સ્પોર્ટસ

હસરંગાએ મલિન્ગાનો કયો રેકૉર્ડ તોડી નાખ્યો?

કોલંબો: શ્રીલંકાના ટોચના લેગ-સ્પિનર વનિન્દુ હસરંગાએ કરીઅરમાં બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અફઘાનિસ્તાન સામેની મૅચમાં તેણે 100મી ટી-20 વિકેટ લેવાની સાથે પોતાના જ દેશના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિન્ગાને પાછળ રાખી દીધો છે અને પોતાને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પછીના બીજા નંબર પર ગોઠવી દીધો છે.

હસરંગા ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 100 વિકેટ લેનારો મલિન્ગા પછીનો બીજો શ્રીલંકન તો બન્યો જ છે, મલિન્ગા કરતાં વધુ ઝડપે તેણે આ ઉપલબ્ધિ મેળવી છે. હાલમાં હસરંગા શ્રીલંકાની ટી-20 ટીમનો કૅપ્ટન છે.

ટી-20 આંતરરાષ્ટ્રીયમાં મલિન્ગા 100 વિકેટ લેનાર એકમાત્ર શ્રીલંકન બોલર હતો. તેણે 76મી મૅચમાં 100મી વિકેટ લીધી હતી. જોકે હસરંગાએ માત્ર 63મી મૅચમાં આ સિદ્ધિ મેળવી છે.

રાશિદ ખાન બન્નેથી ઘણો આગળ છે અને અવ્વલ છે. રાશિદે માત્ર 53મી મૅચમાં 100મી વિકેટ લીધી હતી. રાશિદ અને હસરંગા પછી ત્રીજા નંબરે આયરલૅન્ડનો પેસ બોલર માર્ક અડૈર ત્રીજા નંબરે છે. તેણે 72મી મૅચમાં 100મી વિકેટ લીધી હતી. મલિન્ગા (76 મૅચ) બાદ પાંચમા સ્થાને ન્યૂ ઝીલૅન્ડનો ભારતીય મૂળનો સ્પિનર ઇશ સોઢી છે. તેણે 78 મૅચમાં 100 વિકેટ પૂરી કરી હતી.

આ વાત થઈ સૌથી ઝડપે 100 વિકેટ લેનાર બોલરની. નવાઈની વાત એ છે કે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ 157 વિકેટ 35 વર્ષના પીઢ ફાસ્ટ બોલર ટિમ સાઉધીના નામે છે. તેના પછીના ચાર ક્રમે જે બોલર છે એની વિગત આ મુજબ છે: શાકિબ અલ હસન (140), ઇશ સોઢી (132), રાશિદ ખાન (130) અને લસિથ મલિન્ગા (107).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button