જયપુરઃ રાજસ્થાનના જયપુર રેન્જ આઈજીએ ગામડાઓમાં ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતા બીફ માર્કેટ અને ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે. અહીંના આઈજી ઉમેશ ચંદ્ર દત્તાએ પહેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પછી બેદરકારી બદલ તેમના જ વિભાગ સામે મોટી કાર્યવાહી કરી હતી. આઈજીએ કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના એસએચઓ દિનેશ મીણા સહિત 38 પોલીસકર્મીઓને સામે તપાસ શરૂ કરી છે અને આ કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યા બાદ, ચાર પોલીસકર્મીઓ – એએસઆઈ જ્ઞાનચંદ, હેડ કોન્સ્ટેબલ રઘુવીર, બીટ કોન્સ્ટેબલ સ્વયં પ્રકાશ અને રવિકાંતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીફ માર્કેટની જાણકારી મળ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સ્થળ પરથી 12 બાઇક અને એક પીકઅપ વેન પણ કબજે કરી હતી. આ ઉપરાંત પોલીસને પશુઓ પણ મળી આવ્યા છે. આઈજી ઉમેશ ચંદ્ર દત્તે જણાવ્યું હતું કે તેમણે પોતે ત્રણ-ચાર અલગ-અલગ જિલ્લાના એસપીના નેતૃત્વમાં રૂંધ ગીદાવડા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધી પોલીસનું સર્ચ કોમ્બિંગ ચાલુ રહ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પરથી મળી આવેલા ગૌહત્યાના પુરાવાઓનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે અને આ ગેંગમાં જે પણ સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અલવર જિલ્લાના ખૈરથલ અને મેવાત વિસ્તારમાં ખુલ્લેઆમ બીફ માર્કેટનું આયોજન, વેચાણ અને સોશિયલ મીડિયા દ્વારા હોમ ડિલિવરીનો મામલો સામે આવ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આઈજી ઉમેશ ચંદ્ર દત્તાએ ગઈકાલે સાંજે કિશનગઢબાસ અને રામગઢ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ગૌહત્યાના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મામલાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા બનવારી લાલ સિંઘલે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રૂંધના બલરામપુર અને ગીદાવડા ગામમાં બીફ માર્કેટમાં ધીકતો ધંધો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ અહીં દરરોજ 20 થી વધુ ગાયોની ગેરકાયદે કતલ કરીને ગૌમાંસ સપ્લાય કરવામાં આવતું હતું. હાઇવે પર વેચાતી બિરયાનીમાં બીફ અને 50 ગામોમાં હોમ ડિલિવરી હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ગૌહત્યાના વીડિયોના આધારે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.
આઈજી ઉમેશ ચંદ્ર દત્તા ગઈકાલે સાંજે કિશનગઢબાસ પહોંચ્યા હતા. તેમની સાથે ખૈરથલ એસપી સુરેન્દ્ર સિંહ, ભીવાડીના એસપી યોગેશ દધીચ, ડીએસપી સુરેશ કુડી, તિજારા ડીએસપી મુનેશ મીણાએ પણ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમને સ્થળ પર, રેતાળ ટેકરાઓ અને કોતરોમાં ઊંડા ખાડાઓ જોવા મળ્યા હતા. ઘણા ખાડાઓમાં તાજી માટીનું ભરણું જોવા મળ્યું હતું જેમાં કથિત રીતે પુરાવા દફનાવવામાં આવ્યા હતા.
આ સ્થળ રામગઢ વિધાનસભાના છેલ્લા ગામ બલરામપુર અને કિશનગઢના રૂંદના ગીદાવાડા હેઠળ આવે છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના સેક્રેટરી બલરામ યાદવે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, સરકારની નિષ્ફળતાને કારણે આ પ્રકારનો ધંધો ખુલ્લામાં ચાલી રહ્યો છે. પાર્ટીના નેતાઓ મોટા મોટા દાવા કરી રહ્યા છે. જમીન પર કોઈ કામગીરી થઈ રહી નથી.
આ મામલે જાણકારી આપતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જ્યાં ખુલ્લેઆમ પ્રતિબંધિત માંસનું વેચાણ થતું હતું તે જગ્યા બીહડોમાં આવેલી છે. માટીના ઊંચા ટેકરા તેમજ ડુંગરાળ વિસ્તાર સ્વાભાવિકપણે જ ગાયના દાણચોરો અને પ્રતિબંધિત માંસનું વેચાણ કરનારાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહે છે. આ મામલામાં કિશનગઢ બાસ પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રતિબંધિત માંસ ક્યાંથી લાવવામાં આવી રહ્યું છે અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને