આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ, AAPએ આપ્યું કારણ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છઠ્ઠી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા નહોતા. એજન્સીએ દિલ્હી લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલને છઠ્ઠુ સમન્સ જારી કર્યું હતું અને તેને આજે એટલે કે સોમવારે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું.
AAPએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાને બદલે ઇડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઇએ. અગાઉ શનિવારે કેજરીવાલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લીકર કૌભાંડ કેસ અંગે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંબંધે તેમની સમક્ષ હાજર થવા માગે છે, પણ બજેટ સત્ર અને ફ્લોર ટેસ્ટને કારણે તેઓ એમ કરી શક્યા નથી.
કોર્ટે તેમની વિનંતી સ્વીકારી લીધી હતી અને આગામી સુનાવણી 16 માર્ચના રોજ નક્કી કરી હતી. ઇડીએ 14 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલને લીકર કૌભાંડ કેસ અંગે છઠ્ઠુ સમન્સ જારી કર્યું હતું અને તેમને 19 ફેબ્રુઆરીએ ઇડીના મુખ્યાલયમાં હાજર થવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે AAP સુપ્રીમોએ અત્યાર સુધી ઇડીના તમામ સમન્સની અવગણના કરી છે. તેમણે ઇડીના સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે.