ગાઝા સંઘર્ષ પર બાઇડેનનો યુ-ટર્ન
વોશિંગ્ટનઃ એક નોંધપાત્ર રાજદ્વારી પરિવર્તનમાં, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ દ્વારા ઑક્ટો. 7ના રોજ ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાના મહિનાઓ પછી ઇઝરાયલ દ્વારા હમાસ સામે શરૂ કરવામાં આવેલા હુમલાઓ પર હવે અમેરિકાએ યુટર્ન લીધો છે. જો બાઇડેન વહીવટીતંત્રે યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદને વૈકલ્પિક ડ્રાફ્ટ ઠરાવ રજૂ કર્યો છે, જેમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં અસ્થાયી યુદ્ધવિરામની વિનંતી કરવામાં આવી છે. અમેરિકાએ રફાહમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર ગ્રાઉન્ડ આક્રમણનો પણ વિરોધ કર્યો છે. અગાઉ અમેરિકાએ ગાઝામાં યુદ્ધ વિરામ સામે અનિચ્છા દર્શાવી હતી.
યુએસ પ્રમુખ જો બાઇડેને તાજેતરમાં જણાવ્યું હતું કે તેમણે હાલમાં દિવસોમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી, જેમાં તેમણે ઇઝરાયલ પર અસ્થાયી યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું. બાઇડેન વહીવટીતંત્ર ઇઝરાયેલને માનવતાવાદી વિરામ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે અસ્થાયી યુદ્ધવિરામ થવાથી હમાસ દ્વારા રાખવામાં આવેલા બંધકોને મુક્ત કરી શકાશે અને આ સંઘર્ષના પીડિત લોકોને માનવતાવાદી સહાય મેળવવાનું સરળ બનાવશે.
ઇઝરાયલના ગાઝા પરના આક્રમણ બાદ ત્યાં નિવાસ કરતા મોટા ભાગના લોકોએ રફાહમાં આશરો લીધો છે. હવે ઇઝરાયલ રફાહ પર આક્રમણ કરવાની યોજના ધરાવે છે, જેના કારણે ભયંકર માનવ ખુવારી થવાની અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે અને જેને કારણે અહીંના આસપાસના પ્રદેશોની શાંતિ અને સુરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો થાય તેમ છે. આ કારણે જ અમેરિકાએ ઇઝરાયલને યુદ્ધ વિરામની અપીલ કરી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઇડેને હાલમાં ફરી એક વાર ફરીથી નેતન્યાહુને કહ્યું હતું કે પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા માટે વિશ્વસનીય અને એક્ઝિક્યુટેબલ યોજના વિના તેણે રફાહમાં લશ્કરી કાર્યવાહી સાથે આગળ વધવું જોઈએ નહીં.