આપણું ગુજરાતનેશનલ

Rajyasabhaના ઉમેદવારોના નામ જાહેર થતાં Gujarat BJPમાં અટકળો અને ચિંતા

Gujarat BJPના નેતાઓએ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના નેતાઓ સામે ટક્કર ઝીલવાની ચિંતા પ્રમાણમાં ઓછી કરવાની હોય છે. ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભામાં 26 બેઠક ભાજપના નામે છે અને આવનારા સમયમાં પણ કૉંગ્રેસ એટલી મજબૂત દેખાતી નથી કે ભાજપના ઉમેદવારોએ વધારે પરસેવો પાડવો પડે, પરંતુ પક્ષના નેતાઓ એકબીજા સાથે સ્પર્ધામાં હોય. જ્યારે કોઈને એક પદ કે ઉમેદવારી મળે ત્યારે સ્વાભાવિક રીતે બીજાએ તે ગુમાવવું પડે છે.

તાજેતરમાં જ ગુજરાત રાજ્યસભાના ચાર ઉમેદવારના નામ જાહેર થયા છે. વિધાનસભામાં કૉંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી રાજ્યસભાની ચારેય બેઠક ભાજપ જ જીતવાનું છે તે વાત નક્કી છે, પરંતુ ભાજપે ચાર નામની જાહેરાત કરતા પક્ષમાં ઘણી ચર્ચા, અટકળ, ચિંતા વગેરે હોવાનુ નીકટના સૂત્રો જણાવી રહ્યા છે.

ભાજપે રાજ્યસભા માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું નામ જાહેર કર્યું છે. પક્ષશ્રેષ્ઠી અને ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર બાદ હવે ત્રીજા આગલી હરોળના નેતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. કેન્દ્રીય કેબિનેટની રચના થાય ત્યારે દરેક રાજ્યને પ્રતિનિધત્વ આપવાનું હોય છે અને તે આધારે ગણિત માંડવામાં આવતું હોય છે. ફરી ભાજપની સરકાર સત્તા પર આવે તો અમિત શાહ ફરી કેબિનેટમાં કી પોર્ટફોલિયો ધરાવશે તે વાતમા કોઈ શંકા નથી. એસ. જયશંકરને પણ ફરી પ્રધાનપદ મળવાની પૂરી સંભાવના છે. આ સાથે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કેન્દ્રમાં સ્થાન આપવાના અહેવાલો બહાર આવ્યા કરે છે. હવે નડ્ડાને પણ કેબિનેટમાં સારું પદ મળી શકે છે. ત્યારે જો ચાર સાંસદને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ મળે તો પછી અન્ય સાંસદોએ માત્ર સાંસદ તરીકે રહી સંતોષ માનવો પડે અને કેન્દ્રમાં પદ મળવાની સંભાવનાઓ ઘટી જાય તેવી ચિંતા પ્રસરી હોવાનું પક્ષના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

બીજી બાજુ રાજ્યસભાના નામ જાહેર થતાં હવે લોકસભામાં કોને લાભ મળશે અને કોણ ગુમાવશે તેની અટકળો તેજ થઈ છે. ગુજરાતના બે રાજ્યસભા સાંસદો અને કેન્દ્રીય પ્રધાનો મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાનો કાર્યકાળ પૂરો થાય છે અને તેમને ફરી ઉમેદવારી મળી નથી. સૂત્રોનું માનીએ તો રૂપાલાને અમરેલી લોકસભાની ટિકિટ મળવાની સંભાવના ઓછી છે અને તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવે તેમ બની શકે. માંડવીયાએ સુરત અથવા ભાવનગરની બેઠક માગી છે. તેમન ભાવનગરની મળવાના ચાન્સ છે, પરંતુ હજુ નક્કી કંઈ કહી શકાય તેમ નથી.

બીજી બાજુ પાટીલ દિલ્હી જશે તો તેમનું સ્થાન કોને મળશે તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન પટેલ સમુદાયના હોવાથી એસટી કે ઓબીસી સમાજમાંથી કોઈને પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે આ બધી અટકળો અને અનુમાનો છે. ખરો નિર્ણય દિલ્લીના દરબારમાં લેવાતો હોય છે અને તે જાહેર થાય ત્યારે જ તમામ અટકળોનો અંત આવી જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button