જય શિવાજીઃ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ધામધૂમથી ઉજવણી, સીએમે શું કર્યું?
મુંબઈ: ભારત અને મહારાષ્ટ્રના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની 349મી જન્મ જયંતિએ દેશ સહિત આખા રાજ્યમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી તેમને પુષ્પાજંલિ આપી હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર (સીએમ) એકનાથ શિંદેએ ચેમ્બુર ખાતે પણ શિવાજી મહારાજની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
મુંબઈ ઉપરાંત હિંગોલી, નાશિક, કોલ્હાપુર, સાંગલી, પુણે જેવા વિવિધ શહેર અને જિલ્લામાં રેલીઓ કાઢીને અને વિવિધ કાર્યક્રમો યોજીને ઢોલ-નગારાંના તાલ સાથે શિવાજી જયંતીની ઉજવણી કરી હતી.
હિંગોલીમાં શિવાજી મહારાજની પ્રતિમાને લેઝર રાઇટ્સથી શણગારવામાં આવી હતી તો જળગાંવમાં મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજન તેમ જ નેતા ગુલાબરાવ પાટીલ ઢોલના તાલે નાચ્યાં હતા અને શિવાજી જયંતી ઉજવી હતી. નાશિકમાં રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરીને શિવાજી મહારાજને યાદ કરવામાં આવ્યા હતા.
અહેમદનગરમાં પણ શિવાજી મહારાજની ઘાસથી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય પીપળાના પાન ઉપર શિવાજી મહારાજનું ચિત્ર તૈયાર કરીને પણ શિવપ્રેમીઓએ તેમની જયંતિ ઉજવી હતી.
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના એક મરાઠા પરિવારમાં થયો હતો. આ કારણોસર તેમની જન્મજયંતિ દર 19 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું, પરંતુ વર્ષ 1674માં તેમને મરાઠા સામ્રાજ્યના છત્રપતિનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવે છે. શિવાજી મહારાજ તેમની અદભૂત વ્યૂહરચના, ઉત્તમ નેતૃત્વના ગુણો માટે જાણીતા હતા, જ્યારે તેમની સેનાએ ઘણી વખત અંગ્રેજોની સેનાને પણ હરાવી હતી.