સ્પોર્ટસ

પાંચ ભારતીય દિગ્ગજ ક્રિકેટર્સે રણજી ટ્રોફીની કરિયર માટે લીધો સૌથી મોટો નિર્ણય

નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની આ સીઝનના સમાપન સાથે જ ઘરેલું ક્રિકેટમાં પોતાની ખાસ છાપ છોડનાર પાંચ દિગ્ગજ ખેલાડીઓએ સ્થાનિક ક્રિકેટને અલવિદા કહેવાનો મોટો નિર્ણય જાહેર કર્યો હતો. આ ખેલાડીઓમાં બંગાળના દિગ્ગજ ખેલાડી મનોજ તિવારી, ઝારખંડના બેટ્સમેન સૌરભ તિવારી અને ઝડપી બોલર વરુણ એરોન, મુંબઈના ધવલ કુલકર્ણી અને વિદર્ભના રણજી ટ્રોફી વિજેતા કેપ્ટન ફૈઝ ફઝલનો સમાવેશ થાય છે.
આ તમામ ખેલાડીઓએ નિવૃત્તિ માટે અલગ-અલગ કારણો આપ્યા છે, જેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનો કરાર ન કરવો અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાની આશા ગુમાવવી છે. આ ખેલાડીઓ અન્ય કામ અથવા રાજકારણમાં જોડાવા માંગે છે. એરોન, મનોજ અને ફઝલ એ જ મેદાન પર તેમની કારકિર્દીને અલવિદા કહ્યું જ્યાંથી તેઓએ તેમની સફર શરૂ કરી હતી. આ ખેલાડીઓને ચોક્કસપણે ડોમેસ્ટિક ક્રિકેટમાં યાદ કરાશે.
બંગાળના મનોજ તિવારીએ સોમવારે બિહાર સામે પોતાની ટીમને જીત અપાવીને પોતાની ટીમને વિદાય આપી. 38 વર્ષીય ખેલાડી 19 વર્ષ સુધી પોતાના રાજ્ય માટે રમ્યો હતો અને ગત સીઝનમાં બંગાળને રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આક્રમક બેટ્સમેનના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન છે.
એ જ રીતે ફાસ્ટ બોલર એરોન અને આક્રમક બેટ્સમેન સૌરભ તિવારીની નિવૃત્તિથી ઝારખંડની ટીમમાં એક મોટી જગ્યા ખાલી થઇ છે. સૌરભ 17 વર્ષ સુધી ઝારખંડની ટીમ માટે રમ્યો. તેણે 115 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 8030 રન કર્યા હતા જેમાં 22 સદી અને 34 અડધી સદી સામેલ છે. તેણે કહ્યું હતું કે મારું માનવું છે કે જો તમને રાષ્ટ્રીય ટીમમાં કે આઇપીએલમાં સ્થાન ન મળે તો યુવા ખેલાડીઓ માટે જગ્યા છોડવાનો આ યોગ્ય સમય છે.
વરુણ એરોન વારંવારની ઇજાઓને કારણે તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 66 મેચમાં 173 વિકેટ સામેલ છે.
ફૈઝ ફઝલ 21 વર્ષ સુધી વિદર્ભ માટે રમ્યો હતો. આ ઓપનિંગ બેટ્સમેનના નેતૃત્વમાં વિદર્ભે 2018માં રણજી ટ્રોફી જીતી હતી. તે સીઝનમાં તેણે પોતાની ટીમ માટે સૌથી વધુ રન કર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 9183 રન છે. ફઝલે 2016માં ઝિમ્બાબ્વે સામે ભારત માટે એક વન-ડે મેચ રમી હતી જેમાં તેણે અણનમ 55 રન કર્યા હતા.
મુંબઈનો કુલકર્ણી તેની સ્વિંગ, મૂવમેન્ટ અને સચોટ બોલિંગ માટે જાણીતો છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી ભરોસાપાત્ર ઝડપી બોલરોમાં સામેલ છે. કુલકર્ણીએ 17 વર્ષની સ્થાનિક કારકિર્દીમાં ઘણી વખત યાદગાર પ્રદર્શન કર્યું છે. આ 35 વર્ષીય ફાસ્ટ બોલરે 95 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જેમાં તેણે 27.31ની એવરેજથી 281 વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…