નવી દિલ્હી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં હવામાનનો મૂડ બદલાયો હતો, મોડી રાત્રે દિલ્હીના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાને કારણે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રાજધાની દિલ્હીમાં સોમવારે દિવસભર જોરદાર પવન ફૂંકાતાં વાતાવરણ ખુશનુમા રહ્યું હતું, ત્યારબાદ રાત્રે વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ દિલ્હીમાં ફરી ઠંડી વધવાની આશંકા છે. આ સાથે IMD એ મંગળવારે દિવસભર વાદળછાયું આકાશ રહેવાની અને ઘણી જગ્યાએ ઝરમર ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
પંજાબ અને હરિયાણામાં પણ હવામાન બદલાયું છે. હવામાન વિભાગે હરિયાણાના કેટલાક જીલ્લાઓમાં ભારે પવનની સાથે સાથે કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે પંજાબના 17 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 5 જિલ્લામાં કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સિવાય સોમવારે ચંદીગઢમાં વરસાદ અને કરા પડ્યા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. સોમવારે રાત્રે ઠંડા પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે પશ્ચિમ યુપીના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન વીજળી પડવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 19મી અને 20મી ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને ભારે પવનની શક્યતા છે.
હવામાન વિભાગે આજે મંગળવાર માટે હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી જારી કરી છે. હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સાથે હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે.
Taboola Feed