રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ: મુંબઈ સામે બરોડાને કેવી રીતે ‘ફાયદા હી ફાયદા’?
મુંબઈ: શુક્રવારે રણજી ટ્રોફીમાં ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થશે અને એમાં જે ચાર મૅચ રમાશે એમાં કદાચ સૌથી વધુ લાભ બરોડાની ટીમને થશે એમ માની શકાય.
કારણ એ છે કે 23મી ફેબ્રુઆરીએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈની બરોડા સામે પાંચ દિવસની જે ક્વૉર્ટર ફાઇનલ શરૂ થશે એ માટેની મુંબઈની ટીમમાંથી શ્રેયસ ઐયર અને શિવમ દુબેની બાદબાકી અત્યારથી જ થઈ ગઈ છે.
ઐયરને પીઠમાં દુખાવો છે અને શિવમ સ્નાયુઓના દર્દથી પરેશાન છે.
ઐયર આ વખતની રણજી સીઝનની પહેલી બે મૅચમાં રમ્યો હતો. ટેસ્ટની ટીમમાં તેને સ્થાન મળ્યું હતું, પણ પછી ખરાબ ફૉર્મને લીધે તેની હકાલપટ્ટી થઈ હતી.
મુંબઈને ખાસ કરીને શિવમની ખોટ વર્તાશે, કારણકે આ વખતની છ મૅચમાં તેણે બે આક્રમક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી ફટકારી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ સામે તેણે 117 બૉલમાં જે 130 રન બનાવ્યા હતા એને કારણે જ મુંબઈ હારથી બચી ગયું હતું.
મુંબઈએ મંગળવારે 16 ખેલાડીની જે ટીમ જાહેર કરી એમાં ટેસ્ટના નવા સિતારા સરફરાઝ ખાનના નાના ભાઈ અને ઑલરાઉન્ડર મુશીર ખાનનું નામ છે. અજિંક્ય રહાણે મુંબઈનો કૅપ્ટન છે અને ટીમમાં પૃથ્વી શો તથા ધવલ કુલકર્ણી પણ છે.
બીજી ત્રણ ક્વૉર્ટર ફાઇનલના હરીફો આ મુજબ છે: વિદર્ભ વિરુદ્ધ કર્ણાટક, સૌરાષ્ટ્ર વિરુદ્ધ તામિલનાડુ અને મધ્ય પ્રદેશ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ.