Maratha Reservation: વિધાનસભામાંથી મરાઠા અનામત બિલ પસાર, મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં થાય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ મરાઠા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બીલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે પછી ભલે તે OBC ભાઈઓ હોય, અથવા અન્ય કોઈ સમુદાય… અમે કોઈના અનામત સાથે છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાય માટે શૈક્ષણ અને નોકરીમાં અનામત આપવાનું નક્કી કર્યું છે.
મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું કે, આ કામમાં એવા કાયદાકીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે જેમણે હાઈકોર્ટમાં મરાઠા આરક્ષણની વકીલાત કરી છે. ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી હતી. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને અન્ય ન્યાયિક સ્તરે મરાઠા સમુદાય માટે અનામત કેવી રીતે જળવાઈ રહેશે તે અંગે સરકાર અને પંચ વચ્ચે સંકલન જાળવવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન શિંદે કહ્યું કે, અમે મરાઠા અનામતની તરફેણમાં દલીલ કરવા માટે રાજ્ય સરકાર વતી વરિષ્ઠ કાઉન્સિલરોની સેના ઊભી કરી છે. ચાર દિવસ સુધી અમે મરાઠા સમુદાયની સ્થિતિ પર ખૂબ ગંભીરતા અને ધીરજ સાથે અમારા વિચારો વ્યક્ત કર્યા છે. અગાઉ મરાઠા અનામત રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધાયેલા તારણો પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. તેમાં પણ એક મજબૂત કેસ રાજ્ય સરકારની તરફેણમાં બને તેમ જણાય છે. મને વિશ્વાસ છે કે સફળતા મળશે.
તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન બન્યા બાદ મને મરાઠા સમાજ માટે નક્કર યોગદાન આપવાની તક મળી. હું તેને મારું સૌભાગ્ય ગણું છું. જ્યારે અમારી સરકાર આવી ત્યારે મરાઠા આરક્ષણ અમારા એજન્ડામાં પ્રાથમિકતા હતી અને તેથી સપ્ટેમ્બર 2022માં ચંદ્રકાંત પાટીલને પેટા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.