રોહિતે યશસ્વી, સરફરાઝને ગુસ્સાથી ઇશારામાં કહ્યું, ‘મેં હજી શૂઝ નથી પહેર્યાં એટલે હમણાં પાછા ન આવો’
રાજકોટ: અહીં ત્રીજી ટેસ્ટમાં રવિવારે ચોથા દિવસે દાવ ડિક્લેર કરવાની બાબતમાં રમૂજી સ્થિતિ સર્જાઈ હતી. એમાં માત્ર બે ભારતીય બૅટર યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાનને જ નહીં, પણ ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સ અને તેના સાથીઓ પણ મૂંઝાઈ ગયા હતા.
ભારતની ઇનિંગ્સમાં 97મી ઓવરને અંતે ડ્રિન્ક્સ-બ્રેક પડ્યો હતો. રોહિત શર્મા ત્યારે ડ્રેસિંગ રૂમમાં ટેસ્ટના સફેદ ડ્રેસમાં સજ્જ થઈને ઊભો હતો. યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને તરસ છીપાવ્યા બાદ રોહિતને વ્હાઇટ ડ્રેસમાં જોઈને સમજ્યા કે દાવ ડિક્લેર કરી દીધો. એવું માનીને બન્ને બૅટર પાછા આવી રહ્યા હતા.
ઇંગ્લિશ ટીમ પણ એવું માનીને પાછા આવવાની તૈયારી કરવા લાગ્યા હતા. જોકે રોહિતે હજી શૂઝ નહોતા પહેર્યાં એટલે તેણે ઇશારાથી બન્ને બૅટર પર ગુસ્સે થઈને તેમને પાછા જઈને બૅટિંગ ચાલુ રાખવાનું કહ્યું. નવી ઓવર શરૂ થઈ જેમાં સરફરાઝે સ્પિનર રેહાન અહમદની એ ઓવરમાં 6, 4, 6, 0 અને 1ના સ્કોરિંગ શૉટ્સ સાથે તેની બોલિંગની ધુલાઈ કરી હતી. એ તબક્કે રોહિતે દાવ ડિક્લેર્ડ જાહેર કર્યો હતો.
ભારતે ઇંગ્લૅન્ડને જીતવા 557 રનનો લક્ષ્યાંક આપ્યો, પણ બેન સ્ટૉક્સની ટીમનો 122 રનમાં જ વીંટો વળી ગયો.