ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે પોલીસ કેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ૨૦ દિવસમાં બે આઈપીએસ સહિત ૧૨ અધિકારી સામે વિવિધ ગુનાસર પોલીસ કેસ નોંધાયા છે. એક અસાધારણ ઘટનાક્રમમાં બે આઇપીએસ અધિકારીઓ, ડીએસપી કક્ષાના ત્રણ અધિકારી, ઇન્સપેક્ટર કક્ષાના બે અધિકારી અને બે હેડ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨ પોલીસ અધિકારીઓ સામે વિવિધ ગુનાસર પોલીસ કેસ નોંધાયા છે જે પૈકી કેટલાંકની ધરપકડ એક મહિનાથી ઓછા સમયમાં કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ પોલીસ અધિકારીઓ સામે જે ગુના નોંધાયા છે તેમાં ધાક-ધમકીથી પૈસા પડાવવા, પોલીસ ફરિયાદ નહીં નોંધવી, કથિત બળાત્કાર અને કસ્ટોડિયલ ડેથ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓ સામે વિવિધ ગુનાસર પોલીસ કેસ નોંધાવાની શરૂઆત ગત ૨૭મી જાન્યુઆરીથી શરૂ થઇ હતી જ્યારે જૂનાગઢ પોલીસના પીએસઆઇ મુકેશ મકવાણાની કસ્ટડીમાં રહેલાં હર્ષિલ જાદવનું કસ્ટોડિયલ ડેથ થયું હતું. જેની જૂનાગઢ પોલીસે લંબાણપૂર્વકની તપાસ કરી પીએસઆઇ મુકેશ મકવાણાની ગત ૨જી ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક કૌભાંડમાં માણાવદર સર્કલ પીઆઇ તરલ ભટ્ટ પીએસઆઇ એ.એમ. ગોહિલ અને એએસઆઇ દિપક જાનીની સંડોવણી બહાર આવી હતી જેના પગલે તેઓની સામે પોલીસ કેસ નોંધાયો હતો. આ ત્રણ પોલીસ અધિકારીઓ સામે ખોટા બહાના હેઠળ જુદી જુદી વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાનો અને બાદમાં આ એકાઉન્ટ ખોલી આપવા માટે પૈસાની લાંચ માગવાનો ગંભીર આરોપ મુકાયો હતો. કેરળના એક વેપારીએ રેન્જ ડીઆઇજી નિલેશ જાજડિયાનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી જેના પગલે તપાસ શરૂ કરાઇ હતી. જો કે બાદમાં તપાસ ઢીલી હોવાનું અને ઇરાદાપૂર્વક તેમાં પોલીસ અધિકારીને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે એવી ગંધ આવી જતાં આ કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી અને એટીએસના અધિકારીઓએ પીઆઇ તરલ ભટ્ટ, પીએસઆઇ એ.એમ. ગોહિલ અને એએસઆઇ દિપક જાનીની ધરપકડ કરી હતી. આ ત્રણેય પોલીસ અધિકારીઓએ કુલ ૩૩૫ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા અને બાદમાં તેને ફરીથી શરૂ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માગી હતી. ઉલ્લેખનીય છે કે તાલીમ લઇ રહેલાં ચાર પીએસઆઇને તાજેતરમાં જ ખોટા બહાના હેઠળ રજા લેવા બદલ નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. આ ઘટના ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં બની હતી.