Lok Sabha Polls: મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથ આટલી બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી…
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Polls 2024)ની રાહ જોવામાં આવી રહી છે ત્યારે ચૂંટણીને લઈને સત્તાધારી પાર્ટી, કોંગ્રેસ સહિત તમામ ગઠબંધન પક્ષોએ તૈયારી કરી છે. મહારાષ્ટ્રમાં અગાઉની ગઠબંધનની સરકારનું પતન થયા પછી પણ મહાવિકાસ આઘાડીના પક્ષો ચૂંટણીમાં કાંટાની ટક્કર આપવા કમર કસી રહ્યા છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ લગભગ વીસેક જેટલી સીટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિરોધ પક્ષોના જોડાણ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં આગામી લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની હજુ વાટાઘાટો ચાલું છે ત્યારે ઉદ્ધવ ઠાકરે વીસ બેઠક ઉપરથી લડવાનો હેતુ ધરાવતા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં લોકસભાના 18 મતવિસ્તાર માટે સંયોજકો પણ નિમવામાં આવ્યા હોવાની માહિતી ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી-શિવસેના)ના સાંસદ વિનાયક રાઉતે આપી હતી. પછીથી વધુ ચાંરથી પાંચ સંયોજક નિમવાનો વિચાર હોવાનું પણ રાઉતે જણાવ્યું હતું.
જ્યારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ અને દક્ષિણ મુંબઈ, આ ચાર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે, તેવી યોજના છે.
નોંધનીય છે કે શિવસેના બે જૂથમાં વહેંચાઇ તે પહેલા 2019ના લોકસભાની ચૂંટણીમાં મુંબઈની છ લોકસભા બેઠકમાંથી ત્રણ બેઠકો ઉપર વિજયી થઇ હતી. 2019ની ચૂંટણીમાં દક્ષિણ મુંબઈથી જીતી આવનારા સાંસદ અરવિંદ સાવંત હજી પણ ઉદ્ધવ જૂથ સાથે સંકળાયેલા છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે કલ્યાણ અને હાતકણંગલે લોકસભાની બેઠકના મતવિસ્તારમાં નામ જાહેર કર્યા નથી. કલ્યાણમાં હાલ મુખ્ય પ્રધાનના દીકરા શ્રીકાંત શિંદે 2019માં જીત્યા હતા. એ જ રીતે હાતકણંગલેની બેઠક પરથી નામ જાહેર કર્યું નથી, પણ પૂર્વ નેતા રાજુ શેટ્ટી માટે ફાળવી શકે છે. આ ઉપરાંત, એમવીએ અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી વચ્ચે સીટ શેરિંગ મુદ્દે ચર્ચા-વિચારણા મહિનાથી ચાલુ છે આમ છતાં સીટ શેરિંગ મુદ્દે નક્કર નિર્ણય લેવાયો નથી.