IND vs ENG: શરમજનક હાર પછી પણ ઇંગ્લેન્ડના કેપ્ટનના સૂર બદલાતા નથી, આપ્યું મોટું નિવેદન
રાજકોટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ત્રીજી ટેસ્ટમાં શરમજનક હાર પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તાજેતરમાં સૌથી મોટું નિવેદન આપ્યું હતું. સિરીઝમાં 1-2થી ઇંગ્લેન્ડ ભારતથી પાછળ રહ્યું હોવા છતાં સિરીઝ જીતવાનું જોઈ રહ્યું છે.
સ્ટોક્સે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મેં અહીં આવતા પહેલા વાત કરી હતી અને કહ્યું હતું કે આવનારા સપ્તાહ મુશ્કેલ છે. ઈંગ્લેન્ડ માટે મેચ હારવી એ એવી વસ્તુ નથી જે તમે ત્યાં રહેવા ઈચ્છો છો, પરંતુ વ્યક્તિગત રીતે મને લાગે છે કે જીત કે હાર મનમાં છે.
તેણે કહ્યું હતું કે મેં સુનિશ્ચિત કર્યું છે કે તમામ પ્રકારની લાગણીઓ, તમામ પ્રકારની નિરાશાઓ હવે માત્ર ડ્રેસિંગ રૂમમાં જ રહેશે. અમારી પાસે હજુ બે મેચ બાકી છે અને કેપ્ટન તરીકે હું આ સીરીઝ 3-2થી જીતવા વિશે વિચારી રહ્યો છું. સ્ટોક્સે કહ્યું કે સતત બે ખરાબ પરાજય બાદ પણ ટેસ્ટ ક્રિકેટ માટે ઈંગ્લેન્ડની યોજનામાં કોઈ ફેરફાર થશે નહીં.
તેણે કહ્યું હતું કે અમારી બેટિંગ લાઇન અપ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓથી ભરેલી છે. અમે તેમને સંજોગો પ્રમાણે રમવાની સ્વતંત્રતા આપીએ છીએ. ભારતે છેલ્લી બે મેચોમાં ઘણા રન કર્યા, તેઓ આ રીતે રમવા માંગે છે.
તેણે અને મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે મેચ રેફરી જેફ ક્રો સાથે પણ અમ્પાયરના ડીઆરએસ નિર્ણય વિશે વાત કરી હતી જ્યારે ઈંગ્લેન્ડના ઓપનર ઝેક ક્રાઉલીને જસપ્રીત બુમરાહની બોલ પર એલબીડબલ્યુ આઉટ કરવામાં આવ્યો હતો.
ઇગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે તાજેતરમાં જણાવ્યું હતું કે રાજકોટ ટેસ્ટમાં ભારત સામે 434 રને મળેલી હાર બાદ ઇંગ્લેન્ડની ટીમ ભાવનાઓને પાછળ છોડીને બાકીની બે મેચ જીતીને 3-2થી શ્રેણી જીતવાનું લક્ષ્ય રાખશે. ઇંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી, પરંતુ વિશાખાપટ્ટનમમાં ભારત સામે 106 રને હાર્યું હતું.