ધર્મતેજ

નવધા ભક્તિ – ઈશ્ર્વર પ્રાપ્તિનો સુગમ માર્ગ

ભક્તિ વિશેષ -રાજેશ યાજ્ઞિક

આપણે ભક્ત વિશે તો વાત કરી તો હવે ભક્તિ વિશે પણ વાત કરીએ. આપણે જેમ ભક્તનાં વિવિધ લક્ષણોની વાત કરી હતી, તેમ ભક્તિના વિવિધ પ્રકારોની વાત કરીએ. સૌથી પહેલા તો જાણી લો કે ભક્તિ શું છે, ભક્તિ એ નિ:સ્વાર્થ પ્રેમ સિવાય બીજું કંઈ નથી. હિન્દુ ધર્મમાં ભક્તિને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. ભક્તની ભક્તિને કારણે ભગવાન પણ દોડી આવે છે. ભક્તિને અલગ-અલગ ગ્રંથોમાં અલગ-અલગ રીતે સમજાવવામાં આવી છે. વિવિધ સંપ્રદાયો અને સમુદાયો પોતપોતાની રીતે ભક્તિની વ્યાખ્યા કરે છે, પરંતુ આપણાં શાસ્ત્રોમાં નવ પ્રકારની ભક્તિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે.

નવધા ભક્તિનો ઉલ્લેખ બે યુગોમાં કરવામાં આવ્યો છે, સત્યયુગ અને ત્રેતાયુગ. સત્યયુગમાં, ભક્ત પ્રહલાદે તેમના પિતા હિરણ્યકશિપુને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો અને ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો હતો. પ્રહલાદજી દ્વારા કહેવામાં આવેલી નવધા ભક્તિ શ્રીમદ ભાગવત પુરાણના સાતમા ગ્રંથના પાંચમા અધ્યાયમાં છે.

તેનું પ્રથમ વર્ણન વિષ્ણુ પુરાણમાં આવે છે જે સત્યયુગમાં ભગવાનના નરસિંહ અવતાર સાથે સંબંધિત છે. તેમાં હિરણ્યકશિપુ અને પ્રહલાદ વચ્ચેની વાતચીત છે જેમાં પ્રહલાદ તેના પિતાને ભગવાન પ્રત્યેની નવ પ્રકારની ભક્તિ વિશે જણાવે છે. જેને અનુસરીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. શ્રીમદ ભાગવત સ્કંધ ૭, અધ્યાય પાંચ, અને શ્ર્લોક ૨૩માં પ્રહલાદ કહે છે,

શ્રવણમ ક્રીતનમ વિષ્ણો, સ્મરણમ પાદસેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ
અર્થાત: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન, આ નવ પ્રકારની ભક્તિ કહેવાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે નવ પ્રકારે ભગવાનની ઉપાસના કરવાથી મોક્ષ કેવી રીતે મેળવી શકાય છે. જો કોઈ વ્યક્તિ આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈપણ એકને પોતાના જીવનમાં કાયમ માટે અપનાવી લે, તો પણ તે ભગવાનના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે. આ નવ ઉપાયો ખૂબ જ સરળ અને અસરકારક છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મનું એકમાત્ર લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ છે. આવી સ્થિતિમાં, તમે નવધા ભક્તિ, જે ખૂબ જ સરળ છે, અપનાવીને પણ ભાગવતને પ્રાપ્ત કરી શકો છો.

પ્રહલાદ મહારાજે તેમના પિતા રાક્ષસ-રાજા હિરણ્યકશિપુ દ્વારા પૂછવામાં આવતા નવધા ભક્તિને શ્રેષ્ઠ ઉપદેશ તરીકે વર્ણવ્યો હતો.

જુદા જુદા યુગમાં આવા નવ વ્યક્તિત્વો છે જેઓ આ વિવિધ ભક્તિની પરાકાષ્ઠા તરીકે પ્રખ્યાત થયા છે. જેમના પુણ્યશ્ર્લોકી નામ છે,

શ્રવણ: પરીક્ષિત
કીર્તન: શુકદેવ
સ્મરણ : પ્રહલાદ
પાદ સેવન: માતા લક્ષ્મી
અર્ચન: પૃથુ
વંદન: અક્રુર
દાસ્ય: હનુમાન
સખ્ય: અર્જુન
આત્મ-નિવેદન: રાક્ષસ રાજા બલિ
તો આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ નવધા ભક્તિને વિશેષ રૂપે જાણીએ.

શ્રવણમ: ભગવાનનું પવિત્ર નામ સાંભળવું એ ભક્તિની શરૂઆત છે. જે પણ ઈશ્ર્વરમાં શ્રદ્ધા હોય તેમના ગુણોને સાંભળવા, જે પણ પવિત્ર ગ્રંથ, પછી તે શ્રીમદ ભાગવત અથવા અન્ય કોઈ પણ હોય, તેના પાઠને સાંભળવું એ સૌથી મહત્ત્વપૂર્ણ સાંભળવાની પદ્ધતિ છે. શ્રવણથી શરૂ કરીને, ભક્તિ દ્વારા જ વ્યક્તિ પરમ ભગવાન સુધી પહોંચી શકે છે. શ્રવણ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજે શ્રવણથી જ મોક્ષ મેળવ્યો.

કીર્તનમ: હંમેશાં ભગવાનના પવિત્ર નામનો જપ કરવો. ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરી છે: કલહ અને કપટના આ યુગમાં મુક્તિનું એકમાત્ર સાધન ભગવાનના નામનો જપ છે. બીજો કોઈ ઉપાય નથી, કોઈપણ દોષ વિના હરે કૃષ્ણ મહામંત્રનો ફક્ત જાપ કરવાથી, બધાં પાપો અને કાર્યો દૂર થાય છે અને ભગવાન પ્રત્યેના પ્રેમના કારણ તરીકે શુદ્ધ ભક્તિ દેખાય છે. ભક્ત જેમાં શ્રદ્ધા રાખતો હોય, તે ભગવાનના નામનો જપ કરે. હનુમાનમાં મુખમાં રામનું નામ હતું, નારદ મુનિના મુખમાં નારાયણનું નામ હતું, તો રાવણના મુખમાં શિવનું નામ હતું. ભગવાનનું પવિત્ર નામ ભગવાન જેટલું જ શક્તિશાળી છે, તેથી માત્ર ભગવાનના નામનો જપ અને સાંભળવાથી, લોકો મૃત્યુના મુશ્કેલ માર્ગને ઝડપથી પાર કરે છે (શ્રીમદ ભાગવત ૪.૧૦.૩૦). કીર્તન ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ શુકદેવ મહારાજ છે. શુકદેવ ગોસ્વામીજીએ કીર્તન દ્વારા જ મોક્ષ મેળવ્યો હતો.

સ્મરણ: શ્રવણ અને જપનું નિરંતર સેવન કર્યા પછી અને અંત:કરણને શુદ્ધ કર્યા પછી સ્મરણની ભલામણ કરવામાં આવે છે. મનુષ્ય જ્યારે ભગવાનના ચરણ કમળનું સતત ચિંતન કરે છે ત્યારે જ તેને સ્મરણની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. ભક્તિયોગનો મૂળ સિદ્ધાંત એ છે કે ભગવાન વિશે સતત વિચાર કરવો, પછી ભલે દુનિયા ગમે તે રીતે વિચારે. સ્મરણ ભક્તિનું વંદનીય ઉદાહરણ એટલે ભક્ત પ્રહલાદ. પ્રહલાદ મહારાજે સતત ભગવાનનું સ્મરણ કરીને મોક્ષ મેળવ્યો.

પાદ-સેવનમ: ભગવાનના ચરણ કમળના ચિંતનમાં ઊંડી આસક્તિને પાદ-સેવનમ કહે છે. તુલસી, ગંગા અને યમુનાની વૈષ્ણવ સેવા પાદ-સેવનમમાં સામેલ છે. ભગવાનના ચરણ કમળની સેવા કરીને લક્ષ્મીજીએ સિદ્ધિ પ્રાપ્ત કરી.

અર્ચનમ: અર્ચનમ એટલે ભગવાનના વિગ્રહ અર્થાતકે મૂર્તિની પૂજા. દેવતાની પૂજા અનિવાર્ય છે.તમારી શ્રદ્ધા અનુસાર ભગવાનની કોઈપણ મૂર્તિ અથવા માનસિક સ્વરૂપની દૈનિક ભક્તિ પૂજા. દરરોજ દીવો પ્રગટાવીને આરતી કરવી અને ભગવાનની પૂજા કરવી એ આ ભક્તિ હેઠળ આવે છે. જ્ઞાનના ઊંડાણમાં જેમને હજી પહોંચવાનું બાકી છે, પરંતુ જેઓ ભક્તિની નાવ પર સવાર થઇ ગયા છે તેવા ભક્ત માટે મૂર્તિ એક આલંબનનું કામ કરે છે. અર્ચનાનું વિશિષ્ટ ઉદાહરણ એટલે મહારાજ પૃથુ. પૃથુ મહારાજે ભગવાનની મૂર્તિની પૂજા કરીને મોક્ષ મેળવ્યો હતો.

વંદનમ: ભગવાનની પૂજા અથવા સ્તુતિ કરવી. ભગવાન અથવા સમગ્ર વિશ્ર્વને ભગવાનનું સ્વરૂપ માનીને તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરવા એ જ વંદન ભક્તિ છે. ભગવાનની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને વિધિ-વિધાનથી દરરોજ તેની પૂજા કરવી તેને વંદન કહેવાય છે. આમાં ભગવાન, માતાપિતા, આચાર્યો, બ્રાહ્મણો અને ગુરુઓનો આદર અને સેવાનો સમાવેશ થાય છે.

એક રીતે જોવા જઈએ તો આનાથી સરળ ભગવદ ભક્તિનું અન્ય કોઈ સાધન હોઈ ન શકે. પરંતુ એ પણ મહત્ત્વનું છે કે વંદન યંત્રવત ન હોવા જોઈએ. તેમાં ભારોભાર શ્રદ્ધા હોવી જોઈએ. સાચા વંદન ક્યારે થાય? જયારે આપણે જેને વંદન કરીએ તેમના સદગુણની આપણને સાચી ઓળખ હોય. વંદન ભક્તિનું અનોખું ઉદાહરણ એટલે અક્રૂરજી. અક્રૂરજીને વંદન ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થયો.

દાસ્યમ: દાસ તરીકે ભગવાનની સેવા કરવી એ દાસ્યમ. મારો અંગત મત એવો છે કે ભક્તિના બધા પ્રકારોમાં આ સૌથી કઠિન પ્રકાર કહી શકાય. કારણ દાસ થવું સહેલું નથી, પછી ભલેને ભગવાનના જ કેમ ન થવાનું હોય! દાસ થવા માટે અહમને ઓગાળી નાખવો પડે છે. તેના વિના સમર્પણ ક્યાંથી થાય? દાસ ભક્તિનું પરમ ઉદાહરણ કોઈ હોય તો હનુમાનજી જ હોઈ શકે. હનુમાનજીએ ભગવાન રામની સેવા કરીને મોક્ષ મેળવ્યો હતો.

સખ્યમ: ભગવાનને તમારા પરમ કલ્યાણકારી તરીકે માનવા અને તેમને તમારા મિત્ર તરીકે માનવા એ સખ્ય ભાવની ભક્તિ છે. ભગવાનને મિત્ર તરીકે પૂજવું. સખા શબ્દ ગહન પ્રેમનો સૂચક છે. સખ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ અર્જુન સિવાય અન્ય કોણ હોઈ શકે? અર્જુને ભગવાન સાથે મિત્રતા સ્થાપિત કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો.

આત્મનિવેદનમ્:
જ્યારે ભક્ત પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરે છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે બધું જ કરે છે, ત્યારે આ સ્થિતિ આત્મનિવેદનમ છે. ભગવાનનાં ચરણોમાં પોતાની જાતને હંમેશ માટે સમર્પિત કરી દેવી અને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ ન હોવી એ ભક્તિની આત્મ-ત્યાગ અવસ્થા છે. આ ભક્તિની શ્રેષ્ઠ અવસ્થા માનવામાં આવે છે. આત્મનિવેદનમનું શ્રેષ્ઠ ઉદાહરણ બલિ મહારાજ અને અંબરીશ મહારાજ છે. શરણાગતિના પરિણામે, ભગવાન બલિ મહારાજના દ્વારપાળ બન્યા અને તેમણે અંબરીશ મહારાજની સેવામાં સુદર્શન ચક્રની નિમણૂક કરી.

ભક્તની ભક્તિમાં કેટલું બળ છે, કે પરમાત્મા પણ તેના બની જાય છે, મોક્ષ પણ તેના માટે સરળ બની જાય છે. શ્રી રામાયણમાં ભગવાને સ્વમુખે કહેલી નવધા ભક્તિ વિશે પણ આપણે આગળ જાણીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ