ભક્તિ અને યોગ
ગીતા મહિમા -સારંગપ્રીત
અત્યાર સુધી બારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાના પ્રિય ભક્તના ભક્તિયોગનું વિશ્ર્લેષણ કરી ભક્તિનું સાચું સ્વરૂપ સજાવ્યું. હવે તેનો આ અંતિમ શ્ર્લોક અધ્યાયનો ઉપસંહાર રજૂ કરે છે.
ये तु घर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते।
श्रद्दधाना मत्परमा भक्तास्तेडतीव मे प्रियाः ॥12/20॥
અર્થાત્ ખરેખર, જેઓ આ સ્વરૂપનિષ્ઠારૂપ ધર્મથી યુક્ત અમૃતને જેમ મેં કહ્યું તેમ ઉપાસે છે, તે શ્રદ્ધા અને મુજ પરાયણ ભક્તો મને અતિશય પ્રિય છે.
પરમાત્માને પામવાની માત્ર ઇચ્છા રાખવાથી પરમાત્મા નથી મળતા, પણ તે દિશામાં સભાન પ્રયત્ન કરવો પડે છે. તે માટે કૃપાળુ પરમાત્માએ ‘શું કરવું અને શું ન કરવું’ તેનું સુપેરે અહીં માર્ગદર્શન આપ્યું છે. સર્વગુણ સંપન્ન એવા પરમાત્માના દિવ્યગુણોને આત્મસાત કરવાની એક આંતરિક સાધના છે. ભગવાન અહીં ભક્તને શ્રદ્ધાળુ અને મુજ પરાયણ, એ બે પાયાના ગુણ દ્વારા ઓળખાવે છે. હા, પરમાત્માના યથાર્થ મહિમા અને મૂળસ્વરૂપના જ્ઞાન સાથે જ્યારે પ્રભુભક્તિ થાય છે ત્યારે ભક્ત પરમાત્માને સંપૂર્ણ આધીન થઈને ભક્તિ કરે છે. ત્યારે અમૃત સમાન દિવ્યગુણો ધીમે ધીમે ભક્તમાં પાંગરતા જાય છે અને જ્યારે ભક્ત સર્વ દિવ્યગુણ સંપન્ન બને છે ત્યારે અવિચળ અતિ સુખમય પદને પામે છે, જ્યાંથી તેને ક્યારેય પાછું ફરવાનું થતું નથી.
આ અધ્યાયમાં વર્ણવેલા ગુણોમાંથી બે ચાર ગુણ આપણને કોઈ ભક્તમાં ક્યાંક જોવાં પણ મળે. કોઈ સંતોષી હોય તો કોઈ ક્ષમાવાન હોય, કોઈ નિર્માની હોય તો કોઈ પવિત્ર હોય. પણ અહીં એ યાદ રાખવું ઘટે કે ભગવાનને પ્રિય થવા ઇચ્છુક ભક્તે ગણ્યા ગાંઠ્યા ગુણો આત્મસાત કરવાથી પરમાત્માનું સાંનિધ્ય પ્રાપ્ત નથી થતું, પરંતુ આ અધ્યાયમાં વર્ણવાયેલ સમગ્ર ગુણ જ્યારે ભક્ત આત્મસાત કરે છે, ત્યારે પરમાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તને પોતાની સમીપ સ્થાન આપે છે. વસ્તુત: ભગવાને ‘પરમાત્માને પ્રિય’ બનવાની ડિગ્રી મેળવવા માટે જાણે કે એક અભ્યાસક્રમ આપી દીધો છે. આ અધ્યાયમાં દર્શાવેલ પ્રત્યેક ગુણ અભ્યાસમાં આવતા વિષય સમાન છે. જેમ એન્જિનિયર બનવા ઇચ્છુક વિદ્યાર્થી જ્યારે અભ્યાસક્રમના તમામ વિષય પાસ કરે ત્યારે તેને એન્જિનિયરની ડિગ્રી મળે છે. પણ કોઈ એક વિષયમાં સર્વોત્તમ દેખાવ કરવાથી કોઈ ડિગ્રી નથી મળતી, તેમ ભક્ત માટે આ પ્રત્યેક ગુણને સાંગોપાંગ ધારણ કરવો અનિવાર્ય બને છે.
ભક્તિનું સ્વરૂપ બહુઆયામી છે. સામાન્ય રીતે આપણે પ્રભુ નામ, જપ, સત્સંગ, દર્શન વગેરે અનેક રૂપે ભક્તિ કરીએ છીએ. આ બધા પ્રભુ ભક્તિનાં સાધન છે. પરંતુ આપણે ક્યારેય જાત તપાસ નથી કરતા કે વીસ, પચીસ કે પચાસ વર્ષથી ભગવાનની ભક્તિ તો હું કરું છું પણ મારામાં શું કોઈ બદલાવ આવ્યો છે? મારો આધ્યાત્મિક વિકાસ કેટલો થયો છે? અહીં બતાવેલ એક એક ગુણ આપણે કરેલી ભક્તિનું એક એક ફળ છે, પરમાત્માને પ્રિય થવા માટેની લાયકાતનું જાણે એક ચેકલિસ્ટ છે.
સામાન્ય રીતે જ્યારે અભ્યાસક્રમ લાંબો લાગે ત્યારે વિદ્યાર્થી અમુક ટોપિક ઓપ્શનમાં કાઢતા હોય છે. પણ અહીં તો કોઈ ઓપ્શન નથી. અભ્યાસક્રમ સો ટકા પૂરો કરવો રહ્યો. આ ધરતી પર બહુ જૂજ એવા ભક્તો હશે જેમાં આ સર્વગુણોના સાક્ષાત દર્શન થાય. એટલે આપણા જેવા સામાન્ય મનુષ્ય ઘણી વખત ચિંતિત થઈ જાય કે શું આ શક્ય છે? આ શક્ય વાતની ખાતરી કરાવવા પરમાત્મા પોતાના પ્રિય ભક્તને આ ધરતી પર મોકલે છે, જેઓ આ સમગ્ર ગુણભંડારના ધણી હોય છે. તેમનું અનુકરણ એજ આ ભગવદ્ ગુણોને આત્મસાત કરવાનો રાજમાર્ગ બની જાય છે. ત્રીજા અધ્યાયમાં ્રૂડ્ર ્રૂડ્ર અળખફરુટ હજ્ઞશ્રર્છીં કહીને આ વાત ભગવાન કૃષ્ણે પુષ્ટ કરી છે.
ભારત દેશ નરસિંહ મહેતા, મીરાંબાઈ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ જેવા દિવ્ય ગુણોથી સંપન્ન સંતો અને ભક્તોની ભૂમિ છે. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને આજે પ.પૂ. મહંતસ્વામી મહારાજને જે લોકોએ નજીકથી નિહાળ્યા છે તેમને એવી નક્કર પ્રતીતિ થાય છે કે તેઓ આ સમગ્ર દિવ્ય ગુણોના ધારક છે. ભારતની ભૂમિ આવા સંત-મહાપુરુષોની દિવ્યતાથી ઉન્નત, ઉજ્વળ અને રક્ષાયેલી છે.
આવા સંતોને ઉદ્દેશીને ભક્તકવિ પ્રેમાનંદ સ્વામીએ એક સુંદર ભક્તિપદમાં ગાયું છે-
“એવા સંતને સેવે જે પ્રાણી,
પ્રેમ પ્રતીતિ ઉરમાં રે આણી;
હાં રે પ્રેમસખી કે’ ઉતારે ભવપારા રે
બારમાં અધ્યાયનો આ અંતિમ શ્ર્લોક ભક્તિને યોગ સુધી પહોંચાડી દે છે. નિસ્સંદેહ આ ભક્તિયોગ જ પરમાત્મા સાથે જોડાવાનું મુખ્ય સાધન છે, કેમકે આ જ સ્વરૂપનિષ્ઠા છે.