કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. રાયબરેલી બેઠક પરથી લોકસભામાં 6 કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સંસદના ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ છે. સોનિયા ગાંધીએ 15 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન ભર્યું હતું અને જાહેરાત કરી હતી કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. સોનિયા ગાંધી ઉપરાંત રાજસ્થાનમાંથી ભાજપના ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યમાંથી ઉપલા ગૃહમાં બિનહરીફ ચૂંટાયા છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે. આ સાથે કોંગ્રેસ પાસે 6 અને ભાજપ પાસે 4 સાંસદો હશે.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, રાજ્યસભા ચૂંટણી 2024 માટે રાજસ્થાનમાં 3 સીટો પર ચૂંટણી થવાની હતી. જેમાં માત્ર 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે મંગળવારે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. એકપણ ઉમેદવારનું નામ પાછું ખેંચાયું ન હોવાથી ત્રણેય ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જરૂર પડ્યે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું.
વિધાનસભાના મુખ્ય સચિવ અને રાજ્યસભાના રિટર્નિંગ ઓફિસર, મહાવીર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાન – 2024 થી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ત્રણેય ઉમેદવારોને ત્રણ બેઠકો પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના રાજ્યસભાના સભ્યો ડૉ. મનમોહન સિંહ (કોંગ્રેસ) અને ભૂપેન્દ્ર સિંહ (ભાજપ)નો કાર્યકાળ 3 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાઈ છે, કારણ કે ભાજપના રાજ્યસભાના સભ્ય કિરોરી લાલ મીણાએ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ડિસેમ્બરમાં સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ સાથે મધ્યપ્રદેશમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપના એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા, બંશીલાલ ગુર્જરનું નામ સામેલ છે. કોંગ્રેસ તરફથી અશોક સિંહ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.