ચૂંટણીલક્ષી નિર્ણય કાંદાની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવાયો
મુંબઈ: દેશમાં કાંદાની કિંમતો નિયંત્રણમાં રહે અને કાંદા નાગરિકો માટે ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, જે હવે ઉઠાવી લેવાયો છે. ૩૧ માર્ચ સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો હોવાની માહિતી રાજ્ય કક્ષાના કેન્દ્ર પ્રધાન ડૉક્ટર ભારતી પવારે આપી છે. આ અંગેનો અધ્યાદેશ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતા હેઠળ રચવામાં આવેલી સમિતિએ આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
છેલ્લાં અમુક દિવસોથી મહારાષ્ટ્ર ઉપરાંત આખા દેશમાં ખેડૂતો કાંદાની નિકાસ ઉપર પ્રતિબંધના કારણે થોડા નારાજ જણાતા હતા. મહારાષ્ટ્ર ભાજપના પણ અનેક નેતાઓ આ મુદ્દે પ્રતિબંધ ઉઠાવવાની માગણી સાથે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. ગૃહ પ્રધાને પણ આ માગણી સ્વીકારીને કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
કેન્દ્ર સરકારના કાંદાની નિકાસ પરના પ્રતિબંધના નિર્ણયના કારણે કાંદાના ભાવ ગગડ્યા હતા. સ્થાનિક સ્તરે તેના પડઘા પડ્યા હતા અને આંદોલન પણ થયા હતા. જેના કારણે ખેડૂતો નારાજ જણાતા હતા. જોકે, ખેડૂતોની નારાજગી જોતા કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.