નેશનલ

રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું: મોદી

નવી દિલ્હી: રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના ભલા માટે ત્રીજી મુદત ઈચ્છું છું, એમ મોદીએ શનિવારે કહ્યું હતું.

આવનારી લોકસભાની ચૂંટણીમાં પક્ષ ફરી સત્તા પર આવી શકે તે માટે નવા મતદારો સુધી પહોંચવા અને તેમને વિશ્ર્વાસ જીતવાની ખાતરી કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને આવનારા ૧૦૦ દિવસ નવા જોશ અને આત્મવિશ્ર્વાસ સાથે કામ કરવાનું શનિવારે કહ્યું હતું.

પક્ષના રાષ્ટ્રીય મેળાવડાને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા આપણે મોટું સપનું જોવું પડશે અને મોટો સંકલ્પ કરવો પડશે.

આવનારાં પાંચ વર્ષ અતિ મહત્ત્વના હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આપણે ‘વિકસિત ભારત’ની દિશામાં મોટું પગલું ભરવું પડશે અને એ માટે સૌથી પહેલા તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિક્રમજનક બહુમતીથી વિજયી થાય તેની ખાતરી કરવી પડશે.

દેશની કરોડો મહિલા, ગરીબો અને યુવાનોનું સપનું એ મારું સપનું છે, એમ તેમણે કહ્યું હતું.

અમે દેશને કૌભાંડો અને આતંકવાદથી મુક્ત કરાવ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનું જીવનધોરણ સુધરે તે માટે પણ અમે પ્રયાસો કર્યા છે.

સત્તાના આનંદ માટે હું ત્રીજી મુદત નથી ઈચ્છતો, પરંતુ દેશ માટે કામ કરવા હું એ ઈચ્છી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.

મેં જો માત્ર મારા ઘરનો જ વિચાર કર્યો હોત તો દેશના કરોડો લોકો માટે ઘરનું નિર્માણ કરવાનું શક્ય ન બન્યું હોત, એમ તેમણે કહ્યું હતું.

કોઈ પણ આક્ષેપ વિનાનો ૧૦ વર્ષનો વહીવટ અને પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીની રેખાથી ઉપર લાવવા એ નાની સિદ્ધિ નથી, એમ તેમણે કહ્યું હતું.

એક વરિષ્ઠ નેતાએ એક વાર મને કહ્યું હતું કે સીએમ અને પીએમ તરીકે તમે ઘણું કર્યું. હવે તમારે આરામ કરવો જોઈએ, પરંતુ હું રાજનીતિ માટે નહીં રાષ્ટ્રનીતિ માટે કામ કરું છું.

હું છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરું છું અને તેમની પાસેથી પ્રેરણા મેળવું છું, એમ તેમણે કહ્યું હતું.

હું એવા લોકો જેવો નથી જેઓ માત્ર પોતાના આનંદ માટે જ જીવે છે. હું રાજકીય લાભ માટે નહિ, પરંતુ દેશના લાભ અને ભાજપ માટે ત્રીજી મુદતની વકાલત કરું છું.

લાલ કિલ્લા પરથી મહિલાઓનાં ગોરવ અંગે બોલનાર તેમ જ શૌચાલયોનો મુદ્દો ઉઠાવનાર હું પ્રથમ વડા પ્રધાન છું.

‘’વિકસિત ભારત’ના નિર્માણ માટે ભાજપ યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની તાકાતને એકજૂટ કરી રહ્યો છે.

આવનારાં દિવસોમાં માતાઓ, બહેનો અને પુત્રીઓ માટે વિપુલ તક હશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મિશન શક્તિ દેશની મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરશે.
૧૫,૦૦૦ મહિલાઓ ધરાવતા સેલ્ફ ગ્રૂપને ડ્રોન મળશે, એમ તેમણે કહ્યું હતું.

હવે ‘ડ્રોન દીદી’ કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક વલણ તેમ જ અત્યાધુનિકતા લાવશે અને દેશની ત્રણ કરોડ મહિલાને ‘લખપતિ દીદી’ બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પાંચ સદીના વિલંબનો ભાજપે અંત આણ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે પાંચસો વર્ષ બાદ ગુજરાતના પાવાગઢમાં પણ ધાર્મિક ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સાત દાયકા બાદ અમે કતારપુર સાહેબ હાઈવે ખુલ્લો મૂકાયો છે એમ જણાવતાં તેમણે કહ્યું હતુું કે સાત દાયકા બાદ દેશને બંધારણની ૩૭૦મી કલમથી મુક્તિ મળી છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button