મેચ જીત્યા પછી જાડેજા ‘બાપુ’એ પત્ની રિવાબાને શું આપી હતી ભેટ?
રાજકોટ: ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 434 રનના ધરખમ માર્જિનથી હરાવી અને આ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી યશસ્વી જયસ્વાલ અને ગુજરાતના (રાજપૂત બૉય) જાડેજા બાપુ રવિન્દ્ર જાડેજાએ. જાડેજાએ મેચમાં કરેલા ધમાકેદાર પ્રદર્શનને કારણે ‘પ્લેયર ઑફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, મેચ જીત્યા પછી જાડેજાએ પોતાની પત્ની અને ભાજપનાં વિધાનસભ્ય રિવાબા જાડેજાને આ એવૉર્ડ સમર્પિત કરી દીધો હતો.
બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જાડેજાએ આ પોતાને મળેલો એવૉર્ડ પત્ની રિવાબાને સમર્પિત કરતો હોવાનું નિવેદન આપતા કહ્યું હતું કે આ પ્લેયર ઑફ ધ મેચનો એવૉર્ડ ઘણો ખાસ છે, કારણ કે તે મને હોમ-ગ્રાઉન્ડ પર મળ્યો છે. હું મારો પુરસ્કાર મારી પત્નીને સમર્પિત કરવા માગુ છું. માનસિકરૂપે મને વધુ સશક્ત બનાવવામાં તેમણે ઘણી જ મહેનત કરી રહી છે. તે હંમેશાં મારામાં આત્મવિશ્ર્વાસ વધારે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલા ઇન્ટરવ્યૂ બાદ મોટો હોબાળો મચ્યો હતો. ઇન્ટરવ્યૂમાં જાડેજાના પિતાએ રિવાબા ઉપર ઘણા આક્ષેપો મૂક્યા હતા. જોકે, રવિન્દ્ર જાડેજાએ આ વાતને રદિયો આપ્યો હતો.
ત્રીજી ટેસ્ટમાં રવિેન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગમાં 112 રન બનાવી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને બે વિકેટ પણ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. એમ કુલ આ મેચમાં સાત વિકેટ લીધી હતી.