચી વળવા માટે આ સ્રોત પર્યાપ્ત નથી. વધુમાં, તેઓ માત્ર મર્યાદિત બૅન્કિંગ સેવાઓ રજૂ કરી શકે છે, જેનાથી તેમના ખર્ચને વસૂલવાનું મુશ્કેલ બને છે. તેમના માટે મજબૂરી પણ એક મોટો પડકાર છે.
આરબીઆઇએ ૨૦૧૫માં પેમેન્ટ બૅન્કનો કોન્સેપ્ટ રજૂ કર્યો
બૅન્ંિકગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા તાજેતરમાં પેટીએમ પેમેન્ટ બૅન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી દેશના પેમેન્ટ બૅન્ક ઈન્ડસ્ટ્રી સામે પ્રશ્ર્નાર્થો ઉભા થયા છે. ૨૦૧૬માં સૈદ્ધાંતિક રીતે લાઇસન્સ મળ્યા પછી કુલ ૧૧માંથી ૫ાંચ એટલે કે લગભગ અડધી પેમેન્ટ બૅન્કો બંધ થઈ ગઈ છે. આના મુખ્ય કારણોમાં ફંડનો અભાવ, મર્યાદિત કામગીરી અને કમાણીનાં મર્યાદિત માધ્યમો છે.
આ સિવાય આ બૅન્કો આરબીઆઈના કડક નિયમોનું પાલન કરવામાં પણ અસમર્થ રહી હતી. મુખ્યત્વે ચાર પ્રકારની બૅન્કો ભારતની સેન્ટ્રલ બૅન્ક આરબીઆઇ હેઠળ કામ કરે છે, જેમાં કમર્શિયલ બૅન્કો, સ્મોલ ફાઇનાન્સ બૅન્કો, પેમેન્ટ બૅન્કો અને સહકારી બૅન્કોનો સમાવેશ થાય છે.
પેમેન્ટ્સ બૅન્ક, આરબીઆઈનો નવો કોન્સેપ્ટ છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં, આરબીઆઈએ પેમેન્ટ બૅન્ક ખોલવા માટે મંજૂરી માગતા ૪૧ અરજદારોની યાદી બહાર પાડી હતી. ૧૯ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ આરબીઆઈએ ૧૧ પેમેન્ટ બૅન્કોની અરજીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. એરટેલ પેમેન્ટ્સ બેંકે સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતની પ્રથમ પેમેન્ટ બૅન્ક તરીકે કામગીરી શરૂ કરી હતી. પેટીએમ પેમેન્ટ બૅન્કને ૨૦૧૭માં લાઇસન્સ મળ્યું હતું.
પેમેન્ટ બૅન્કોની વ્યાખ્યા, ઉદ્દેશ અને કામગીરી
પેમેન્ટ બૅન્કો મુખ્યત્વે ડિજિટલ કંપનીઓ છે જે સ્થળાંતરિત કામદારો, ઓછી આવક ધરાવતા પરિવારો, નાના વ્યવસાયો, અસંગઠિત ક્ષેત્રની સંસ્થાઓ અને અન્ય વપરાશકર્તાઓને નાના બચત ખાતાઓ અને ચુકવણી અથવા રેમિટન્સ સેવાઓ પૂરી પાડીને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી હતી.
અલબત્ત આ પેમેન્ટ બેન્કો અન્ય બૅન્કોની જેમ જ કાર્ય કરે છે, પરંતુ નાના પાયે અને ક્રેડિટ રિસ્ક વિના. આ બેન્ક લોન કે ક્રેડિટ કાર્ડ જારી કરી શકતી નથી. આ બૅન્કો રિકરિંગ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ લઈ શકતી નથી. તેઓ પ્રતિ ગ્રાહક બે લાખ રૂપિયા સુધીની સેવિંગ્સ ડિપોઝિટ્સ લઈ શકે છે. તેઓ ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ જેવી સેવાઓ પૂરી પાડી શકે છે.
હાલમાં દેશમાં માત્ર છ પેમેન્ટ બૅન્કો સક્રિય
હાલમાં દેશમાં માત્ર છ પેમેન્ટ બૅન્કો સક્રિય છે. આદિત્ય બિરલા પેમેન્ટ બૅન્ક, આદિત્ય બિરલા નુવો અને સેલ્યુલર વચ્ચેનું સંયુક્ત સાહસ, તેની શરૂઆતના બે વર્ષમાં બંધ થઈ ગયું. તેનું મુખ્ય કારણ ફંડનો અભાવ હતો.
એ જ રીતે ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપનીએ પેમેન્ટ બૅન્ક ખોલવાનો ઈરાદો છોડી દીધો અને લાઇસન્સ સરન્ડર કર્યું. કંપનીએ આનું કારણ સ્પર્ધા અને બિઝનેસમાં નફાના અભાવને ગણાવ્યું હતું.
સન ફાર્માના સ્થાપક દિલીપ સંઘવી જેઓ ૨૦૧૫માં સૌથી અમીર ભારતીય હતા, તેમણે પણ ૨૦૧૬માં પેમેન્ટ બૅન્ક શરૂ કરવાનો તેમનો વિચાર પડતો મૂક્યો હતો. જોકે, તેમણે આ માટે કોઈ કારણ જણાવ્યું નહોતું.
પેમેન્ટ્સ બેન્કની નિષ્ફળતાનાં મુખ્ય કારણો જોઇએ તો તેમાં બૅન્કો ચલાવવા માટે મૂડી અને ફંડ્સની ઓછી ઉપલબ્ધતા, મર્યાદિત ઍક્સેસ અને મર્યાદિત નેટવર્ક, માત્ર પસંદગીની બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવી, લોન અને ક્રેડિટ કાર્ડ રજૂ ન થવાને કારણે કમાણીનાં મર્યાદિત માધ્યમોનો સમાવેશ કરી શકાય.
આ ઉપરાંત અન્ય કારણોમાં આવકની સરખામણીમાં ડિજિટલાઈઝેશન અને નેટવર્કિંગ પર વધુ ખર્ચને રિઝર્વ બેન્કના કેવાયસીને લગતા કડક નિયમોનું પાલન કરવાની અક્ષમતાનો પણ સમાવેશ કરી શકાય. ભારતમાં હાલમાં જે છ પેમેન્ટ બેન્કો સક્રિય છે, તેમાં એરટેલ પેમેન્ટ બૅન્ક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક, ફિનો પેમેન્ટ બૅન્ક, પેટીએમ પેમેન્ટ બૅન્ક, એનએસડીએલ પેમેન્ટ બૅન્ક અને જિયો પેમેન્ટ બૅન્કનો સમાવેશ છે.
જ્યારે પોતાના લાઇસન્સ સરેન્ડર કરનારી ત્રણ બેન્કોમાં ચોલામંડલમ, દિલીપ શાંતિલાલ સંઘવી (સન ફાર્મા) અને ટેક મહિન્દ્રાનો સમાવેશ છે. અને જે બે પેમેન્ટ બૅન્ક થોડા દિવસો સુધી ચાલ્યા પછી બંધ થઈ ગઈ, તેમાં આદિત્ય બિરલા પેમેન્ટ્સ બૅન્ક અને વોડાફોન એમપૈસા લિમિટેડનો સમાવેશ છે. હવે પેટીએમ પર આરબીઆઇએ લીધેલા કડક પગલાં બાદ આ ક્ષેત્રે આગળ શું થાય છે એ જોવું રહ્યું!

પેટીએમ બાદ અન્ય ફિનટેક કંપનીઓ સામે તોળાતાં પગલાં
નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયામાં ક્ષતિઓ બદલ હજુ વધુ ફિનટેક કંપનીઓ સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) તરફથી નિયમનકારી પગલાં તોળાઈ રહ્યા છે. જે ફિનટેક કંપનીઓની રિઝર્વ બેન્કે યાદી તૈયાર કરી છે તેમાં જાણીતા પેમેન્ટસ એગ્રીગેટર અને વોલેટ સર્વિસ પ્રોવાઈડરનો પણ સમાવેશ થાય છે એમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. કેટલીક ફિનટેક કંપનીઓ જે અનસિકયોર્ડ લોન બજારમાં કામકાજ કરે છે અને ગ્રાહકો તથા ધિરાણદારો વચ્ચે ઈન્ટરમીડિયેટર્સની એટલે કે એગ્રીગેટરની ભૂમિકા ભજવે છે તેઓ રિઝર્વ બેન્કની નજર હેઠળ છે.
મની લોન્ડરિંગ તથા ત્રાસવાદ માટે થતી ફાઈનાન્સિંગ પ્રવૃત્તિને પહોંચી વળવા ભારતની નાણાં સંસ્થાઓની એકંદર તૈયારી અંતર્ગત ચાલી રહેલા ફાઈનાન્સિઅલ એકશન ટાસ્ક ફોર્સ ઓડિટ દરમિયાન જ આ નિયમનકારી પગલાં શરૂ થયા છે. કેવાયસી પ્રક્રિયાઓમાં ક્ષતિઓ જણાતા ૩૧મી જાન્યુઆરીના રિઝર્વ બેન્કે પેટીએમ પેમેન્ટસ બેન્ક સામે પગલાં લીધા હતા. વધુ ચાર જેટલી પેમેન્ટ કંપનીઓ છે, જેમાં આવા જ પ્રકારની ક્ષતિઓ જણાઈ રહી છે અને જે આરબીઆઈની નજર હેઠળ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
દેશની બેન્કોની સરખામણીએ ફિનટેક કંપનીઓમાં કેવાયસી પદ્ધતિ એટલી મજબૂત નહીં હોવાનો દેશના વિવિધ નિયમનકારો મત ધરાવી રહ્યા છે. વૈશ્ર્વિક એફએટીએફ ધોરણો પ્રમાણે જ ગ્રાહકોના ફંડોની ચકાસણી માટે મજબૂત પદ્ધતિ લાગુ કરવા પણ નિયમનકારો વિચારી રહ્યા છે.
કેવાયસી મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ઓનલાઈન પેમેન્ટસમાં ગેરરીતિ અટકાવવા માટે નાણાં મંત્રાલયે ઉદ્યોગના વર્તુળો સાથે કેટલીક વખત ચર્ચા પણ કરી છે. કેવાયસી ક્ષતિઓ ઉપરાંત ભૂતિયા ખાતાની પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વૈશ્ર્વિક બ્રોકિંગ જાયન્ટ મેક્વાયરે પેટીએમની પેરેન્ટ કંપની વન-૯૭ કોમ્યુનિકેશન્સના શેર માટે આવક અંદાજો ઘટાડીને મૂક્વા સાથે શેરનો ભાવ લક્ષ્યાંક ઘટાડીને રૂ. ૨૭૫ મૂકતાં શેરોમાં નવેસરથી ગાબડાં પડવાનું ચાલુ થયું હતું. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને ૨૯, ફેબુ્રઆરી ૨૦૨૪ બાદ પ્રમુખ સર્વિસિઝ ઓફર કરવાનું બંધ કરવા આદેશ આપતાં શેરોમાં પેનિક સેલિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક વિરૂદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા) હેઠળ પણ તપાસ શરૂ થયાના અહેવાલ વહેતાં થયા છે. અલબત્ત આરબીઆઇએ પ્રતિબંધની મુદ્ત ૧૫મી માર્ચ સુધી વિસ્તારી છે અને ઇડીએ કંપનીને ક્લિનચીટ આપી હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત પેટીએમના એક્સિસ બેન્ક સાથેની ગોઠવણના પ્રયાસો જો સફળ થશે તો તેનું અસ્તિત્વ ટકી જાય એવી અપેક્ષાઓ પણ જાગી છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button