જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવાયો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન આગવી રીતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષના પ્રમુખ જે. પી. નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે લોકસભાની એપ્રિલ કે મેમાં યોજાનારી આગામી ચૂંટણી ભાજપ નડ્ડાના નેતૃત્વ હેઠળ લડશે, તે પાકું થયું છે.
ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં નડ્ડાને પ્રમુખપદે ચાલુ વર્ષના જૂન સુધી રાખવાની દરખાસ્તને બહાલી અપાઇ હતી એટલે હવે ભાજપ અને તેના નેતૃત્વ હેઠળની એનડીએને લોકસભાની આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવાની જવાબદારી ફરી નડ્ડાને સોંપાઇ છે. નડ્ડાએ
ભાજપના મહત્ત્વના નિર્ણય લઇને તે પક્ષના સંસદીય બોર્ડ પાસે મંજૂર કરાવવાના રહેશે.
જે. પી. નડ્ડાની પહેલાં કેન્દ્રના હાલના ગૃહ પ્રધાન અમિત શાહ પક્ષના પ્રમુખ હતા. નડ્ડાને ૨૦૧૯માં ભાજપના કાર્યવાહક પ્રમુખ બનાવાયા હતા અને ૨૦૨૦માં પૂર્ણ સમયના પ્રમુખ બન્યા હતા.
જે. પી. નડ્ડાના નેતૃત્વ હેઠળ ભાજપે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ સહિત અનેક રાજ્યની ચૂંટણીમાં ઘણો સારો દેખાવ કરીને વધુ બેઠકો જીતી હતી.
દરમિયાન, ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં વિજયની હેટટ્રિક કરશે.
ભાજપને લોકસભાની આગામી ચૂંટણીમાં ૩૭૦થી વધુ અને ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને ૪૦૦થી વધુ બેઠક મળશે.
નડ્ડાએ અહીંના ભારત મંડપમ્ ખાતે યોજાયેલા પક્ષના બે દિવસના રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવેલા ભાજપના અંદાજે ૧૧,૫૦૦ પ્રતિનિધિને સંબોધતા જણાવ્યું હતું કે મોદી ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા ત્યારે ભાજપનું શાસન અંદાજે પાંચ રાજ્યમાં હતું, પરંતુ હવે આ સંખ્યા વધીને ૧૨ થઇ છે અને ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએનું શાસન ૧૭ રાજ્યમાં છે.
ભાજપના પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપે ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને સત્તા પોતાની પાસે જાળવી રાખી હતી. આ ઉપરાંત છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાની થોડા સમય પહેલા યોજાયેલી ચૂંટણીમાં બહુમતી મેળવીને સરકાર રચી હતી.
તેમણે જણાવ્યું હતું કે પશ્ર્ચિમ બંગાળમાં ૨૦૨૧માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકોની સંખ્યા અગાઉની ત્રણ બેઠકથી વધારીને ૭૭ કરાઇ હતી. (એજન્સી)