ટોપ ન્યૂઝનેશનલ

Farmer Protest: સિમેન્ટની આડાશ તોડવા ખેડૂતો આખેઆખું પોકલેન મશીન જ ઉપાડી લાવ્યા!

નવી દિલ્હી: ખેડૂત આંદોલનને રોકવા માટે સરકારે દિલ્હી સરહદો પર કિલ્લે બંધી કરી દીધી છે. કોઈ પણ પ્રકારે દિલ્હીની બોર્ડર પાર કરવી ઘણી જ મુશ્કેલ છે. તેના માટે થઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત, અને વિવિધ પ્રકારની આડાશ મૂકી છે. ખેડૂતોને રોકવા માટે થઈને શંભુ બોર્ડર પર તંત્ર દ્વારા સિમેન્ટની દીવાલ જ ઊભી કરવામાં આવી છે. પરંતુ આંદોલનકારી ખેડૂતોએ તેનું પણ ‘સમાધાન’ શોધી કાઢ્યું છે. આ દીવાલ તોડવા માટે ખેડૂતો આ ખાસ ‘હથિયાર’ લઈને આવ્યા છે (poclain machine at farmer protest).

ખેડૂત નેતા નવદીપ જલબેડા પોકલેન મશીન સાથે શંભુ બોર્ડર પર પહોંચી ગયા છે. પોકલેન મશીનની મદદથી ખેડૂતો બોર્ડર પર પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલી સિમેન્ટની દિવાલો હટાવશે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના ઈરાદામાં ખોટ છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર MSP એટલે કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ માટે ફોર્મ્યુલા નક્કી કરે. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી.

ખેડૂત નેતા પઢેર કહે છે કે અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. ડલ્લેવાલે કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવા દે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.

આપને જણાવી દઈએ કે રવિવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થઈ હતી. આ બેઠકમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય હાજર હતા. આ પહેલા કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 8, 12 અને 15 ફેબ્રુઆરીએ પણ વાતચીત થઈ હતી. અત્યાર સુધીની બેઠકોમાં કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો નથી.

જોકે, રવિવારે મળેલી ચોથી બેઠકમાં સરકારે ખેડૂતોને નવો પ્રસ્તાવ અથવા તો ‘ફોર્મ્યુલા’ આપી છે. ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકારે આપેલી દરખાસ્તને તોલવામાં આવે તો તેમાં કશું જ નથી. સરકારની આ દરખાસ્ત અંગે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોએ બેઠક યોજી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button