જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના તો સમજજો ઝિન્દગી થૈ-ગૈ શરૂ ઘર્ષણ વિના
સમાજને બદલવાનું કામ ઈશ્ર્વરનું – પ્રભુનું છે અને તે આપણને તેના કામને લાયક માધ્યમ અર્થાત્ હથિયાર સમજે તો કામ સોંપે તે માટે લાયકાતો વધારતા જવું જોઈએ એમાં હથોડી, પક્કડ, કરવત ન ચાલે
આચમન -અનવર વલિયાણી
આજના લેખની શરૂઆત વાચક બિરાદરોને એક પ્રશ્ર્નથી કરીએ છીએ:
તમે સમાજને બદલી ન શકો તો જાતે બદલશો?
- સમાજને બદલવાની તાકાત ભગવાન બુદ્ધ, જિસસ, ભગવાન મહાવીર, પયગંબર હઝરત મહમ્મદ, મોઝેઝ, સંત કબીર, અબ્રાહમ લિંકન, ગાંધીજી જેવાઓમાં હતી અને તેમની જેમ અંત:કરણમાંથી સંભળાતા ઈશ્ર્વરના આદેશો સાંભળવાની તથા તેના પર દૃઢતાથી સર્વસ્વના ભોગે અમલ કરવાની શક્તિ આપણામાં ન હોય તો પહેલા જાતે જ બદલી થવું સારું.
લેખની શરૂઆતમાં કહ્યું તેમ યુગ પ્રવર્તક યુગ પુરુષોએ પોતાની જાતને જ.
રહેણી-કરણી,
આચાર-વિચાર,
તે સમયની વિચારધારાથી જુદી જ રીતે જીવવાની શરૂઆત કરી.
કેટલાકને ગમ્યું, ઘણાને ન ગમ્યું.
કેટલાકે સાથ આપ્યો – કેટલાક દુશ્મન થયા.
છતાં પણ જેઓ જરાય ડગ્યા નહીં,
ઝેર પીધું.
ગોળીઓ ખાધી.
ખીલે જડાણા.
હત્યા થઈ.
અને એ પછી ત્વારીખ ગવાહ છે સમાજ બદલાયો.
વિચારધારા બદલી થઈ
વૈચારિક ઉત્ક્રાંતિ અને ક્રાંતિ થઈ
હૃદય પરિવર્તન તથા સામાજિક કાયદાઓ બદલાયા
નવાં મૂલ્યો – માપદંડ સ્થપાયા
સનાતન સત્ય:
સમાજને પોતાના હિતમાં, સ્વાર્થ, દ્વેષ અને લોભ માટે બદલી કરવાનો પ્રયાસ હિટલર, સ્ટેલિન, ઝારના તથા ઈજિપ્તના રોમના રાજાઓએ આસુરી વૃત્તિ તથા રાવણની જેમ હિંસક રીતે કર્યો, પણ તેનાથી હૃદય પલટો, વર્તન પરિવર્તન ન થયા કારણ તેઓ ઈશ્ર્વરની ઈચ્છા પ્રમાણે પરિવર્તન ચાહતા હતા અને પોતાના સુખ-ભોગવિલાસ, માન્યતા અહંકાર – અભિમાનમાં કાપ મૂકવા તૈયાર ન હતા.
ધર્મ સંદેશ:
સમાજને બદલવાનું કામ ઈશ્ર્વરનું – પ્રભુનું છે અને તે આપણને તેના કામને લાયક માધ્યમ અર્થાત્ હથિયાર સમજે તો કામ સોંપે તે માટે લાયકાતો વધારતા જવું જોઈએ એમાં હથોડી, પક્કડ, કરવત ન ચાલે.
દિલો દિમાગ, નિસ્વાર્થ કર્તવ્યદૃષ્ટિ સમારકામનાં ‘હથિયારો’ ઘણાં જ શુદ્ધ અને ઉત્તમ ધાતુનાં બનેલાં અને ટેમ્પર્ડ હોવાં જોઈએ.
બોધ:
- સમાજ કો બદલ દાલોની શરૂઆત સ્વયં પોતાનાથી જ થાય, શિક્ષણ – તાલીમથી થાય, કાયદા-કાનૂનોના ન્યાયીપણાથી, આર્થિક સમાન તકોથી, અંધશ્રદ્ધાઓ દૂર કરવાથી, સારા શુદ્ધ-સાત્ત્વિક ખોરાકથી, સારી સસ્તી
આરોગ્ય સેવાઓથી, વ્યસનોને જાકારો આપવાથી, ભ્રષ્ટાચારો ન થાય તેવા સરળ-આસાન કાયદાઓથી, સંત-સાધુઓ-શાહોના સત્સંગ, સારા વાંચનથી શક્ય બને.
વ્હાલા વાચક બિરાદરો! રસ્તો ઘણો લાંબો છે અને જે ક્ષેત્રે આપણે થોડો પણ ફાળો આપીએ શકીએ, તેનાથી સમાજ આપણી ભાવિ પેઢીઓ સારી રીતે જીવવાલાયક બનતો જશે. આ પંક્તિઓ મુજબ:
જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના
તો સમજજો ઝિન્દગી થૈ-ગૈ શરૂ ઘર્ષણ વિના
-શેખ આદમ આબુવાલા
નીરખે તું તે તો છે નીંદર ચેતમછંદર!
ચેતવ ધૂણી ધીખી અંદર ચેતમછંદર! - ચંદ્રકાંત ટોપીવાલા
જિંદગાનીનું ઘડામણ એટલું સહેલું નથી.
થોડા ખુદની જાત ઉપર પણ પ્રહારો જોઈએ
-મરીઝ