નેશનલ

અમેઠીમાં સ્મૃતિ સામે ચૂંટણી લડશે રાહુલ ગાંધી? જયરામ રમેશના જવાબે જાહેર કરી દીધી મુઝવણ

ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટીના જનાધારમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. એમ લાગે છે કે પાર્ટીની લોકપ્રિયતા સાવ તળિયે બેસી ગઇ છે. 2014, 2019ની લોકસભાની ચૂંટણી હોય કે પછી 2017, 2022ની વિધાનસભાની ચૂંટણી હોય, પાર્ટીની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. આવા સમયે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ઇરાનીએ કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. બીજી તરફ જોઇએ તો સોનિયા ગાંધી પણ આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડવાના નથી. તેઓ રાજ્યસભા દ્વારા સંસદમાં જશે.

આ બધા વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે અમેઠી પહોંચી રહી છે, જેને કારણે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં. કૉંગ્રેસના મહાસચિય જયરામ રમેશે આ સવાલનો અસ્પષ્ટ જવાબ આપીને પક્ષની મજબૂરી છતી કરી દીધી છે.

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ઉત્તર ભારતમાં ચાલુ છે. યુપીમાં કૉંગ્રેસની હાલત ખરાબ છે. કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ રાહુલ આજે અમેઠી પહોચ્યા છે. કૉંગ્રેસ પાર્ટી અમેઠીમાં રાહુલબાબાની યાત્રાને સફળ બનાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. રાહુલની બહેન પ્રિયંકા ગાંધી પણ બીમારીમાંથી સાજા થયા બાદ આજે ન્યાય યાત્રામાં જોડાશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ રાહુલની ન્યાય યાત્રામાં ભાગ લેવાના હતા, પણ કૉંગ્રેસ સાથે સીટ વહેચણીના મુદ્દે ચાલી રહેલા સંઘર્ષને કારણે તેમના આગમન વિશે શંકા છે.


આવી સ્થિતિમાં એવો સવાલ સહેજે થાય કે શું રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી ઉમેદવારી નોંધાવશે કે નહીં. કૉંગ્રેસ સચિવ
જયરામ રમેશને જ્યારે આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા અંગે સીઇસી નિર્ણય લેશે. મતલબ કે કૉંગ્રેસ મુંઝવણમાં છે.

રાહુલ અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે પાર્ટીએ હજી સુધી નિર્ણય નથી લીધો. જયરામ રમેશ રાહુલબાબાની ભારત જોડો ન્યાય યાત્રાનું સંચાલન કરી રહ્યા છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અમેઠીમાં રાહુલ સાથે જોડાશે. ગત ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધી બીજી વખત અમેઠી આવ્યા છે, ત્યારે તેમને કેવો પ્રતિસાદ મળે છે એ જોવું રસપ્રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button