Loksabha Election: મહારાષ્ટ્રના સૌથી નાના પક્ષે પણ તૈયારી શરુ કરી
મુંબઈ: મહારાષ્ટ્રમાં કઈ રીતે લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) થશે એ બાબત પર આખા દેશનું ધ્યાન કેન્દ્રિત છે. મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલતી રાજકીય હલચલ વચ્ચે રાજ્યના સૌથી નાના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પણ ભારતીય જાનતા પાર્ટી (ભાજપ), નેશનલ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી અજિત પવાર જૂથ) અને શિવસેના શિંદે જૂથ સાથેની મહાયુતિમાં જોડાશે એ બાબતે ચર્ચા શરૂ થઈ છે. જોકે આ બધી ચર્ચા વચ્ચે મનસેના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thakre)એ ચૂંટણીમાં મનસેની ભૂમિકાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
રાજ ઠાકરેએ મનસેની બેઠક યોજી હતી, જેમાં 2024ની લોકસભાની ચૂંટણીને લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે પાર્ટીના નેતાઓ સાથેની બેઠકમાં કઈ સીટ પર ઉમેદવારોને ઊભા કરવા અને પાર્ટીની રણનીતિ બાબતે ચર્ચા થઈ હતી. જોકે હમણાં છેલ્લો નિર્ણય લેવાનો બાકી છે, જેથી તે શું હશે એ બાબતે જલ્દી જણાવવામાં આવશે, એવું રાજ ઠાકરેએ જણાવ્યું હતું.
તાજેતરમાં ભાજપના નેતા આશિષ શેલાર સાથે તેમની મુલાકાત પર બોલવાનું રાજ ઠાકરેએ ટાળ્યું હતું, પણ તેમણે કહ્યું આ બધુ માત્ર ચૂંટણી વચ્ચે ભ્રમિત કરવાની રમત રમાઈ રહી છે. થોડા સમય પહેલા આશિષ શેલારે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. શેલાર અને ઠાકરેની આ મુલાકાત પછી શું મનસે પણ ભાજપ સાથે જોડાશે? એવી ચર્ચા ચાલી હતી. જોકે આ બાબતની બંને પક્ષો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરતા આ માત્ર એક અફવા જ છે.
આજે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા આરક્ષણ બાબતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ વિષય પર રાજ ઠાકરેએ કહ્યું હતું કે આરક્ષણ કેન્દ્ર સરકારનો વિષય છે. રાજ્ય સરકારને તે આપવાનો અધિકારી છે કે? મરાઠા સમાજને આરક્ષણ મળવું જોઈએ.
તમિલનાડુમાં પણ 50 ટકા કરતાં વધુના આરક્ષણને સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. મરાઠાઓને જે 10 ટકા આરક્ષણ આપ્યું છે તે અદાલતમાં રહેશે કે નહીં અને ગયા વખતની જેમ જ આ આરક્ષણ પણ નીકળી ગયું તો? એવો પ્રશ્ન રાજ ઠાકરેએ કર્યો હતો.